રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવથી સીધી ખરીદી કરશે

પ્રાદેશિક
Spread the love

સુરત, 27 જાન્યુઆરી : ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારે વર્ષ 2021-22માં તુવેર માટે રૂ. 1260 પ્રતિ 20 કિ.ગ્રા(મણ), ચણા માટે રૂ. 1050 પ્રતિ 20 કિ.ગ્રા (મણ), અને રાયડા માટે રૂપિયા 1010 પ્રતિ 20 કિ.ગ્રા(મણ) લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરેલા છે. રાજયમાં ખરીફ/રવિ સીઝન 2021-22 માં લઘુતમ ટેકાના ભાવે તુવેરની ખરીદી તા.15/02/2022 અને ચણા તથા રાયડાની ખરીદી તા.01/03/2022થી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિ.,અમદાવાદ મારફતે કરવામાં આવનાર છે.
લઘુતમ ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડાનું વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતો વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરાવી શકશે. સમગ્ર રાજ્યમાં સ્થાનિક/ગ્રામ્યકક્ષાએ VCE દ્વારા તા01/02/2022થી તા.28/02/2022 સુધી કરવામાં આવશે. તે મુજબ તમામ ખેડૂતોએ નોંધણી કરાવવી જરૂરી છે. નોંધણીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતો હોઈ ખેડૂતોએ નોંધણી માટે VCE ને કોઈપણ પ્રકારની રકમ ચૂકવવાની રહેતી નથી.નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે આધાર કાર્ડની નકલ, અદ્યતન મહેસૂલી રેકર્ડ જેમાં ગામ નમુનો 7,12,8-અની નકલ, ગામ નમુના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.રાજ્યમાં તુવેર, ચણા અને રાયડા પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક હોય તેઓની ઓનલાઈન નોંધણી ફરજીયાત હોઈ આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવી. નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો સવાર 9 થી સાંજના 6 સુધી હેલ્પલાઈન નં.079-26407607, 079-26407609, 264076010, 264076011, અને 264076012 ઉપર સંપર્ક કરવા ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીની યાદીમાં જણાવાયું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *