સુરત શહેર-જિલ્લામાં કોરોના અંકુશમાં : 153 કોરોના ગ્રસ્ત, 3ના કરૂણ મોત

સ્થાનિક
Spread the love

સુરત,7 ફેબ્રઆરી : સમગ્ર દેશમાં હાલ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. જોકે, દેશભરમાં કરવામાં આવેલા સઘન રસીકરણના કારણે અને નબળા ઓમીક્રોન વેરિયન્ટના કારણે ત્રીજી લહેર ઓછી ઘાતક સાબિત થઇ રહી છે.જોકે, મોતનો દર ચિંતાજનક છે.ગુજરાતમાં પણ દિવસે ને દિવસે આ મહામારી હવે નિયંત્રણમાં આવી રહી છે.રાજ્યના સુરત શહેર-જિલ્લામાં પ્રતિ દિન કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાઈ રહ્યો છે.જોકે, હજુ પણ શહેર-જિલ્લામાં પ્રતિ દિન કોરોના ગ્રસ્ત દર્દીઓના થઇ રહેલા મોત તંત્ર અને નાગરિકો બન્ને માટે લાલબત્તી સમાન છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 90 અને જિલ્લામાં 63 દર્દીઓ સાથે કુલ 153 દર્દીઓ કોરોના ગ્રસ્ત થયા છે.જયારે સુરત શહેરમાં 2 અને જિલ્લામાં 1 મળીને કુલ 3 દર્દીઓના કરૂણ મોત થયા છે.

શહેરમાં નવા નોંધાયેલા 90 દર્દીઓ સાથે શહેરમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 1,61,549 પર જયારે જિલ્લામાં નવા નોંધાયેલા 63 દર્દીઓ સાથે જિલ્લામાં કોરોના ગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 42,162 પર પહોંચી છે.આ સાથે સુરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના ગ્રસ્ત થયેલા દર્દીઓની કુલ સંખ્યા હવે 2,03,711 પર પહોંચી છે.સુરત શહેરમાં 2 દર્દીઓના મોત સાથે મૃતકોનો કુલ આંક 1681 પર જયારે જિલ્લામાં 1 દર્દીના મોત સાથે મૃતકોનો કુલ આંકડો 535 પર પહોંચ્યો છે.આ સાથે અત્યાર સુધીમાં આ મહામારીના કારણે શહેર-જિલ્લામાં પ્રાણ ગુમાવનારા દર્દીઓની કુલ સંખ્યા 2216 પર પહોંચી છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 391 અને જિલ્લામાં 161 દર્દીઓ સાથે કુલ 552 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. આ સાથે સુરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓની કુલ સંખ્યા હવે 1,99,184 પર પહોંચી છે.જેમાં, સુરત જિલ્લાના કુલ 40,673 ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો સમાવેશ થાય છે.
સુરત શહેરમાં કોરોના ગ્રસ્ત જે 2 દર્દીઓના મોત થયા છે.તેમાં શહેરના અઠવા ઝોનમાં રહેતા અને મહાવીર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 86 વર્ષીય મહિલા તેમજ વરાછા બી ઝોનમાં રહેતા અને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 94 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે.શહેરમાં હાલ 2311 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં કુલ 19,122 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. શહેર અને જિલ્લામાં પ્રતિ દિન કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં થઇ રહેલા સતત ઘટાડાના કારણે ત્રીજી લહેર હવે નામશેષ થઇ રહી હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *