
સુરત, 22 ફેબ્રઆરી : સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આગામી તા.27મી ફેબ્રુ.થી ત્રિદિવસીય પલ્સ પોલિયો અભિયાન યોજી જિલ્લામાં 0 થી 5 વર્ષના 1,80,021 બાળકોને આવરી લેવાનું લક્ષ્ય સેવ્યું છે. આમ તો, વિશ્વમાં પોલિયો નાબૂદ થયો છે, પરંતુ, ભારતના પાડોશી દેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હજુ પણ પોલિયોના કેસ જોવા મળે છે. ભારતમાં તેની અસર ન થાય એ માટે પલ્સ પોલિયો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
સુરત જીલ્લામાં પલ્સ પોલીયો અભિયાન અંતર્ગત ઓલપાડ તાલુકાના 28,001 કામરેજ તાલુકાના 23,352 માંડવીના 15,923 પલસાણાના 28,763 બારડોલીના 25,113 મહુવાના 13,785 ચોર્યાસીના 13,090 ઉમરપાડા તાલુકાના 7574, માંગરોળના 24,420 બાળકો મળી જિલ્લામાં કુલ 1,80,021 બાળકોને પોલિયો રસીના બે ટીપાં પીવડાવી પોલિયો નાબૂદી અભિયાન હાથ ધરવામાં આવશે.આ અભિયાન અંતર્ગત કુલ 1104 બુથ પર 2051 ટીમ કાર્યરત રહેશે. એક બુથ પર બે ટીમમાં 4 કર્મચારીઓને રસી આપવાની કામગીરી સોંપવામાં આવી છે. પલ્સ પોલિયો અભિયાન હેઠળ તા.27 મી ફેબ્રુ, રવિવારનાં રોજ બુથ પર તથા તા.28 ફેબ્રુ.થી તા.01, માર્ચ એમ બે દિવસ ઘરે ઘરે જઈને બાકી રહી ગયેલા બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે.
આ સિવાય, રેલ્વે સ્ટેશન, બસ ડેપો મેળા, હાટ બજાર વગેરે સ્થળોએ ૫૨ ટીમ ત્રણ દિવસ રસીકરણ કાર્યની કમાન સંભાળશે. તેમજ ઈંટના ભઠ્ઠા, પડાવીયા અથવા અંતરિયાળ વિસ્તારો કે જ્યાં પગપાળા પહોંચવું મુશ્કેલ હોય એવા દુર્ગમ વિસ્તારમાં 87 મોબાઈલ ટીમ દ્વારા રસીકરણની કામગીરીને આગળ ધપાવવામાં આવશે. આ કામગીરીમાં 100 ટકા સિદ્ધિ મેળવવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લા કક્ષાથી તમામ તાલુકાઓમાં લાયઝન અધિકારી નિમવામાં આવ્યા છે.સુરત જિલ્લાનાં તમામ નાગરિકોને પોતાના 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવી રાષ્ટ્રને પોલિયોમુક્ત બનાવવાનો અભિયાનમાં સહભાગી બનવા આરોગ્ય તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત