સુરત, 25 જાન્યુઆરી : ભારતીય ચૂંટણી પંચના સ્થાપના દિન એટલે કે, 25મી જાન્યુઆરી ‘રાષ્ટ્રીય મતદાતા દિન (નેશનલ વોટર્સ ડે’) તરીકે દેશભરમાં ઉજવાય છે, જેના ભાગરૂપે સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે ‘ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ’ની થીમ પર અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એચ.આર.કેલૈયા અધ્યક્ષસ્થાને ‘ રાષ્ટ્રીય મતદાતા દિવસ-2022 ’ની ઉજવણી કરવામાં આવી હતી.
ગાંધીનગર ખાતેથી રાજ્ય ચુંટણી પંચના કમિશનર સંજય પ્રસાદના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજ્યકક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની વર્ચ્યુઅલ માધ્યમથી ઉજવણીમાં સુરત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા. આ પ્રસંગે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એચ.આર.કેલૈયાને 1 જાન્યુઆરી-2022ના મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા દરમિયાન સુરત જિલ્લામાં 1.73 લાખ નવા મતદારોના સમાવેશની શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યકક્ષાનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
આ પ્રસંગે એચ.આર.કેલૈયાએ જણાવ્યું હતું કે, ભારત પ્રજાસત્તાક દેશ 26 જાન્યુઆરી, 1950ના દિવસે બન્યો તેના એક દિવસ અગાઉ એટલે કે 25 જાન્યુઆરીએ ભારતીય ચૂંટણી પંચની સ્થાપના થઇ હતી. તેમણે કહ્યું કે, તંદુરસ્ત અને સુદ્રઢ ચુંટણી પ્રક્રિયા માટે મતદાતાની ભાગીદારી મહત્વની છે. મતદારોને મતદાનનો અમૂલ્ય અધિકાર મળ્યો છે. લોકશાહીના મૂલ્યોનું જતન અને સંવર્ધન કરીને મતદાન પ્રક્રિયામાં વધુમાં વધુ લોકો જોડાઈને ભારતની લોકશાહીને શિખરે લઈ જવાનો અનુરોધ તેમણે કર્યો હતો.સુરત શહેર-જિલ્લામાં વિવિધ એન.જી.ઓ., યુનિવર્સિટીઓ, કોલેજો, સ્વયંસેવકો, વિવિધ ક્લબો તથા જિલ્લા વહીવટીતંત્રના અધિકારી-કર્મચારીઓના સાથ સહકારથી તા 1લી જાન્યુ.-2022ની મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા દરમિયાન 1.73 લાખ મતદારો નવા ઉમેરાયા છે, જે પૈકી 18થી 19 વર્ષની વયના 61,000 યુવા મતદારોનો સમાવેશ કરવામાં સફળતા મેળવી છે. જ્યારે 43720 મતદારોના નામો ડિલીટ થયા છે. સુરત જિલ્લામાં કુલ 46,86,199 મતદારો હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નિમિત્તે શ્રેષ્ઠ સ્વીપ નોડલ ઓફિસરની ઉત્કૃષ્ટ કામગીરી કરનારા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુ. કમિશનર જયેશ ગાંધીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતાં.
આ પ્રસંગે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓનું મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. જેમાં શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે માંડવીના પ્રાંત અધિકારી ડો.જનમ ઠાકોર, શ્રેષ્ઠ મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે પ્રશાંત સોની, સ્વાતિ પટેલ, મયંકકુમાર રાઠોડ, શ્રેષ્ઠ નાયબ મામલતદારોમાં મનિષાબેન પટેલ, મિર્ઝા મોહમ્મદ વકાર રઇશ, દલપતસિંહ રાઠોડ, શ્રેષ્ઠ બી.એલ.ઓમાં આશિષકુમાર પંડ્યા, ક્રિનલ સોલંકી, મહાવીરસિંહ પુવાર, તથા શ્રેષ્ઠ સુપરવાઈઝરમાં હિમાલય વાઘ, ધવલ બાબરીયા, વિજય પટેલ તેમજ શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડર તરીકે હેત્વી જરીવાલા, શ્રેષ્ઠ એન.જી.ઓ. તરીકે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના રાહુલ અગ્રવાલ, સ્વંય સેવક તરીકે દીપક જયસ્વાલને સન્માનિત કરાયા હતા.

કાર્યક્રમના અંતે સૌએ સામૂહિક ‘મતદાતા પ્રતિજ્ઞા’ લિધી હતી.આ પ્રસંગે વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્ચેલર કે.એન.ચાવડા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતી, એન.સી.સી.ના કર્નલ મયંક ઉપાધ્યાય, વિવિધ યુનિ.ના પ્રતિનિધિઓ, ટ્રસ્ટના પ્રતિનિધિઓ, જિલ્લા વહીવટીતંત્ર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત