
સુરત, 26 જાન્યુઆરી : સુરત ખાતે રાષ્ટ્રના આન, બાન અને શાન સમા 26મી જાન્યુઆરી-73મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના અવસરે ધ્વજવંદન કરતાં નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રીકનુભાઈ દેસાઈએ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને મૂર્તિમંત કરવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત આજે કૃષિ, ઉદ્યોગ અને સેવા ત્રણેય ક્ષેત્રોમાં દેશભરમાં ઊડીને આંખે વળગે તેવી વિકાસની નૂતન કેડી કંડારી રહ્યું છે, ત્યારે આ ત્રણે ક્ષેત્રમાં સંતુલિત વિકાસ કરીને રાજ્યના અર્થતંત્રની ગતિને વધુ તેજ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

સુરત જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુરત શહેરના અઠવાલાઈન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દેશભક્તિના ઉમંગભર્યા માહોલ વચ્ચે કરવામાં આવી હતી. મંત્રીએ ધ્વજવંદન કરી માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે શહેરીજનોનું અભિવાદન ઝીલ્યું હતું.

આ પ્રસંગે મંત્રીએ આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા સ્વાતંત્ર્યસેનાનીઓ, ક્રાંતિકારીઓનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, દેશના વિરલાઓએ અંગ્રેજોની ચુંગાલમાંથી દેશને મુક્ત કરાવવા પોતાના મહામૂલા પ્રાણોની હસતાં મુખે આહૂતિ આપી હતી. ડો.બાબાસાહેબ આંબેડકરના સામાજિક સમરસતાના વિઝનથી દેશનું બંધારણ આકાર પામ્યું જેથી આજે દેશનો જનજન આગવા બંધારણીય અધિકારો થકી લોકશાહીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના વડપણ હેઠળ રાજ્ય સરકાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રબોધેલા ‘સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસ’ની રાહ પર ચાલી રહી છે. રાજ્ય સરકારે પ્રશાસનને સત્તા નહીં, પણ સેવાનું માધ્યમ બનાવ્યું છે.શિક્ષણ, રોજગાર, કૃષિ, ઉદ્યોગ, મહિલા સશક્તિકરણ, યુવા વિકાસ, સિંચાઈ, પીવાના પાણીની સવલતો, વંચિતો, વનબંધુઓનો વિકાસ અને ગરીબોને આવાસની સવલત જેવા વિકાસના તમામ ક્ષેત્રોમાં સિદ્ધિના સોપાનો ગુજરાત સર કરી રહ્યું છે.તાજેતરમાં યોજાયેલી ગ્રામપંચાયત ચૂંટણીમાં 1183 સમરસ ગ્રામપંચાયતોને રૂ.63 કરોડથી વધુ પ્રોત્સાહક અનુદાન આપ્યું છે. મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનામાં 50 હજાર યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવ્યાં છે, કુટિરયોજના હેઠળ 19 હજાર ઝૂંપડાઓમાં વિજ કનેક્શન, મનરેગા યોજનામાં રૂ.128 કરોડના ખર્ચે 17835 જનહિતના કામોના ભૂમિપૂજન અને ખાતમુહુર્ત જેવી અનેકવિધ કાર્યસિદ્ધિઓ વર્ણવી હતી, અને વિકાસની ગતિને હજુ વધુ તેજ કરવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. દેશના અદ્રશ્ય દુશ્મન કોરોના સામેની લડાઈમાં દેશવાસીઓના સહયોગથી દેશે 160 કરોડ ઉપરાંતના રસીકરણની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી કોરોનાને નાથવાના જંગમાં ઈતિહાસ સર્જ્યો છે. વિશ્વના આ સૌથી મોટા રસીકરણ અભિયાનમાં ગુજરાત મક્કમતાથી અગ્રેસર રહ્યું છે.

તેમણે વિગતો આપતાં કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 121 દિવસમાં 53.87 લાખથી વધુ લોકોને કોવિડ રસીકરણનો પ્રથમ ડોઝ તથા 2.33 કરોડ લોકોને દ્વિતિય ડોઝ આપવામાં આવ્યો છે. હાલ કુલ 4.77 કરોડ લોકોને કોવિડ રસીકરણનો પ્રથમ ડોઝ તથા 4.36 કરોડ લોકોને દ્વિતિય ડોઝ આપવામાં આવ્યો છે. 18 વર્ષથી ઉપરની ઉંમરના 90% નાગરિકોને પહેલો ડોઝ અપાઈ ગયો છે. રાજ્યના 15થી 18 વર્ષની વયના યુવાનોને કોરોનાથી સુરક્ષિત કરવા રસીકરણ મહાઅભિયાન આરંભીને પ્રત્યેક યુવાનને રસી આપવાની તેમજ પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. કોરોના સામે હજુ પણ સાવધાની રાખી દેશને કોરોનામુક્ત કરીશું એવી અપેક્ષા પણ વ્યકત કરી હતી.

સુરતવાસીઓને ગણતંત્રદિન પર્વની શુભેચ્છાઓ પાઠવતા મંત્રીએ જણાવ્યું કે, ભારતભરમાંથી પોતાનું ભાગ્ય અજમાવવા સુરત આવેલા લાખો કર્મશીલ નાગરિકોના સપનાઓથી આધુનિક સુરતનું નિર્માણ થયું છે. પુરપાટ ગતિથી વિકસતુ શહેર સમગ્ર દુનિયામાં ઝડપી વિકસતા શહેરોમાં ચોથા નંબરનું સ્થાન ધરાવે છે. મિની ભારતની ઉપમા મેળવનાર સુરતે દેશના ખૂણે-ખૂણેથી આવેલા લાખો ભારતીયોને અપનાવ્યા હોવાનું જણાવી સુરતના ઉતરોત્તર વિકાસ માટે સૌ નાગરિકો એક અને નેક બની આગળ વધે એવી લાગણી વ્યકત કરી હતી.સુરતવાસીઓએ પાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર સાથે ખભેખભા મિલાવી સુરતને સ્વચ્છતા સહિત અનેક ક્ષેત્રોમાં અગ્રીમ સ્થાન અપાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. વિશ્વના તખ્તા પર ડાયમંડ અને ટેક્ષટાઈલ નગરી તરીકે સમગ્ર દેશમાં જાણીતા શહેરે હવે ક્લિન સિટી, ડ્રીમ સિટી, બ્રિજ સિટી જેવા અનેક નામોથી વિશ્વમાં ઓળખાણ બનાવી છે. જ્યારે સુરત જિલ્લાના ગ્રામ્ય અર્થકારણમાં પણ સહકારી ક્ષેત્રે દુધ-ખાંડ મંડળીઓએ પણ ભારતભરમાં નામના મેળવી છે એમ જણાવી દેસાઈએ જનશક્તિની ઈચ્છાશક્તિથી જ વિકાસની ઈમારત ચણાય છે.
પ્રજાસત્તાક પર્વ ઉજવણીના અવસરે મંત્રીની ઉપસ્થિતિમાં કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝ મૂકવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે પોલિસ, આરોગ્ય વિભાગના કર્મયોગીઓને મંત્રી દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. સાથોસાથ કરૂણા અભિયાનમાં યોગદાન આપનાર સેવાભાવી નાગરિકો, સંસ્થાઓઓનું પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરાયું હતું.મંત્રીએ સુરત જિલ્લાના વિકાસ માટે રૂા. 25 લાખનો ચેક ઈ.જિલ્લા કલેક્ટરવી.એન.શાહને અર્પણ કર્યો હતો.હોમગાર્ડ્ઝ, એન.સી.સી., સ્કાઉટ ગાઈડ, મહિલા વગેરે પ્લાટુનની તાલીમબદ્ધ પરેડ પણ યોજવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણી સરકારના દિશા-નિર્દેશો અનુસાર સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મંત્રી તથા અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય મોહન ઢોડીયા, પ્રવિણ ઘોઘારી, વિવેક પટેલ, ઈ.જિલ્લા કલેક્ટર અને સુડાના સી.ઈ.ઓ. વી.એન.શાહ, પોલિસ કમિશનર અજય તોમર, જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડા, નિવાસી અધિક કલેકટર વાય.બી.ઝાલા, નાયબ વન સંરક્ષક પુનિત નૈયર, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત