સુરત : જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મોકડ્રીલની પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઈ

સ્થાનિક
Spread the love

સુરત, 16 ફેબ્રઆરી : ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, સુરત દ્વારા 18મી ફેબ્રુ.એ સવારે 11 વાગ્યે કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝ લિ.-સચિન ખાતે ‘ઓફસાઈટ ઈમરજન્સી મોકડ્રીલ’ યોજાશે, જેની પૂર્વતૈયારી અર્થે જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઈ હતી. મોકડ્રીલ સુયોગ્ય રીતે પાર પાડવા માટે કલેકટરએ સંબંધિત અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા-વિચારણા કરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. તેમણે મોકડ્રીલની પૂર્વતૈયારીઓની સમીક્ષા પણ કરી હતી.


ક્લેક્ટરએ જણાવ્યું હતું કે, મોકડ્રીલ એ ઈમરજન્સી સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે તાલીમની પણ ગરજ સારે છે. જ્યારે કોઈ ગંભીર દુર્ઘટના બને ત્યારે સંબંધિત સ્ટાફને તત્કાલ અને સમયસર જાણ કરવામાં આવે તો મોટી જાનહાનિ નિવારી શકાય છે, અને બચાવકાર્યને વધુ ઝડપે આગળ વધારી શકાય છે. આ માટે રિઅલ ટાઇમમાં એક સાથે સંબંધિત તમામ સ્ટાફગણને ઘટના વિષે જાણ કરી શકાય એ માટે મોબાઈલ એપ્લીકેશન વિકસાવવા અંગેની શક્યતા તેમણે તપાસી હતી. એકથી વધુ ફાયર ફાઈટર ટીમો કામ કરતી હોય ત્યારે એક નોડલ ઓફિસરની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.
કોઈ કંપની કે સંસ્થામાં દુર્ઘટના બને ત્યારે સૌથી પહેલાં ઘટનાસ્થળે પહોંચનાર પોલીસકર્મીઓ કે અન્ય સ્ટાફ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તેમજ અન્ય વિભાગોને સમયસર સંપર્ક સાધીને જાણ કરી શકે એ માટે સુરત શહેર-જિલ્લાની તમામ ઈન્ડસ્ટ્રીઝના મેઈન ગેટ પર ઈમરજન્સી સંપર્ક નં. અને કંપની દ્વારા ઉત્પાદિત કેમિકલ વિશેની જાણકારી અંગેનું સાઈનબોર્ડ લગાડવામાં આવશે એમ જણાવી કલેક્ટરએ ઉમેર્યું કે, સચિન ખાતે યોજાનાર મોકડ્રીલ આપણી ક્ષતિઓની જાણકારી મેળવવા, ભૂલોને સુધારવા, સાવચેતી-તકેદારીના આગોતરા પગલા લેવા સાથે ભવિષ્યમાં થનાર દુર્ઘટનાઓને પહોંચી વળવા માટેનું માધ્યમ બની રહેશે. તેમણે જરૂરી સૂચનો આપી ટીમવર્ક દ્વારા મોકડ્રીલની સફળતા માટેની અપેક્ષા સેવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર વાય.બી.ઝાલા, પ્રાંત અધિકારી જી.વી.મિયાણી, સેફ્ટી ઈન્સ્પેક્ટર એમ.ડી.દવે, વડોદરા NDRFના આસિસ્ટન્ટ કમાન્ડર પ્રવિણ ધત્ત તથા ફાયર, પોલીસ, ડિઝાસ્ટર, આરોગ્ય, વાહનવ્યવહાર, GIDC, સિવિલ ડિફેન્સ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *