
સુરત, 13 ફેબ્રુઆરી : દેશના દૂરંદેશી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટીથી આ બજેટ આગામી 25 વર્ષ પછી ભારત કેવું હશે, વર્તમાન સમસ્યા સામે દેશ કેવી રીતે લડશે તેને આનુસંગિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે.કોરોના મહામારીએ દુનિયાના દેશોની આર્થિક કમર તોડી નાખી છે વિકાસની ગતીને બ્રેક લાગી છે ત્યારે આપણે આપણા દેશને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં બીજા દેશોની સરખામણીમાં ઝડપથી વેગવંતુ કર્યુ છે.રવિવારે સુરત શહેર ભાજપા કાર્યાલય ખાતે આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમલનમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ બજેટ પર તલસ્પર્શી છણાવટ કરતા આ બજેટને આધુનિક ભારતનો પાયો નાખનારું અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરાવનારું ગણાવ્યું હતું.
રૂપાલાએ જણાવ્યું હતું કે, કોઇ પણ સામાન્ય માણસનું સ્વપ્ન હોય છે કે તેનું પોતાનું ઘરનું ઘર હોય. દેશના વડાપ્રધાનએ દેશના ગરીબ અને સામાન્ય જીવનઘોરણ જીવતા વ્યકિતઓની પણ ચિંતા કરી અને આ વર્ષના બજેટમાં ગરીબો માટે 80 લાખ પાકા મકાનો બનાવવાની વાત કરવામાં આવી છે. તેના પર રૂ.48 હજાર કરોડથી વધુનો ખર્ચ થશે. આ જાહેરાતથી દેશના વડાપ્રધાનનું સ્વપ્ન ગરીબી દુર કરવાની નેમને વધુ મજબૂત કરશે. આ બજેટમાં રાજ્યો સાથે મળીને મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ ચલાવવામાં આવશે. એટલે કે, તેને વધુ નીચે લઈ જવામાં આવશે, વિકાસના લાભોને છેલ્લા છેડા સુધી લઈ જવાની આ એક વૈજ્ઞાનિક રીત છે. ગ્રામીણ વિસ્તારોમાં બ્લોક સ્તરે જરૂરી સુવિધાઓ પહોંચાડવા પર સરકારે ભાર મુકયો છે.

રૂપાલાએ જણાવ્યું હતું કે આપણે વર્ષોથી સરહદી ગામડાઓમાંથી સ્થળાંતર જોઈ રહ્યા છીએ. આ પાસું કોઈપણ દેશના સંરક્ષણ માટે સારું નથી. આ વાતને સમજીને સરહદ પરના ગામડાઓના વિકાસ માટે નવેસરથી વિચાર કરવામાં આવ્યો છે. આવા ગામડાઓમાં વીજળી, પાણી, રોડ કનેકટીવીટી તમામ સુવિધાઓ હોય તે માટે બજેટમાં ખાસ વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષના બજેટમાં “પીએમ કિસાન સન્માન નિધિ” હેઠળ 68 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. 68 હજાર કરોડ રૂપિયાનો સીધો લાભ ખેડૂતોના ખિસ્સામાં પહોંચશે. અને આ રકમ પણ ગત વર્ષ કરતા વધુ છે. તેનાથી દેશના 11 કરોડથી વધુ ખેડૂતોને પણ ફાયદો થશે અને નાના ખેડૂતો માટે આ રકમ મોટી છે. આપણા ખેડૂતોને પણ સારા રસ્તાનો વિશેષ લાભ મળવાનો છે. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાના બજેટમાં ગયા વર્ષની સરખામણીમાં 36 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
રૂપાલાએ જણાવ્યું હતું કેઆખા વિશ્વની અંદર કોરોના મહામારીની ફસ્ટ, સેકેન્ડ-થર્ડ વેવની અંદર દુનિયાની ઇકોનોમિક પડી ભાંગી છે. માઇનસ ગ્રોથ શરૂ થયા પરંતુ ભારતમાં નથી થયું. ભારતમાં આજે પણ 6.38 ટકા મોંધવારી છે. અમેરિકામાં 40 ટકા મોંઘવારી છે. યુરોપ- અમેરિકાની અંદર ડેવલોપમેન્ટ ગ્રોથ નેગેટિવ છે પરંતુ આપણા દેશમાં આટલુ નુકશાન નથી થયું કેમ કે આપણા દેશે લોન્ગ ટર્મ પરિસ્થિતિ અનુસરી આપણા દેશના વડાપ્રધાનએ પગલા લીધા છે. આપણે દેશમાં કોરોનાની પહેલી લહેરની શરૂઆત થઇ ત્યારે પહેલા લોકડાઉન સમયે વડાપ્રધાનશ્રીની દીર્ધદ્રષ્ટીથી કોરોનાની રસીના રિસર્ચ પર ભાર મુકયો આપણા દેશના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરી, સરકારે કોરોનાની રસીના રિસર્ચ માટે તેમને આર્થિક મદદ કરી અને આપણે દુનિયાની સાથે કોરોનાની રસી આપી છે. એટલે કે સમયસર કોરોનાની રસી લાવી આપણા નાગરિકોને સુરક્ષિત કરવામાં સફળ રહ્યા અને આજે આપણો દેશ કોરોનાની ત્રીજી લહેરમાં બચી ગયો છે. ભારતમાં પહેલો ડોઝ 96 ટકા લગાવવામાં આવ્યો છે, અને બીજો ડોઝ 77 ટકા લગાવવામાં આવ્યો છે જે બીજા દેશોની તુલામાં ઘણો વઘારે છે.
અંતમા રૂપાલાએ જણાવ્યું કે બજેટમાં દેશના આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે નવા ભારતની નેમ નો પાંયો રોપવા જે માર્ગદર્શન આપ્યું તેના માટે અને વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આ બજેટ રજૂ કર્યુ તે માટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમનનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં રાજ્યના નાણા અને ઉર્જા મંત્રી કનુ દેસાઈએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આ બજેટ ઐતિહાસિક છે.નાણામંત્રીએ રજૂ કરેલું આ બજેટ કુલ 34 લાખ કરોડનું છે.દેશના ઇતિહાસમાં આટલી મોટી રકમનું બજેટ રજૂ થયું હોય તેવું આ પ્રથમ વાર બન્યું છે.સૌથી મહત્વની વાત એ છે કે આ બજેટની 7.5 લાખ કરોડની રકમ મૂડી ખર્ચમાં વપરાવવાની છે. તેનો સીધો મતલબ એ છે કે આ મૂડી વિકાસના કાર્યો પાછળ વપરાશે અને મોટી રોજગારીની તકોનું નિર્માણ કરશે.
સંમેલનમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તેમના સંબોધનમાં જણવ્યું હતું કે આ બજેટની અસર બહુ લાંબા ગાળા સુધી રહેવાની છે.બજેટમાં સરકારે ક્યાં નિર્ણયો શું કામ કર્યા તે જાણવું ખુબ જ જરૂરી છે.રહી વાત ટેક્સ્ટાઇલ ક્ષેત્રની તો કોઈએ ડરવાની જરૂર નથી. ટેક્સ્ટાઇલ પર જીએસટી 5 ટકા યથાવત રહેવાનો છે.દેશના પીએમ સૌનું હિત સારી રીતે જાણે છે.આ બજેટ વિકાસને બળ આપનારું છે.

સંમેલનમાં ઉપસ્થિત સુરતના સાંસદ અને કેન્દ્રીય રેલવે તથા કાપડ રાજ્યમંત્રી દર્શના જરદોશએ જણાવ્યું હતું કે આ બજેટ આગામી 25 વર્ષને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.કરવેરામાં કોઈ પણ પ્રકારનો વધારો કર્યા વિનાનું આ બજેટ સર્વાંગીણ વિકાસ કરનારું છે.આગામી સમયમાં દેશમાં 400 વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે.જેનું નિર્માણ ભારતમાં જ થશે.જે રોજગારીની વિપુલ તક ઉભી કરશે.આ 400 વંદે ભારત ટ્રેન પૈકી 2 ટ્રેનનું નિર્માણ પણ થઇ ચૂક્યું છે.દેશભરમાં 100 કાર્ગો ટર્મિનલનું પણ નિર્માણ કરવામાં આવશે.તેમજ પીપીપી ધોરણે 100 રેલવે સ્ટેશનનું પણ નિર્માણ કરવામાં આવશે.એક સ્ટેશન એક પ્રોડક્ટના લક્ષ્યાંક સાથે કાર્ય કરવામાં આવશે જેથી, વ્યવસાયિક ગતિવિધિને ગતિ મળશે.હાલમાં બુલેટ ટ્રેનનું તેજ ગતિથી કામ ચાલી રહ્યું છે. પ્રતિ દિન 8 કિલોમીટરનું કામ ચાલી રહ્યું છે.આ બજેટમાં રેલવે વિભાગ માટે ખુબ જ મોટી રકમની ફાળવણી કરવામાં આવી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત