
સુરત, 9 ફેબ્રઆરી : કોરોનાની ત્રીજી લહેરમાં સુરતની નવી સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગના 106 જેટલા તબીબો અને ટેકનિશ્યનો 7000થી વધુ સેમ્પલની ચકાસણી કરે છે. ફક્ત જાન્યુઆરી-22ના માસ દરમિયાન આ ટીમ દ્વારા 1.60 લાખથી વધુ RTPCR ટેસ્ટ કરવામાં આવ્યાં છે. આ સમયગાળા દરમિયાન આ એક-એક કર્મીઓ દ્વારા સતત દૈનિક 12થી 15 કલાક જેટલી કામગીરી કરવામાં આવી હતી. કોરોનામુક્ત દર્દીઓને વહેલી તબીબી સારવાર ઉપલબ્ધ થાય સાથે ઝડપથી સ્વસ્થ થાય તે માટે આ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક 24×7 કામગીરી કરી રહ્યાં છે. તેઓની કામગીરી ત્રણ શિફ્ટમાં વિભાજીત હોવા છતાં પણ તેમણે ઓવરટાઈમ કરીને 24 કલાકમાં તબીબોને રિપોર્ટ સુપરત કરી સમાજ પ્રત્યે નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરી છે.

આ લેબમાં ફરજ પરના તબીબો અને ટેકનિશ્યન સ્ટાફ, કોમ્પ્યુટર ઓપરેટર, સર્વન્ટ સહિતના 106 કર્મયોગીઓ RT-PCR ટેસ્ટીંગ માટે જીવના જોખમે કાર્ય કરી રહ્યાં છે, અને દૈનિક 7000થી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરે છે. દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ કે નેગેટિવ આવ્યાં બાદ જ ડોક્ટરોની ભૂમિકા શરૂ થાય છે. એટલે જ સેમ્પલના સચોટ ટેસ્ટીંગની કામગીરી પર દર્દીની સારવારનો સંપૂર્ણ આધાર હોય છે. જેથી માઈક્રોબાયોલોજી વિભાગની ક્વોલિટી કંટ્રોલ અને મેઈન્ટેઈન્સની જવાબદારી પણ વધી ગઈ છે, પણ આ લેબનો દરેક આરોગ્યકર્મી પોતાની ફરજને પ્રાધાન્ય આપી રહ્યાં છે.

માઈક્રોબાયોલોજી વિભાગના હેડ ડો.સુમેયા મુલ્લાં જણાવે છે કે, લેબ કર્મચારીઓએ દિવસ-રાત જોયા વિના પહેલી અને બીજી લહેરમાં જે રીતે કામગીરી કરી હતી, તેનાથી વિશેષ કામગીરી ત્રીજી લહેરમાં નિભાવી રહ્યાં છે. ત્રીજી લહેરમાં જાન્યુઆરી માસમાં કોવિડ ટેસ્ટીંગનું ભારણ વધતા સ્ટાફની સાથે પોતે પણ શિફ્ટવાઈઝ 32થી 33 કલાક ફરજ અદા કરી છે. સમયસર કોવિડ-19નો રિપોર્ટ આપવા માટે રાજ્ય સરકાર તરફથી એક નવી લેબની સુવિધા ઉભી કરવામાં આવી છે, જેનાથી ટેસ્ટીંગ કામગીરીમાં ઘણી રાહત થઇ છે. ડિપાર્ટમેન્ટમાં 49 ટેકનિકલ સ્ટાફ, 10 સર્વન્ટ, 18 ડોકટર, 29 ડેટા ઓપરેટર મળી કુલ 106 સ્ટાફગણ ફરજ બજાવી રહ્યાં છે. જેમાંથી 12 જેટલા કર્મયોગીઓ કોરોના સંક્રમિત થયાં હતા, અને તમામ સ્વસ્થ થઈને ફરી પાછા ડ્યુટીમાં જોડાઈ ચૂક્યા છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત