સુરત : સચિનની કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝમાં ‘ ઓફસાઈટ ઈમરજન્સી મોકડ્રીલ ‘ યોજાઈ

સ્થાનિક
Spread the love

સુરત,18 ફેબ્રઆરી : સુરત ડિસ્ટ્રીક્ટ ક્રાઈસિસ ગ્રુપ, સ્થાનિક ક્રાઈસિસ ગ્રુપ અને કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે સચિન સ્થિત કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝ લિ. ખાતે ટેન્કરમાંથી ઈથિલીન ઓક્સાઈડના ગળતર અને તેનાથી લાગેલી આગને પહોંચી વળવા ‘ઓફસાઈટ ઈમરજન્સી મોકડ્રીલ’ યોજાઈ હતી. સવારે 11 વાગ્યે ગેસ ગળતરની ઘટનામાં બચાવ ટુકડીઓએ માત્ર 1 કલાકમાં ગેસ લિકેજને બંધ કરી આગ પર કાબુ મેળવી લેવાયો હતો. બચાવકાર્ય દરમિયાન કંપનીના ચાર કર્મીઓ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.

ઔદ્યોગિક એકમોમાં આગ, અકસ્માત, ગેસ લિકેજ વગેરે જેવી દુર્ઘટનાઓ સમયે તકેદારીના પગલાઓ લેવા અને ઈમરજન્સી સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓને તાલીમ પૂરી પાડવાના હેતુ સાથે મોકડ્રીલ યોજાઈ હતી. ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં વિવિધ મેજર એક્સિડન્ટ હેઝાર્ડ્સવાળા જોખમી કેમિકલનું ઉત્પાદન કરતાં કારખાનાઓમાં સંભવિત અકસ્માતને નિવારવાના પગલાંરૂપ આ મોકડ્રીલને બચાવકર્મીઓએ જિલ્લા વહિવટીતંત્રના સંકલનમાં રહી સુવ્યવસ્થિત રીતે પાર પાડી હતી.


મોકડ્રીલ મુજબ સચિનની કલરટેક્ષ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના યુનિટ-01, ગેટ નં. 06 પાસે પાર્કીંગ એરિયામાં ઉભેલી ટ્રકના ટેન્કરમાંથી ઈથિલીન ઓક્સાઈડનું ગળતર થયુ હતું. કંપનીની ફાયર અને મેઈન્ટેનન્સ ટીમ દ્વારા લિકેજ બંધ કરવાનો પ્રયાસ કરાયો હતો, પણ લિકેજ વધી જતાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ કાબુમાં ન આવતા 11:15 કલાકે સૌપ્રથમ લોકલ ક્રાઇસિસ ગ્રુપ-સુરત સિટીને જાણ કરવામાં આવી હતી. નજીકના કારખાનાઓ પાસે પણ મદદ માંગવામાં આવી હતી. લોકલ ક્રાઇસીસ ગ્રુપ- સુરત સિટીના ચેરમેન તથા પ્રાંત ઓફિસર જી.વી.મિયાણી અને સભ્યો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતાં. જ્યાં કંટ્રોલ રૂમ ઉભો કરાયો હતો.


ઘણાં પ્રયાસો છતાં આગ કાબુમાં ન આવતા 11:30 કલાકે બનાવની જાણ ડિઝાસ્ટર કંટ્રોલરૂમ તથા ડિસ્ટ્રીક્ટ ક્રાઈસિસ ગ્રુપના ચેરમેન અને જિલ્લા કલેકટર આયુષ ઓકને કરાઈ હતી. જાણ થતા જિલ્લા ક્રાઈસિસ ગ્રુપના સભ્યો, પોલિસ, ફાયર બ્રિગેડ, SMC અને સિવિલ આરોગ્ય અને NDRF ની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસ વિભાગ દ્વારા નેશનલ હાઇવે બંધ કરી ટ્રાફિક કંટ્રોલ કરાયો હતો. SMCની ફાયર ટીમે કંપની અને આસપાસના વિસ્તારમાં વોટર સ્પ્રે કરીને ગેસને પ્રસરતો અટકાવ્યો હતો. મોકડ્રીલમાં 4 શ્રમિકોને ઇજા પહોંચી હતી. જે પૈકી 1 શ્રમયોગીને કલરટેક્ષના ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટરમાં શિફટ કરાયો હતો, અને અન્ય એક શ્રમયોગીની હાલત ગંભીર હોવાથી સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યારે અન્ય 2 શ્રમયોગીઓને NDRF દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતા. નવીન ફ્લોરીન તથા સચિન નોટીફાઇડ એરિયા અને SMC ફાયરબ્રિગેડની મદદથી આખરે 11:50 કલાકે આગ સંપૂર્ણ કાબુમાં આવી હતી. જોઈન્ટ ડાયરેકટર-ઈન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ, સુરતના અધિકારીઓ તથા GPCBની ટીમે ઘટનાસ્થળનું મોનિટરીંગ કર્યું હતું. વાતાવરણમાં ઈથિલીન ઓકસાઈડનુ પ્રમાણ ન જણાતા કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. સ્થિતી સંપુર્ણપણે કાબુમાં જણાતા ઓલ ક્લીયર આપવામાં આવ્યું હતું. અને 12:05 કલાકે સાઇરન વગાડી ઇમરજન્સી પૂર્ણ થયાની જાણ કરવામાં આવી હતી.

આ મોકડ્રીલમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, સિટી પ્રાંત ઓફિસર જી.વી.મિયાણી, ઓલપાડ પ્રાંત અધિકારી સી.કે.ઉધાડ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી-સુરતના આસિ.ડાયરેકટર યુ.જે.રાવલ,, DISH, NDRF, પોલીસ, ફાયર, આરોગ્ય, આર.ટી.ઓ, GPCB કલરટેક્ષ લિ.ના કર્મચારીઓ-આસપાસના કારખાનેદારો જોડાયા હતાં.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *