સુરતની વનિતા વિશ્રામ કન્યા મહાવિદ્યાલયના 36 એન.સી.સી. કેડેટ્સ ‘ 6-ગુજરાત ગર્લ્સ બટાલિયન ’માં સામેલ

સ્થાનિક
Spread the love

સુરત, 21 ફેબ્રઆરી : દેશભરમાં 22 ફેબ્રુઆરી- ‘વિશ્વ સ્કાઉટ દિન’ રૂપે ઉજવવામાં આવે છે. NCC (નેશનલ કેડેટ કોર)એ ‘એકતા અને અનુશાસન’ના ધ્યેયવાક્ય સાથે દેશમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. સ્વૈચ્છિક સંસ્થા NCCનો વ્યાપ દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ વધ્યો છે, જેના થકી વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થીકાળથી જ શિસ્ત અને રાષ્ટ્રરક્ષાની ભાવના મજબૂત બની રહી છે, ત્યારે ડિરેક્ટર જનરલ (દિલ્હી) અને ગુજરાત સરકારના સહયોગથી સુરતના અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ કન્યા વાણિજ્ય મહાવિદ્યાલયના 36 ગર્લ્સ કેડેટ્સને ‘ 6-ગુજરાત ગર્લ્સ બટાલિયન ’માં સામેલ કરવામાં આવ્યાં છે. હાલમાં આર્મી યુનિટ અંતર્ગત કુલ 36 કેડેટ્સ આ કોલેજમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે, જેમનો ઉત્સાહ અને જુસ્સો ખરેખર દર્શનીય છે.

મહાવિદ્યાલયના આચાર્ય ડો.અભિલાષા અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘વિદ્યાર્થીઓમાં અભ્યાસકાળ અને યુવાવસ્થાથી જ શિસ્ત, રાષ્ટ્રભાવના તેમજ કાયદા પ્રત્યે સમજ કેળવાય અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ આર્મી, એરફોર્સ, નેવી અને પોલીસ સહિત મિલિટરી-પેરામિલિટરી ફોર્સમાં જોડાઈ રાષ્ટ્રરક્ષા માટે કટિબદ્ધ બને તેવા વિચાર સાથે કોલેજમાં એન.સી.સી. યુનિટની શરૂઆત કરી હતી. કોલેજના ખર્ચે શરૂ કરેલી ગર્લ્સ યુનિટની NCC ડિરેક્ટર જનરલ-દિલ્હી અને ગુજરાત સરકારે વિશેષ નોંધ લઈ ‘ 6-ગુજરાત ગર્લ્સ બટાલિયન ’માં સામેલ થવાની માન્યતા આપી છે. હાલ અમને એક જ યુનિટ(ટ્રુપ) મળ્યું છે, જેમાં 36 કેડેટ્સ સામેલ છે. આ ક્ષેત્રમાં અમારી અન્ય વિદ્યાર્થિનીઓ પણ જોડાવવા ઈચ્છુક હોવાથી મહાવિદ્યાલયને બીજી ટ્રુપ પણ મળશે એવી આશા તેમણે વ્યકત કરી હતી.

આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ ફિઝિકલ એજ્યુકેશન અને ગર્લ્સ બટાલિયનના ટ્રેનિંગ ઈન્ચાર્જ ડો.તન્વી તારપરાએ જણાવ્યું હતું કે, સૈન્યની વિવિધ પાંખોમાં જોડાઈને રાષ્ટ્રસેવાની ભાવના તેમજ સેલ્ફ ડિફેન્સ જેવા મુખ્ય વિચારોથી કન્યાઓને એન.સી.સી.માં જોડાવાની પ્રેરણા મળી છે. તેમણે કહ્યું હતું કે, ‘અમારી કોલેજમાં પ્રથમ વર્ષના 18 અને દ્વિતીય વર્ષના 18 મળી કુલ 36 કેડેટ્સ આ યુનિટમાં સામેલ છે, જયારે દ્વિતીય વર્ષના કેડેટ્સ આ વર્ષે એન.સી.સી. ‘બી સર્ટિફિકેટ’ની પરીક્ષા આપી ઉત્તીર્ણ થવાની તૈયારીમાં છે. આર્મી યુનિટમાં જોડાનાર કેડેટ્સને હાલમાં પરેડ અને પી.ટી. ટ્રેનિંગ અપાઈ રહી છે, જ્યારે રાઈફલ ફાયરિંગ, મેપ રિડિંગ અને કેમ્પીંગ જેવી તમામ પ્રવૃત્તિઓ આગામી સમયમાં હાથ ધરાશે.’

એફ.વાય.બીકોમમાં અભ્યાસ કરતી 18 વર્ષીય કેડેટ ધ્વનિ પારેખ જણાવે છે કે, ‘મને NCC માં જોડાવાની પ્રેરણા રિટાયર્ડ પોલીસ સબ ઈન્સ્પેકટર એવા મારા દાદાજી તરફથી મળી હતી. આ એક એવું પ્લેટફોર્મ છે, જે અમને રાષ્ટ્રસેવા, રાષ્ટ્રપ્રેમ, સમર્પણ, નેતૃત્વ, વચનબદ્ધતા અને નૈતિક મૂલ્યો શીખવાડે છે.’


એફ.વાય.બીકોમની વિદ્યાર્થીની 19 વર્ષીય કેડેટ પાયલ મોહિતેએ કહ્યું હતું, ‘સિવિલ સર્વિસીસમાં જોડાવાનું મારૂ સ્વપ્ન છે, અને એન.સી.સી. આ ક્ષેત્રનો મુળભૂત પાયા સમાન છે. અહીં અપાતી તાલીમના બળે અમને માનસિક, ભૌતિક અને વૈચારિક ક્ષમતાઓ વિકસાવવામાં ખૂબ મદદ મળી છે.’

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *