સુરત, 25 જાન્યુઆરી : છેલ્લા 5 દિવસથી સમગ્ર રાજ્યમાં કોરોના અને તેના નવા વેરિયન્ટ ઓમીક્રોનના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે.તમામ વ્યસાય, રોજગાર પુનઃ ધબકતા થયા છે. રાજ્યમાં 15થી 18 વર્ષની વયના તરુણોનું 94 ટકા રસીકરણ થઇ ગયું છે.પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ 24મી જાન્યુઆરીથી શાળાઓ ફરીથી શરૂ થઇ ગઈ છે. ગુજરાતમાં કોઈ પણ પ્રકારની ગંભીર પરિસ્થિતિ ન હોઈને આગામી 1લી ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 9નું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા અંગે અપીલ કરી છે.તેમજ મંડળ દ્વારા આ અંગે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને આવેદન પત્ર પણ પાઠવ્યું છે.
સુરતમાં આ અંગે મંડળના પ્રવક્તા ડો.દિપક રાજ્યગુરૂએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મંડળના પ્રમુખ ભરત ગાજીપરા અને મહામંત્રી રાજેશ નાકરાણીએ આપેલા આવેદનમાં જણાવ્યું છે કે રાજ્યમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં અગમચેતીના ભાગરૂપે શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું. હાલમાં ત્રીજી લહેર કાબુમાં છે.વર્તમાન જનજીવન રાબેતા મુજબ ચાલી રહ્યું છે.ઓન લાઈન શિક્ષણના કારણે ઘણા પ્રકારની સમસ્યાઓ પણ સર્જાઈ છે. બાળકોમાં ચીડિયાપણું, મોબાઈલનું વળગણ, એકલતાપણું જેવા મનોવૈજ્ઞાનિક ફેરફારો પણ તેમનામાં આવ્યા હતા. આ બધામાંથી બહાર આવીને પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું ત્યાં કોરોનાની લહેર આવી અને પ્રત્યક્ષ શિક્ષણ પ્રભાવિત થયું તેવું જણાઈ રહ્યું છે.વાલીઓ પણ તેમાં બાળકો ફરીથી પ્રત્યક્ષ શિક્ષણમાં જોડાય તેવી માંગ કરી રહ્યા છે.ત્યારે, કોવિડની તમામ ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે આગામી 1લી ફેબ્રુઆરીથી ધોરણ 1થી 9નું પ્રત્યક્ષ શિક્ષણ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવે તેવી મંડળ અપીલ કરે છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત