
સુરત,13 ફેબ્રુઆરી : 1 ફેબ્રુઆરી 2022 ના રોજ આપણા દેશનું વર્ષ 2022-23 બજેટ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી માર્ગદર્શનથી કેન્દ્રીયમંત્રી નિર્મલા સિતારમનએ લોકસભામાં ભાજપ સરકારનું દસમું પેપર લેસ (ડિજીટલ) બજેટ 2022-23 રજૂ કર્યુ હતું. રાજકીય પક્ષોને એમ હતું કે આ બજેટ દેશના જુદા જુદા રાજયોમાં ચૂંટણીને ઘ્યાને રાખી રજૂ કરાશે પરંતુ દેશના વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટીથી આ બજેટ આગામી 100 વર્ષ પછી ભારત કેવું હશે, વર્તમાન સમસ્યા સામે દેશ કેવી રીતે લડશે તેને અનુસંધાને બજેટ રજૂ કરાયું છે. કોરોના મહામારીએ દુનિયાના દેશોની આર્થિક કમર તોડી નાખી છે વિકાસની ગતીને બ્રેક લાગી છે ત્યારે આપણા દેશને વડાપ્રધાનના માર્ગદર્શનમાં બીજા દેશોની સરખામણીમાં ઝડપથી વેગવંતુ કર્યુ છે.રવિવારે સુરત શહેર ભાજપા કાર્યાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ બજેટ પર વિસ્તૃત છણાવટ કરતા આ બજેટને આધુનિક ભારતનો પાયો નાખનારું અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરાવનારું ગણાવ્યું હતું.
બજેટ અંગે રૂપાલાએ જણાવ્યું કે, કોરોના મહામારી પછી આપણો દેશ ઝડપથી આગળ વઘી રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના આત્મનિર્ભર ભારતની નેમ આ બજેટથી વધુ મજબૂત બનશે. 7-8 વર્ષ પહેલા ભારતની GDP 1 લાખ 10 હજાર કરોડ રૂપિયા હતી. આજે ભારતની અર્થવ્યવસ્થા 2 લાખ 30 હજાર કરોડની આસપાસ છે. વર્ષ 2013-14માં ભારતની નિકાસ 2 લાખ 85 હજાર કરોડ રૂપિયા હતી. આજે ભારતની નિકાસ 4 લાખ 70 હજાર કરોડ રૂપિયાની આસપાસ પહોંચી છે. સાત વર્ષ પહેલા, દેશમાં લગભગ 275 બિલિયન ડોલરનું વિદેશી હૂંડિયામણ અનામત હતું. આજે દેશનું વિદેશી મુદ્રા ભંડાર 630 અબજ ડોલરને પાર કરી ગયું છે.ગરીબ, મધ્યમવર્ગ અને યુવાનોને પાયાની સુવિધાઓ આપનારું આ બજેટ છે. ખેડૂતો માટે બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ભારતના ખેડૂતો ખેતીમાં નવી પદ્ધતિઓ અપનાવીને આધુનિકતા લાવે તેના પર બજેટમાં ભાર મુકવામાં આવ્યો છે. આ બજેટમાં દેશને કૃષિ ટેકનોલોજી આધારિત અને રસાયણ મુક્ત બનાવવા માટે મોટા પગલા લેવામાં આવ્યા છે. ગયા બજેટમાં કિસાન રેલ અને કિસાન ઉડાનની સુવિધા સુનિશ્ચિત કરી હતી, હવે કિસાન ડ્રોન ખેડૂતનો નવો સાથી બનવા જઈ રહ્યો છે. આ માટે FPO દ્વારા ખેડૂતોને વાજબી ભાડા પર ડ્રોન અને અન્ય મશીનરી ખેતરમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. ડ્રોન ટેક્નોલોજી માત્ર ખેડૂતને જ નહીં, પણ ઉત્પાદનનો રિયલ ટાઈમ ડેટા પણ મળશે. તેની સાથે સંકળાયેલા સ્ટાર્ટઅપ્સને ભંડોળ પૂરું પાડવા માટે નાબાર્ડ દ્વારા વિશેષ ભંડોળની મદદ પણ આપવામાં આવશે. આ જાહેરાતથી ખેડૂતોને થનારા વિવિધ લાભો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં “જલ જીવન” મિશન હેઠળ પાંચ કરોડથી વધુ પાણીના જોડાણો આપવામાં આવ્યા છે પરંતુ આ વર્ષે લગભગ 4 કરોડ ગ્રામીણ પરિવારોને પાઈપથી પાણીનું જોડાણ આપવામાં આવશે, જેના પર આશરે 60 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થશે. દેશના વિવિધ ભાગોમાં નદીઓને જોડવા માટે આ બજેટમાં અનેક પ્રસ્તાવ છે સરકારે હંમેશા ખેડૂતોના હિતમાં દરેક જરૂરી પગલા લીધા છે. બજેટમાં રિન્યુએબલ એનર્જીનો ખર્ચ કરવામાં આવશે. પરંતુ તેમાં એક મહત્વનો ખર્ચ છે, ખેડૂતો માટે સોલાર પંપ, જો આપણે વધુમાં વધુ ખેડૂતો સુધી સોલાર પંપ પહોંચાડીશું તો ખેડૂતોને રાત જાગવાની જરૂર નહીં પડે. દિવસમાં પોતાની ખેતી કરશે, પાણી પહોંચાડશે તેનો ખર્ચ પણ ઓછો થશે, આ માટે ખેડૂતો સુધી સોલાર પંપનું મોટું બજેટ અંગે જાહેરાત કરવામાં આવી છે તે અંગે માહિતી આપી.

રૂપાલાએ જણાવ્યું કે, કોઇ પણ સામાન્ય માણસનું સ્વપ્ન હોય છે કે તેનું પોતાનું ઘરનું ઘર હોય. દેશના વડાપ્રધાનએ દેશના ગરીબ અને સામાન્ય જીવનઘોરણ જીવતા વ્યકિતઓની પણ ચિંતા કરી અને આ વર્ષના બજેટમાં ગરીબો માટે 80 લાખ પાકા મકાનો બનાવવાની વાત કરવામાં આવી છે. તેના પર રૂ.48 હજાર કરોડથી વધુનો ખર્ચ થશે. આ જાહેરાતથી દેશના વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન ગરીબી દુર કરવાની નેમને વધુ મજબૂત કરશે. આ બજેટમાં રાજ્યો સાથે મળીને મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ ચલાવવામાં આવશે. એટલે કે, તેને વધુ નીચે લઈ જવામાં આવશે, વિકાસના લાભોને છેલ્લા છેડા સુધી લઈ જવાની આ એક વૈજ્ઞાનિક રીત છે. ગ્રામીણ વિસ્તારોમાં બ્લોક સ્તરે જરૂરી સુવિધાઓ પહોંચાડવા પર સરકારે ભાર મુકયો છે.
રૂપાલાએ જણાવ્યું કે આપણે વર્ષોથી સરહદી ગામડાઓમાંથી સ્થળાંતર જોઈ રહ્યા છીએ. આ પાસું કોઈપણ દેશના સંરક્ષણ માટે સારું નથી. આ વાતને સમજીને સરહદ પરના ગામડાઓના વિકાસ માટે નવેસરથી વિચાર કરવામાં આવ્યો છે. આવા ગામડાઓમાં વીજળી, પાણી, રોડ કનેકટીવીટી તમામ સુવિધાઓ હોય તે માટે બજેટમાં ખાસ વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષના બજેટમાં “પીએમ કિસાન સન્માન નિધિ” હેઠળ 68 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. 68 હજાર કરોડ રૂપિયાનો સીધો લાભ ખેડૂતોના ખિસ્સામાં પહોંચશે. અને આ રકમ પણ ગત વર્ષ કરતા વધુ છે. તેનાથી દેશના 11 કરોડથી વધુ ખેડૂતોને પણ ફાયદો થશે અને નાના ખેડૂતો માટે આ રકમ મોટી છે. આપણા ખેડૂતોને પણ સારા રસ્તાનો વિશેષ લાભ મળવાનો છે. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાના બજેટમાં ગયા વર્ષની સરખામણીમાં 36 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
રૂપાલાએ આખા વિશ્વની અંદર કોરોના મહામારીની ફસ્ટ, સેકેન્ડ-થર્ડ વેવની અંદર દુનિયાની ઇકોનોમિક પડી ભાંગી છે. માઇનસ ગ્રોથ શરૂ થયા પરંતુ ભારતમાં નથી થયું. ભારતમાં આજે પણ 6.38 ટકા મોંધવારી છે. અમેરિકામાં 40 ટકા મોંઘવારી છે. યુરોપ- અમેરિકાની અંદર ડેવલોપમેન્ટ ગ્રોથ નેગેટિવ છે પરંતુ આપણા દેશમાં આટલુ નુકશાન નથી થયું કેમ કે આપણા દેશે લોન્ગ ટર્મ પરિસ્થિતિ અનુસરી આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પગલા લીધા છે. આપણે દેશમાં કોરોનાની પહેલી લહેરની શરૂઆત થઇ ત્યારે પહેલા લોકડાઉન સમયે વડાપ્રધાનશ્રીની દીર્ધદ્રષ્ટીથી કોરોનાની રસીના રિસર્ચ પર ભાર મુકયો આપણા દેશના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરી, સરકારે કોરોનાની રસીના રિસર્ચ માટે તેમને આર્થિક મદદ કરી અને આપણે દુનિયાની સાથે કોરોનાની રસી આપી છે. એટલે કે સમયસર કોરોનાની રસી લાવી આપણા નાગરિકોને સુરક્ષિત કરવામાં સફળ રહ્યા અને આજે આપણો દેશ કોરોનાની ત્રીજી લહેરમાં બચી ગયો છે. ભારતમાં પહેલો ડોઝ 96 ટકા લગાવવામાં આવ્યો છે, અને બીજો ડોઝ 77 ટકા લગાવવામાં આવ્યો છે જે બીજા દેશોની તુલામાં ઘણો વઘારે છે.
રૂપાલાએ જણાવ્યું કે, બજેટમાં નેશનલ ટેલી મેડિસીન ઇ-સંજીવની પ્લેટફોર્મનો સમાવેશ કરવામાં આવ્યો છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ટેલી મેડિસીનથી નાના મથકે ઉપસ્થિત તપાસ કરી રહેલા ડૉકટર અને મુખ્ય મથક હાજર ડૉકટર ઇ-સંજીવની પ્લેટફોર્મથી જોડાશે અને દર્દીને ત્યાથી મોટા ડૉટકરની સલાહ મળી જશે. મેન્ટલ હેલ્થના દર્દીઓને કેવી રીતે સારવાર આપી શકાય તે માટે બેંગ્લોરમા નિમહાન્સ કરીને માનસિક રોગ માટે સારવાર કરનારી મોટી સંસ્થા છે જેને માનસિક રોગ સામેની એઇમ્સ કહી શકાય તેના દરેક રાજયમાં સેન્ટર ઉભા કરી મેન્ટલ હેલ્થને એડ્રેસ કરવા માટે પ્લાનિગ બજેટમાં કરવામાં આવ્યું છે.
અંતમા રૂપાલાએ જણાવ્યું કે બજેટમાં દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા ભારતની નેમ નો પાંયો રોપવા જે માર્ગદર્શન આપ્યું તેના માટે અને વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આ બજેટ રજૂ કર્યુ તે માટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમનનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પત્રકાર પરિષદના પ્રારંભમાં ઉપસ્થિત કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી અને સુરતના સાંસદ દર્શના જરદોશે રેલવે વિભાગને આ બજેટમાં ફાળવવામાં આવેલા નાણાંની જોગવાઈ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.તેમણે 7 મંત્રાલયોને એક કરીને ગતિશક્તિથી કાર્ય કરવાની પદ્ધતિનો ઉલ્લેખ કરી જણવ્યું હતું કે વિશ્વમાં આ પ્રથમ વાર છે કે એક સાથે આટલા બધા મંત્રાલયોનું સંકલન કરીને કાર્ય કરવામાં આવતું હોય.તેમણે કોરોના કાળ દરમિયાન ચલાવવમાં આવેલી કિસાન રેલ અંગે પણ વિસ્તૃત જાણકારી આપી હતી.આ બજેટને તેઓએ ઐતિહાસિક અને વાસ્તવમાં આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરાવનારું ગણાવ્યું હતું.
આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ બજેટમાં ગિફ્ટ સીટી માટે કરવામાં આવેલી જોગવાઈ તેમજ અમદાવાદમાં આગામી સમયમાં નિર્માણાધીન ફાયનાન્સ યુનિવર્સીટી વિષે પણ માહિતી આપી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત