માતૃભાષા સંવર્ધનનું નોખું-અનોખું કાર્ય કરનાર સુરતના યુવા શિક્ષક : શિક્ષણકાર્ય સાથે ગુજરાતીને સંવર્ધિત કરવાની આહલેક જગાવી

સ્થાનિક
Spread the love

સુરત, 21 ફેબ્રઆરી : ‘ મા, માતૃભૂમિ, માતૃસંસ્થા અને માતૃભાષા ’નું આપણી ઉપર સદાય ઋણ રહેલું હોય છે. ‘મા’નું ઋણ ક્યારેય ન ચૂકવી શકાય એવું અનંતકાલીન છે. માતૃભૂમિ અને માતૃસંસ્થાનું ઋણ અદા કરવાનું એક માધ્યમ ભાષા પણ છે. ભાષાનું ઋણ ત્યારે જ અદા કરી શકાય, જ્યારે તેને યોગ્ય રીતે પ્રયોજવામાં આવે.

     ગુજરાત અને ગરવા ગુજરાતીની ઓળખ સમી ગુજરાતી ભાષાને ‘ભાષા ગૌરવ અને સંવર્ધન અભિયાન' થકી જીવાડવા, તેનું સંરક્ષણ અને સંવર્ધન કરવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ–સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળાના યુવા શિક્ષક રાજેશકુમાર ધામેલિયાએ ધૂણી ધખાવી છે. તેઓ વર્ષ 2003થી સુરત સહિત સમગ્ર ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ-શિક્ષકો અને ભાષાપ્રેમીઓને સાચી જોડણી શીખવી સાચું લખવા પ્રેરિત કરી રહ્યા છે. જેથી ગુજરાતી ભાષાની ધરોહર, પેઢી દર પેઢી સચવાતી રહે અને સમૃદ્ધ થતી રહે. તેમની ભાષા સાધનાનો વ્યાપ વિદેશમાં વસતા એન.આર.આઈ. ગુજરાતીઓ સુધી વિસ્તર્યો છે. તેમની ઉમદા સેવાઓ બદલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ્દ હસ્તે “શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક”, સહિત અનેકવિધ ઍવૉર્ડસ મળી ચૂક્યા છે. ગત ડિસેમ્બર-2021માં રાજ્ય સરકારના GCERT– ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ-ગાંધીનગર દ્વારા નવા પાઠ્યપુસ્તકો અને મોડ્યુલ નિર્માણના કાર્ય માટે એસ.આર.જી.-સ્ટેટ રિસોર્સ ગ્રૂપમાં પસંદગી પણ કરવામાં આવી છે.
     માતૃભાષા સંવર્ધનનું નોખું-અનોખું કાર્ય કરનાર સુરતના યુવા શિક્ષક રાજેશકુમાર વશરામ ધામેલિયાએ શિક્ષણકાર્ય સાથે ‘ભાષા ગૌરવ અને સંવર્ધન અભિયાન' થી વિશેષ પ્રવૃત્તિ શરૂ કરીને ગુજરાતીને સંવર્ધિત કરવાની આહલેક જગાવી છે. હાલ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મહારાણા પ્રતાપ પ્રા.શાળામાં ફરજ બજાવી રહ્યા છે, તેમણે ગુજરાતની 300 જેટલી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ આર્ટ્સ કોલેજોમાં ‘સાચી જોડણી લાગે વહાલી’, ‘ભાષા સજજતા’ અને ‘ગુજલિશ’ પર સેમિનાર તેમણે યોજ્યા છે. જેનો લાભ બાલભવનથી શાળા-કોલેજોના હજારો વિદ્યાર્થીઓ- શિક્ષકોએ મેળવ્યો છે. તેમણે ભાષાપ્રેમીઓમાં લોકપ્રિય બનેલી ‘સાચી જોડણી લાગે વહાલી’ પુસ્તિકાનું સંપાદન-પ્રકાશન કરી દાતાઓના સહયોગથી 20,000 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભેટ આપી છે, અને વિદ્યાર્થીઓને માતૃભાષાના યોગ્ય પ્રયોજન માટે સજ્જ કર્યા છે.
     કોરોનાકાળ તેમજ લોકડાઉન દરમિયાન માતૃભાષા અભિયાન-અમદાવાદ, આનંદાલય, ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ-રાજકોટ સંસ્થાન વગેરે દ્વારા ઓનલાઇન ‘ભાષા સજ્જતા’ કાર્યક્રમોમાં ભાષા સજ્જતા અંગે ધામેલીયાએ માર્ગદર્શન આપ્યું હતું. જેમાં દેશ-પરદેશમાં વસતા હજારો લોકો જોડાયા હતા. તેમની ભાષા પ્રવૃત્તિની નોંધ લઈને માતૃભાષા અભિયાન-અમદાવાદ દ્વારા “ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ”, મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા “સાહિત્ય સુધાકર ઍવૉર્ડ”, શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ-રાજકોટ સંસ્થાન દ્વારા “સેવા સન્માન ઍવૉર્ડ”, સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન-રાજકોટ દ્વારા ‘સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ’, ન.પ્રા.શિ.સ.-સુરત દ્વારા “વિશિષ્ટ સેવા ઍવૉર્ડ”, તેમજ સંત મોરારિબાપુના હસ્તે “શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ પારિતોષિક” પ્રાપ્ત થયા છે.
     વિદ્યાનગરી ભાવનગરના શિહોર તાલુકાના બુઢણા ગામે ખેડૂત ખોરડે જન્મેલા રાજેશભાઈએ માતૃભાષાના પ્રેમ અને ભાષા અભિયાન અંગે જણાવ્યું હતું કે, વિદ્યાર્થી અવસ્થામાં તો મારો પ્રિય વિષય ગણિત હતો. પી.ટી.સી.ના અભ્યાસ દરમિયાન ઉમાકાન્તભાઈ રાજ્યગુરુએ ગુજરાતી જોડણીના નિયમો શીખવ્યા, તેથી ભાષામાં રસ જાગ્યો. આદર્શ વિદ્યાલય-પાલિતાણામાં નવેમ્બર-1997માં ગણિતના શિક્ષક તરીકે જોડાયો. ગુજરાતી પુસ્તકોનું વાંચન મને ખૂબ ગમતું. શાળાના કાળાપાટિયા પર દરરોજ જોડણીનો એક નિયમ લખવાની શરૂઆત કરી. આ નિયમો વાંચીને ગુજરાતીના શિક્ષકને ભારે નવાઈ લાગી, તેમણે મને પૂછ્યું કે, “તમે આ નિયમો ક્યાંથી શીખ્યા ?” તેમણે ગુજરાતી વિષયમાં અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો, પરંતુ જોડણીના નિયમોથી તેઓ અજાણ હતાં. આ પ્રસંગ મારા માટે ટર્નિંગ પોઇન્ટ બની ગયો, અને એ સમયે જોડણીના નિયમો વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે તેવી પુસ્તિકા લખવાનો નિર્ધાર કર્યો.
     રાજેશભાઈનું જીવન ઘણું સંઘર્ષમય રહ્યું છે. દોઢ વર્ષની વયે પિતા વશરામભાઈની છત્રછાયા ગુમાવી. માતા પુંજીબહેને અપાર મુશ્કેલીઓ વેઠીને લાલનપાલન કરી ઉછેર કર્યો. બુઢણા પ્રાથમિક શાળામાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ પી.ટી.સી.નો અભ્યાસ કરી શિક્ષણ ક્ષેત્રે ઇનોવેટિવ કાર્યો અને શ્રેષ્ઠ શાળાનું નિર્માણ કરવાની પ્રેરણા મળી. સુરતમાં આગમન બાદ વર્ષ 1998માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જોડાયા, અને સમિતિની મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા-નાના વરાછામાં વર્ષ 2003થી ફરજ બજાવતા રાજેશભાઈએ આગળની સફર વર્ણવતા કહ્યું કે, સુરતની આ શાળામાં માતૃભાષાપ્રેમી શિક્ષક હિંમત પંચાલની સાથે મળીને ‘માતૃભાષા ગૌરવ અને સંવર્ધન અભિયાન’ અંતર્ગત ‘સાચી જોડણી લાગે વહાલી’ અને ‘ભાષા સજ્જતા’નું સંપાદન કર્યું. આ કાર્યમાં શાળા પરિવારના તમામ ભાઈ-બહેનોનો ખૂબ સહકાર સાંપડ્યો. ‘સાચી જોડણી લાગે વહાલી’ પુસ્તિકાની 1,55,000 નકલ પ્રસિદ્ધ થઈ ચૂકી છે.પ્રાથમિક શાળાથી લઈને પી.ટી.સી., બી.એડ્.અને આર્ટ્સ કૉલેજ સુધીના વિદ્યાર્થીઓ-શિક્ષકો તેમજ એન.આર.આઈ.ગુજરાતીઓએ પણ વસાવી છે. અંગ્રેજી માધ્યમની શાળાના વિદ્યાર્થીઓ પણ ગુજરાતી શીખવા આ પુસ્તિકાનો ઉપયોગ કરે છે, અને તેમના તરફથી મળતા આભાર પ્રદર્શિત કરતા કોલ, પત્રો, મેસેજ, ઈમેલ્સ મારો ઉત્સાહ વધારે છે.પુસ્તિકાઓના પ્રકાશન-વિતરણ બાદ શિક્ષકો-વિદ્યાર્થીઓ માટે ‘સાચી જોડણી લાગે વહાલી’, ‘ભાષા સજ્જતા’ અને ‘ગુજલિશ’ શીર્ષક હેઠળ શ્રેણીબદ્ધ સેમિનારો યોજ્યા, જેમાં ભાષાપ્રેમીઓના પ્રેરણાદાયી પ્રતિભાવો મળ્યા. માતૃભાષા અને જીવન ઘડતર અંગે હું જે શીખ્યો છું, તે હું આજે ડિજિટલ જમાનામાં સમય સાથે કદમતાલ મિલાવીને યુટ્યુબ, વોટ્સએપ, ફેસબુક, બ્લોગ જેવા સોશ્યલ મીડિયા ટુલ્સના માધ્યમથી વહેંચી રહ્યો છું. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓનો ઉત્સાહવર્ધક પ્રતિસાદ સાંપડતા સંતોષ અનુભવાય છે
     ‘ચાલો, આપણે સૌ સાથે મળીને માતૃભાષાનો નાદ વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડીએ..’ એવો સંકલ્પ વ્યક્ત કરતા તેઓ કહે છે કે, સૌ માતૃભાષાપ્રેમીઓના સાથ-સહકારથી લાખો વિદ્યાર્થીઓ સુધી મારી ભાષા પુસ્તિકાઓની પી.ડી.એફ. મોકલી શક્યા છીએ જેનો ઘણો આનંદ છે. હજી ઘણું કાર્ય કરવાનું બાકી છે. આ કાર્યમાં સહયોગી બનવા કે પુસ્તિકાઓની પી.ડી.એફ. વિના મૂલ્યે મેળવવા મો.નં. 9825492499 ઉપર મેસેજ કરી શકાય છે.
    ભાષા સંવર્ધન પ્રવૃત્તિઓની સાથેસાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવા શાળા પરિસરને પણ શ્રેષ્ઠ બનાવવા સાથી શિક્ષકમિત્રોના સહિયારા પ્રયાસથી તેમની શાળાએ વિશિષ્ટ સિદ્ધિઓ પણ મેળવી છે. આ શાળા ગુણોત્સવમાં સતત ૬ વર્ષથી A ગ્રેડ મેળવે છે. સમગ્ર ન.પ્રા.શિ.સ. કક્ષાએ ચાર-ચાર એવોર્ડ સાથે શ્રેષ્ઠ શાળા ચેમ્પિયનશિપ ઍવૉર્ડ, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છ શાળા ઍવૉર્ડ, દર વર્ષે 200 જેટલા ખાનગી શાળાના વિદ્યાર્થીઓનો શાળામાં પ્રવેશ, ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ઝોન કક્ષાએ પ્રથમ ક્રમ જેવી સિદ્ધિઓ મેળવી છે. ધામેલિયા અને શાળા પરિવાર દ્વારા શાળામાં અનેક નવતર પ્રયોગો કર્યા છે. વાલીઓને અનુકૂળ એવા રાત્રિના સમયે વાલી મિટિંગ, દર મહિનાના ચોથા શનિવારે વાલીઓની વર્ગ મુલાકાત, વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા ખિલવવા સન્ડે સ્કૂલ, પુસ્તક પરબ, ઝડપી ઘડિયાગાન અને ઘડિયાની રમત, ગુજરાતી-અંગ્રેજીનો તુલનાત્મક અભ્યાસ સહિતના અનેકવિધ પ્રયાસો કર્યા છે.
     ધામેલિયા વધુમાં કહે છે કે, આપણી ચોતરફનાં વાચનક્ષેત્ર જેવાં કે, વર્ગખંડ, આમંત્રણ-પત્રિકાઓ, પેમ્ફલેટ, સાઈનબોર્ડ, બેનર-હોર્ડિંગ્સ, કચેરીઓ, ટી.વી.શ્રેણીઓ, ન્યૂઝ ચેનલો, ઘણા અખબારો-સામયિકો વગેરે અનેક જગ્યાએ અશુદ્ધ જોડણીયુક્ત લખાણ વાંચવા મળે છે. જો આપણે થોડો પ્રયત્ન કરીએ તો ઘણી સહેલાઇથી સાચું લખી શકીએ તેમ છીએ. પરંતુ આ ક્યારે શક્ય બને ? જો માતૃભાષાપ્રેમ અને તેના પ્રત્યે માન-સન્માન અને ગૌરવની લાગણી હોય તો જ આપણે તેનું જતન-સંવર્ધન કરી શકીએ. માતૃભાષાનું ગૌરવ અનુભવવું અને વિશ્વની તમામ ભાષાને આદર આપવો એમાં જ વિશ્વમાતૃભાષા દિવસ ઉજવણીની સાર્થકતા છે. બાળકના શારીરિક વિકાસ માટે પયપાન જરૂરી છે, તેમ માનવીના બૌદ્ધિક વિકાસ માટે માતૃભાષા અત્યંત જરૂરી છે એમ તેઓ દૃઢતાથી કહે છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *