સુરત, 7 ફેબ્રઆરી : સુરત જિલ્લામાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના હેતુથી તેમજ રસીકરણથી વંચિત રહેલ બાળકો અને સગર્ભા બહેનો માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 7મી ફેબ્રુ.થી 7 દિવસ સુધી ઘનિષ્ઠ મિશન ઇન્દ્રધનુષ્ય 4.0 કાર્યક્રમ યોજાશે. જેમાં રૂટિન રસીકરણથી વંચિત રહી ગયેલા તેમજ અધુરી રસીઓ મુકાવી હોય તેવા સગર્ભા માતાઓ, બાળકોને રસીઓ આપવામાં આવશે. આ કાર્યક્રમ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો, આંગણવાડી કેન્દ્રો તેમજ નિયત રસીકરણ કેન્દ્રો પર રસીકરણ થશે.

જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ઘનિષ્ઠ મિશન ઈન્દ્રધનુષ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરી બે વર્ષની ઉંમર સુધીના રસીકરણથી વંચિત તમામ બાળકોનો ડેટા મેળવવો, તેમના માતા-પિતાનું સંપૂર્ણ રસીકરણ કરાવવું અને સગર્ભા માતાઓને ધનુરવિરોધી રસીના બે ડોઝ સહિતની સંપૂર્ણ રસીકરણની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત રસીકરણથી બાળમૃત્યુ તેમજ બાળકોને પોલિયો, જન્મજાત ટી.બી., ડિપ્થેરીયા, મોટી ઉધરસ જેવા ઘાતક રોગના ભોગ બનતા અટકાવી શકાય તે અંગેની સમજ આપવામાં આવશે.આ કાર્યક્રમમાં જિલ્લાના શહેરી વિસ્તાર, ઝૂંપડપટ્ટીઓ, ઈન્ડસ્ટ્રીયલ એરિયા તેમજ કન્સ્ટ્રકશન સાઈટ અને દુર્ગમ વિસ્તારોમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકોના બાળકોને પણ આવરી લેવામાં આવશે. જિલ્લાના તમામ રસીકરણથી વંચિત રહેલા બાળકો-સગર્ભા માતાઓને ઘનિષ્ઠ મિશન ઇન્દ્રધનુષ હેઠળ રસીકરણ કરવા માટે આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત