સુરત : નાનીની રોકટોકથી કંટાળેલી કિશોરીએ અભયમ હેલ્પલાઈનની મદદ માંગી

સ્થાનિક
Spread the love

સુરત, 17 ફેબ્રઆરી : નાનીની રોજ-રોજની રોકટોકથી કંટાળેલી 15 વર્ષની કિશોરીએ 181 મહિલા હેલ્પલાઈનમાં કોલ કરી મૂંઝવણ જણાવી હતી, અને મદદ માગતા અભયમ કાઉન્સેલર દ્વારા નાનીનું અસરકારક કાઉન્સેલિંગ કરી બને રોજિંદી સમસ્યાથી મુક્તિ અપાવી હતી.
વાત એમ છે કે, ગત રોજ એક કિશોરીએ 181 માં કોલ કરી તેમના નાની અવારનવાર રોકટોક કરી હેરાનપરેશાન કરતા હોવાનું જણાવ્યું હતું. અભયમ ટીમ મદદ માટે તેના ઘરે પહોચતા જાણવા મળ્યું કે, કિશોરીના માતા હયાત નથી, અને કોઈ ગુનાસર પિતા જેલમાં છે. પિતાએ બીજા લગ્ન કર્યા હતા, પણ સાવકી મા તેને સાથે રાખવા તૈયાર ન હતી. તેથી કિશોરીના નાના-નાનીની સાથે રહેતી હતી. કિશોરીએ આપવિતી વ્યક્ત કરતાં કહ્યું કે, નાની મને નાની-નાની વાતમાં ટોકે છે, વઢે છે. ઘરની બહાર જવા દેતા નથી અને મારા પર શંકા કરે છે. અભયમ કાઉન્સેલરે નાનીને સમજાવતાં જણાવ્યું કે, કિશોરી કિશોરાવસ્થામાં છે. માતાપિતાનો હાલ કોઈ આધાર ન હોવાથી તમારા આશ્રયે છે. નાની વાતમાં સતત રોકટોક કરવાથી તેની લાગણી દુભાય છે, જેથી તેને પ્રેમ અને હૂંફ આપી સમજાવટ સાથે વાતચીત કરવી જોઈએ.પરસ્પર સમજણ કેળવવાથી આત્મીયતા વધશે. કિશોરીને પણ નાનીને આદર આપવા, એમની સંમતિ સાથે ઘર બહાર જવા અને વડીલોની ઘણી શિખામણ આપણા ભલા માટે હોય છે એમ સમજાવ્યું. અભયમ દ્વારા બંનેને અસરકારક રીતે સમજાવતા તેમના વચ્ચે પડેલી અંટસ દૂર થઈ હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *