વ્યારા-તાપી 29 જાન્યુઆરી : તાપી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદી ઉપર ઉકાઈ જળાશય યોજનાની સ્થાપના તા29-01-1972ના રોજ રૂ।.136 કરોડનાં ખર્ચે ડેમના બાંધકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જેનું લોકર્પણ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના હસ્તે ઇ.સ.1972માં કરવામાં આવ્યું હતું. આજરોજ ઉકાઈ ડેમને 50 વર્ષ પુરા થતા સુવર્ણ ઉત્સવ હેઠળ ઉકાઇ સિંચાઇ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા તાપી નદિના કિનારે ઉકાઈ ડેમના દિર્ધાયુ માટે સૂર્ય પૂત્રી તાપી મૈયાની પૂંજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયા અને જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા સહિત સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉકાઇ ડેમના અધિકારીઓ અને સિંચાઇ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓને શુભકામનાઓ પાઠવી હતી.

ઉકાઇ ડેમ અંગે જાણવા જેવી કેટલીક રસપ્રદ બાબતો….ગુજરાતની મોટી નદીઓ પૈકી તાપી નદીના વિશાળ જળરાશીને દરિયામાં વહી જતું અટકાવીને આ ઉકાઈ યોજના બહુહેતુક યોજના રૂપે ઉકાઇ ડેમનું નિર્માણ કરાયું છે. સિંચાઇ, જળવિજ ઉત્પાદન, મત્સ્ય ઉત્પાદન, અંશતઃ પુર નિયંત્રણ સિંચાઈ યોજના છે. જેમાં સમગ્ર ગુજરાતની સિંચાઈ યોજનાઓમાં સંગ્રહ થતાં પાણીનાં જથ્થાનાં 46 ટ્કા પાણીનો જથ્થો સંગ્રહ કરવામાં આવે છે. ઉકાઈ યોજનાનાં જળાશયમાં કુલ 7,414 મી. ઘન મીટર પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. ઉકાઈ યોજનાના પાણીનો ઉપયોગ સુરત, વલસાડ, નવસારી તેમજ ભરૂચ જીલ્લાની કુલ 3.79 લાખ હેકટર જમીનમાં સિંચાઈ માટે, ઔધોગિક એકમોમાં પાણીની જરૂરિયાત પૂરી કરવા, પીવાના પાણી તરીકે ઉપરાંત 850 મેગાવોટ વિજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા થર્મલ પાવર સ્ટેશનની કુલીંગ સીસ્ટમ માટે કરવામાં આવે છે.

ઉકાઈ બંધની કુલ લંબાઈ 4,926.83 મીટર છે. જે પૈકી 868.83 મી. ચણતરબંધ તેમજ 4,058 મી. લંબાઈનો માટીયાર બંધ છે. જે સમગ્ર એશિયામાં સૌથી લાંબો માટીચાર બંધ છે, તાપી નદીમાં આવતા પૂરને નાથવા માટે ઉકાઈ ડેમમાં 51 X 48.5 ફૂટ માપના કુલ 22 દરવાજાઓ મુકવામાં આવેલ છે. દરેક દરવાજામાંથી મહત્તમ જળ સપાટીએ (345 ફૂટ) 51,141 ઘન ફૂટ પ્રતિ સેકન્ડનો પ્રવાહ પસાર કરી શકાય છે. આ દરવાજાઓ દ્વારા તાપી નદીમાં આવતા મહાપૂર ઉપર નિયંત્રણ કરી મર્યાદિત માત્રામાં હેઠવાસમાં પાણી છોડી સુરત મહાનગરને પૂર દ્વારા થતી હાલાકીથી બચાવી લેવામાં આવે છે. તાપી નદીમાં આવતા વર્ષો-વર્ષના નાના-મોટા પુરને ઉકાઇ બંધના જળાશયમાં સમાવી લેવામાં આવે છે. સને 1972થી અત્યાર સુધીમાં 17 વખત તાપી નદીમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. તા.9/8/2006ના રોજ 9.10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, હાલ ઉકાઇ ડેમ દ્વારા સિંચાઇ, જળ-વિદ્યુત ઉત્પાદન, મત્સ્ય ઉછેર, પીવાના પાણીની ઉપલબ્ધિ, ઔધોગિક એકમોમા પાણીની જરૂરિયાત પુરી કરવામાં આવે છે. આ ડેમના નિર્માણ થકી 30,350 હેકટર ખેતી લાયક જમીન, 7485 હેકટર જમીન બીન ખેતી લાયક,22260 હેકટર જંગલની જમીન સહિત કુલ-170 ગામડા ડુબાણમાં ગયા હતા.
આજે ઉકાઇ ડેમની સુવર્ણ જયંતિ નિમિતે સમગ્ર તાપી સિંચાઇ વિભાગ દ્વારા સત્યનારાયણની પુજાનું આયોજન કરી ડેમ વધુમાં વધુ લોકોને ઉપયોગી બની સુરક્ષિત રહે અને અને લોકો માટે આજીવિકાનું માધ્યમ બની રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય ઇજનેર દ.ગુ. એમ.આર.પટેલ, અધિક્ષક ઇજનેર ઉકાઇ એસ.આર.મહાકાળ, કા.પા.ઇ.ઉકાઇ ડેમ જે.એમ.પટેલ સહિત સિંચાઇ વિભાગના કર્મચારીઓ સામાજિક અંતર જાળવી ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત