
સુરત,10 ફેબ્રુઆરી : ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય સંસ્થા નેહરુ યુવા કેન્દ્ર, સુરત દ્વારા ચોર્યાસી તાલુકામાં જિલ્લા યુવા અધિકારી સચિન શર્માનાં માર્ગદર્શન હેઠળ ‘કેરિયર ગાઈડેન્સ અને કેરિયર કાઉંસેલિંગ’ ઉપર સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં એમ્પ્લોયમેંટ ઓફિસર ડો.અમન દીપ સિંહે યુવાનોને જીવનમાં સફળ થવા અને રોજગાર સબંધિત વિષય પર માર્ગદર્શન આપ્યું હતું.

સેમિનારમાં ગ્રામીણ રૂરલ અને અર્બન યુવા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો, આત્મનિર્ભર ભારત અંતર્ગત બેંક, ઉદ્યોગકારો અને કૃષિને લગતી વિવિધ યોજનાઓ વિશે વિગતવાર માહિતી પુરી પાડવામાં આવી હતી. ઉપરાંત રીસોર્સ પર્સન દ્વારા ઉપસ્થિત તમામ યુવાનોને કારકિર્દી વિશે સમજ આપી ભારત અને ગુજરાત સરકારના વિવિધ વિભાગો સાથે સંકળાયેલી આત્મનિર્ભર ભારત અભિયાનની યોજના વિશે માહિતગાર કરાયા હતા.ધોરણ 10 અને 12ના અભ્યાસ પછી વિષય પસંદગી તથા આર્ટસ, કૉમર્સ અને સાયન્સ પ્રવાહમાં તકો વિશે જિલ્લા વહીવટી તંત્રના રોજગાર વિભાગ દ્વારા કારકિર્દી માર્ગદર્શન અપાયું હતું.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા અને એક્સપેરીમેન્ટ પબ્લિક સ્કૂલનાં ટ્રસ્ટી જગદીશ યાદવ અને યુવા કોડિનેટર સત્યેન્દ્ર યાદવ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત