
સુરત, 15 ફેબ્રઆરી : સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણી દ્વારા હત્યા કરવામાં આવી હતી.ભયંકર બર્બરતાથી કરવામાં આવેલી આ હત્યાના સમગ્ર રાજ્ય અને દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે.લોકોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે. ત્યારે, હવે સુરતમાં આ નિંદનીય ઘટનાને લઈને રાજકીય ગતિવિધિઓ પણ તેજ બની છે.મૃતક ગ્રીષ્માના પરિવારજનોને સાંત્વના આપવા આજે મંગળવારે સુરત શહેર-જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.આ ઘટનાના વિરોધમાં વરાછા ખાતે આવેલા માનગઢ ચોકમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવાના કાર્યક્રમની કોંગ્રેસ દ્વારા ઘોષણા કરવામાં આવી હતી. જેને લઈને માનગઢ ચોક પર સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.કોંગી અગ્રણીઓએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરતા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.પોલીસે 20 કરતાં વધુ કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્ય, અને મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

આ વિરોધ પ્રદર્શનમાં ગુજરાત મહિલા મોરચાના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી તેમજ સુરત શહેરના હોદ્દેદારો કાળી પટ્ટી ધારણ કરીને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.આ ઘટનાના પગલે સુરત-પૂર્વ, કતારગામ, લિંબાયત, ચોર્યાસી અને અન્ય વિધાનસભામાં સુરત શહેર યુવક કોંગ્રેસ ધ્વારા ઉગ્ર વિરોધ સાથે ભારે સૂત્રોચ્ચાર કરી ભાજપ સરકાર અને પોલીસ ખાતાની કામગીરી સામે વિરોધ નોધાવી રાજય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ સભ્ય સી.આર.પાટીલ નું “પૂતળા દહન” દહન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.પોલીસે યુવા અગ્રણીઓની અટકાયત કરી હતી. બીજી તરફ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી પ્રતિ દિન થઇ રહેલી હત્યાઓને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ વરાછા, યોગીચોક, સરથાણા સહિતના વિસ્તારોમાં પોસ્ટર લાગ્યાં છે, જેમાં લખવામાં આવ્યું છે કે ભાઉના રાજમાં સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત્, ગૃહરાજ્યમંત્રી રાજીનામું આપે.પોસ્ટરમાં સુરત શહેર હવે ક્રાઈમ સિટી હોય એવું લાગી રહ્યાનું લખાયું છે. આમ,હવે ગ્રીષ્માની હત્યા બાદ રાજકીય પોસ્ટર વોર પણ શરૂ થઇ ગઈ છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત