
સુરત, 23 ફેબ્રઆરી : રાજયનો ખેડુતો ટેકનોલોજીના માધ્યમથી ખેતી વિશેની અવનવી માહિતી આંગળીના ટેરવે મેળવી શકે, વિવિધ યોજનાના ફોર્મ ઓનલાઈન ભરી શકે તેવા આશયથી રાજય સરકાર દ્વારા ખેડુતોને સ્માર્ટ ફોનની ખરીદી માટે ફોનની કિંમતના 40 ટકા અથવા વધુમાં વધુ રૂા.6000 જે ઓછું હોય તેની સહાય આપવામાં આવે છે. આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે ગાંધીનગર ખાતેથી રાજયભરના 5900 કિસાનોને ‘સ્માર્ટ ફોન સહાય’ વિતરણનો પ્રારંભ થયો હતો.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજીત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, સંયુકત ખેતી નિયામક કમલેશ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી એન.જી.ગામીત તથા માંડવી અને મહુવા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીઓ, મદદનીશ ખેતી વાડી અધિકારીઓ, ખેડુતો જોડાયા હતા. ત્રણ સ્થળોએથી અધિકારીઓના હસ્તે સુરત જિલ્લાના 86 ખેડુતોને રૂા.4,46290ની સહાય એનાયત કરવામાં આવી હતી. આ સ્માર્ડ ફોનથી ખેડુતોને હવામાન ખાતા તથા વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાતના ઉપદ્રવ, જીવાત નિયંત્રણ, ખાતર-બિયારણ પાક પદ્ધતિ જેવી વિગતો અને માહિતી માટે ખેતર છોડી કયાંય જવું પડશે નહિ, પોતાના ખેતરમાં બેઠાં જ તેને એટ વન કલીક આ બધી સુવિધા સ્માર્ટ ફોનમાં હાથવગી થશે. આ ઉપરાંત કૃષિ તકનિક તેમજ સરકારી યોજનાઓની માહિતી તથા અરજીઓ સરળતાથી કરી શકશે. આમ રાજયના ખેડુતોની દરકાર લેતી સરકારે ખેડુતોને ઘર બેઠા માહિતી મળી રહે તેવા આશયથી સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય આપી રહી છે.

અરજી કરવા માટે જમીન ધારણ કરતા ખેડુતોએ જીએસટી નંબરવાળુ સ્માર્ટ ફોન બીલ, મોબાઈલનો આઈએમઈઆઈ નંબર, 8-અની નકલ, કેન્સલ ચેક અને આધારકાર્ડ નંબર સાથે આઈ ખેડુતો પોર્ટલ પર અરજી કરવાની રહેશે. એક કરતા વધુ ખાતા ધરાવતા ખેડુતને એક જ ખાતા પર સહાય મળશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત