ગ્રામજનોને સરકારી યોજનાઓનો ઘરઆંગણે લાભ આપવા માટે ‘મારો ચોર્યાસી તાલુકો, મારા ઘરઆંગણે’ની અનોખી પહેલ

સ્થાનિક
Spread the love

સુરત, 7 ફેબ્રઆરી : ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ આસ્તિક પટેલે ‘મારો ચોર્યાસી તાલુકો, મારા ઘરઆંગણે’ના રૂપમાં નવી એક નવી પહેલ શરૂ કરી છે, જેમાં ચોર્યાસી તાલુકામાં સમાવિષ્ટ ગામોના જરૂરિયાતમંદ ગ્રામજનોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ ઘરઆંગણે મળી રહે એવા પ્રયાસથી કવાસ ગામના સમાજ સદન હોલ ખાતે સરકારી યોજનાકીય લાભ અને સમજ આપવાનો કેમ્પ યોજાયો હતો.


આ પ્રસંગે આસ્તિક પટેલે જણાવ્યું હતું કે, ચોર્યાસી તાલુકાના તમામ ગામોની જનતા સરકારના વિવિધ લાભોથી વંચિત ન રહી જાય એ માટે ‘મારો ચોર્યાસી તાલુકો, મારા ઘરઆંગણે’ નામથી તાલુકાના ગામોમાં કેમ્પ યોજવાનો સંકલ્પ કર્યો છે. અમારો મુખ્ય હેતુ છેવાડાના લોકો સુધી સરકારના વિવિધ લાભો આપવાની સાથે સંબંધિત યોજનાની સમજ આપવાનો પણ છે. જેથી વધુમાં વધુ ગ્રામજનો લાભ મેળવવા પ્રેરાય. જેના ભાગરૂપે કવાસ ગામમાં કેમ્પ યોજી મોટી સંખ્યામાં લોકોને ઘરઆંગણે લાભો આપવામાં આવ્યાં છે. કવાસ ગામના કેમ્પમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ, પ્રધાનમંત્રી જનઆરોગ્ય કાર્ડ યોજના, ઈ શ્રમ કાર્ડ યોજના, વિધવા પેન્શન યોજના, પાલક માતાપિતા યોજનાનો લાભ લીધો હતો.આ ઉપરાંત ખેડૂતો, બાળકો અને મહિલાઓ, લઘુ ઉદ્યોગ કરતા ફેરિયાઓ, લારીગલ્લા, શાકભાજીવાળા, દૂધવાળા માટેની અનેક યોજનાઓ લાભ વિશેની સમજ આપવામાં આવી હતી. ગ્રામજનોનો પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહ્યો છે જેનો ખૂબ આનંદ છે.


આ પ્રસંગે અગ્રણીઓ યોગેશ પટેલ, છોટુભાઈ પટેલ, ચોર્યાસી તા.પંચાયતના ઉપપ્રમુખ વાસંતી પટેલ, જિલ્લા પંચાયતના દંડક ઋષિ પટેલ, સદસ્ય નિલેશ તડવી, સરપંચ જાગૃતિ રાઠોડ, ઉપસરપંચ મનોજ પટેલ તથા મોટી સંખ્યામાં લાભાર્થી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *