સુરત મનપાના બજેટમાં સ્થાયી સમિતિ દ્વારા કરાયો 316 કરોડનો વધારો : 7286 કરોડનું બજેટ મંજૂર

સ્થાનિક
Spread the love

સુરત, 8 ફેબ્રઆરી : રાજ્યની આર્થિક રાજધાની મનાતા સુરત શહેરના વર્ષ 2021-22ના નાણાકીય વર્ષ માટે ગત દિવસોમાં મનપા કમિશનર દ્વારા 6970 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને સ્થાયી સમિતિની મંજૂરી અર્થે મોકલવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિએ મંગળવારે આ બજેટમાં રૂ.316 કરોડનો વધારો કરીને 7286 કરોડનું બજેટ રજૂ કર્યું હતું.આ બજેટમાં સૌથી વધુ પ્રાથમિક સુવિધા અને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.જોકે, સ્થાયી સમિતિ દ્વારા આ જંગી બજેટમાં આવક ઉભી કરવા અંગે મથામણ કરવામાં આવી છે. શહેર મનપા કેનાલ BRTS રૂટ ઉપર સોલાર પેનલ અને જાહેરાતના હોર્ડિંગ્સ લગાવીને આવક ઉભી કરશે.
સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલએ બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે દરેક ઝોનમાં લોકભાગીદારીથી કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, ગાર્ડન વગેરેનું નિર્માણ કરવામાં આવશે.શહેર મનપા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ તેમજ સુમન શાળાઓને આધુનિક બનાવવામાં આવશે.આ શાળાઓમાં નવા વર્ગખંડનું નિર્માણ કરવા પાછળ 90 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.શહેરના પ્રત્યેક ઝોનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત એક શાળા અને એક સુમન શાળાનું નિર્માણ કરવામાં આવશે.શાળાના તમામ વિદ્યાર્થીઓનો યુનિફોર્મ એક સરખો રહે તે માટે ખર્ચ કરવામાં આવશે.શહેરમાં 60 નવા ઔષધાલયો બનાવવામાં આવશે.શહેરના તમામ આરોગ્ય કેન્દ્રો પર દર્દીઓને સામાન્ય બ્લડ રિપોર્ટ વિના મુલ્યે કાઢી આપવા માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
આ બજેટમાં રેવન્યુ આવકમાં 106 કરોડ, કેપિટલ આવકમાં 125 કરોડ અને આ રીતે જ રેવન્યુ ખર્ચમાં 27 કરોડ અને કેપિટલ ખર્ચમાં 289 કરોડ રૂપિયાના વધારાની જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં શહેરના અઠવા ઝોનમાં સૌથી વધુ 99 કરોડ રૂપિયા જ્યારે સેન્ટ્રલ ઝોનને સૌથી ઓછા 49 કરોડ રૂપિયાની ફાળવવામાં આવ્યા છે.કેપિટલ ખર્ચમાં 289 કરોડ રૂપિયાની વધારાની જોગવાઈ સાથે સ્થાયી સમિતિ દ્વારા બજેટને મંજુર કરવામાં આવ્યું છે. હવે,સ્થાયી સમિતિ દ્વારા મંજુર કરવામાં આવેલું આ બજેટ સામાન્ય સભાની મંજૂરી અર્થે મોકલવામાં આવ્યું છે.જ્યાં,બજેટ પરની મેરેથોન ચર્ચાને અંતે સામાન્ય સભામાં આ બજેટ મંજુર થશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *