સુરત :શહેર મનપાનું વર્ષ 2022-23નું 6970 કરોડનું અંદાજિત બજેટ રજૂ કરતા મનપા કમિશનર , યુઝર્સ ચાર્જમાં 12.47 કરોડનો વધારો

સ્થાનિક
Spread the love

સુરત, 27 જાન્યુઆરી : રાજ્યની આર્થિક રાજધાની મનાતા અને સમગ્ર વિશ્વમાં ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટીમાં 4થો ક્રમ ધરાવતા સુરત શહેરનું વર્ષ 2022-23નું 6970 કરોડનું અંદાજિત બજેટ ગુરુવારે મનપા કમિશનરે બંછાનીધી પાનીએ રજૂ કર્યું હતું.વર્ષ 2022-23ના આ ડ્રાફ્ટ બજેટમાં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ બજેટમાં સામાન્ય વેરામાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.જયારે, યુઝર્સ ચાર્જમાં અંદાજિત 12.47 કરોડનો વધારો કરાયો છે.
બજેટને રજૂ કરતા મનપા કમિશનરે જણવ્યું હતું કે વર્ષ 2022-23ના આ 6970 કરોડના બજેટમાં 3183 કરોડ કેપિટલ ખર્ચનો અંદાજ લગાવવામાં આવ્યો છે.જયારે, બજેટમાં 3616 કરોડ રેવન્યુ આવક અને 3787 કરોડ રેવન્યુ ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે. કોરોના સંક્રમણના કારણે ઘણા બધા કેપિટલ કામની ગતિ ખૂબ જ ધીમી થઇ હતી. હવે, તે તમામ કામો ઝડપથી પૂર્ણ થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવશે.બજેટમાં વિકાસની સાથે સાથે આરોગ્યલક્ષી સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.શહેરમાંથી પસાર થતી તાપી નદીના શુદ્ધિકરણ, રીવર ફ્રન્ટ, મેટ્રો ટ્રેન, બેરેજ, શહેરના નવા સમાવિષ્ટ વિસ્તારોમાં નાગરિકો માટે પ્રાથમિક સુવિધાઓ સહિતના કાર્યોને અગ્રીમતા આપવામાં આવશે. વર્ષ 2050 પછી પણ આપણી પાસે વોટર બેલેન્સ જળવાઈ રહે તેનો પ્લાન બનાવ્યો છે. વોટર બેલેન્સ પ્લાન્ટમાં સુરત શહેર સમગ્ર દેશમાં આગળ રહે તે માટે કામગીરી કરવામાં આવશે. હાલ સમગ્ર દેશમાં વોટર બેલેન્સ અંગે 8 શહેરો કાર્ય કરી રહ્યા છે.શહેર મનપાના નવા વહીવટી ભવન માટે 900 કરોડના ખર્ચ માટે ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.પાણીના સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ અને અમૃત 2.0 યોજના ઉપર સૌથી વધુ ભાર મુકવામાં આવશે.અમૃત યોજના 2.0 હેઠળ 315 કરોડના ખર્ચે નવી યોજનાઓને અમલી કરવામાં આવશે.શહેરમાં પીપીપી ધોરણે સૌ પ્રથમ વાર કોઈ વિસ્તારમાં પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવશે.શહેરના નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે 148 દિન દયાલ ઔષધી કેન્દ્ર બનશે.
કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં સફાઈ કામગીરી વધુ ઘનિષ્ટ બનાવવા નવા 14 મિકેનિકલ રોડ સ્વીપર વસાવવામાં આવશે.શહેરના પલસાણા અને હજીરા ઔદ્યોગિક વિસ્તારોને ટર્શરી ટ્રીટમેન્ટ કરેલું પાણી આપવાની દિશામાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.આ કામગીરી થકી શહેર મનપાને 60 કરોડની આવક ઉભી થશે.શહેરમાં આવેલી વિવિધ ખાડીઓનું 25 કરોડના ખર્ચે ડ્રેજીંગ કરવામાં આવશે.ખાડીઓના રિકન્સ્ટ્રક્શન પાછળ 25 કરોડનો ખર્ચ થશે.શહેર મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલને સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવામાં આવશે.જેની પાછળ 118 કરોડનો ખર્ચ કરવામાં આવશે.શહેરમાં હાલ 88 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે. બીજા 36 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવશે. ખજોદ ડિસ્પોઝલ સાઈટ પરથી કચરાને દૂર કરવા માટે અંદાજે 250 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.તેની સાથે સાથે અન્ય સ્થળના વિકલ્પ અંગે પણ કામગીરી કરવામાં આવશે.વર્ષ 2030ની વસ્તીને ધ્યાનમાં લઈને કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના તમામ વિસ્તારોમાં લોકોને યોગ્ય અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બોરવેલ, ઈનટેકવલ, રિચાર્જ બોરવેલ, જળ વિસ્તરણ કેન્દ્રોમાં પણ વધારો કરવામાં આવશે. શહેરમાં નવા 16 જળ વિતરણ કેન્દ્રો બનાવવામાં આવશે.શહેરમાં નાગરિકો ઈલકટ્રીક વાહનોનો વધુને વધુ ઉપયોગ કરે તે હેતુથી પ્રથમ વર્ષે ઈલકટ્રીક વાહનોમાં કોઈ પ્રકારનો વ્હિકલ ટેક્સ લેવામાં આવશે નહીં. બીજા વર્ષે 75 ટકા , ત્રીજા વર્ષે 50 ટકા અને ચોથા વર્ષે વેહિકલ ટેક્સમાં 25 ટકાની રાહત આપવામાં આવશે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક વ્હિકલ ને 3 વર્ષ માટે પાર્કિંગ ચાર્જમાં પણ રાહતની આપવાની જાહેરાત પણ મનપા કમિશનર દ્વારા કરવામાં આવી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *