
સુરત, 17 ફેબ્રુઆરી : સમગ્ર દેશમાંથી કોરોનાની ત્રીજી લહેર વિદાય લઇ રહી હોય તેવા એંધાણો મળી રહ્યા છે.જોકે, વિશેષજ્ઞોના મતે હજુ 4 સપ્તાહ સુધી રાહ જોવાની છે ત્યાર બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.બીજી તરફ ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર અંકુશમાં આવી રહી હોય તેવું સ્પષ્ટ થઇ રહ્યું છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 870 દર્દીઓ કોરોના ગ્રસ્ત થયા છે.જયારે, કુલ 13 લોકોના મોત થયા છે.સુરત શહેર-જિલ્લામાં પણ હવે આ મહામારી ધીરે ધીરે વિદાય લઈ રહી હોય તેવા અણસારો મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 28 અને જિલ્લામાં 16 દર્દીઓ મળીને કુલ 44 દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે.સદભાગ્યે શહેર-જિલ્લામાં ઘણા દિવસો બાદ એક પણ વ્યક્તિનું મૃત્યુ ન થતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં નવા 28 દર્દીઓ સાથે શહેરમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 1,62,051 પર જયારે જિલ્લામાં નવા નોંધાયેલા 16 દર્દીઓ સાથે કુલ આંક 42,706 પર પહોંચ્યો છે. આ સાથે સુરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં આ મહામારીમાં સપડાયેલા દર્દીઓની કુલ સંખ્યા હવે 2,0,757 પર પહોંચી છે.સુરત શહેરમાં આ મહામારીના કારણે કુલ 1681 અને જિલ્લામાં કુલ 554 દર્દીઓના મોત સાથે શહેર-જિલ્લામાં મૃતકોનો કુલ આંકડો 2235 પર પહોંચ્યો છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 70 અને જિલ્લામાં 73 દર્દીઓ મળીને કુલ 143 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આ સાથે સુરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓની કુલ સંખ્યા 2,01,998 પર પહોંચી છે. જેમાં, સુરત જિલ્લાના કુલ 41,907 ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો સમાવેશ થાય છે.સુરત શહેર-જિલ્લામાં કોરોના નિયંત્રણ વચ્ચે એક્ટિવ દર્દીઓની સંખ્યા પણ હવે ઘટીને 524 પર પહોંચી ગઈ છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત