
સુરત, 22 ફેબ્રઆરી : ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ આસ્તિક પટેલે ‘ મારો ચોર્યાસી તાલુકો, મારા ઘરઆંગણે ‘ના રૂપમાં નવી એક નવી પહેલ શરૂ કરી છે, જેમાં ચોર્યાસી તાલુકામાં સમાવિષ્ટ ગામોના જરૂરિયાતમંદ ગ્રામજનોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ ઘરઆંગણે મળી રહે એવો ઉમદા પ્રયાસ કર્યો છે. જે સંદર્ભે યુથ ફોર હજીરા ગ્રુપ અને ભટલાઈ ગામ પંચાયતના સહકારથી ભટલાઈ ગામે સરકારી યોજનાકીય લાભ અને સમજ આપવાનો કેમ્પ યોજાયો હતો,. જેમાં 176 આયુષ્યમાન કાર્ડ, 108 આધાર કાર્ડ (સુધારા-વધારા), 29 ઈ-શ્રમ કાર્ડ, 19 આવકના દાખલા, 4 સુકન્યા સમૃદ્ધિ યોજના, 6 રાશન કાર્ડ સહિત કુલ 342 લાભાર્થીઓએ ઘરઆંગણે લાભ લીધો હતો.

આસ્તિક પટેલે જણાવ્યું હતું કે, ચોર્યાસી તાલુકાના તમામ ગામોની જનતા સરકારના વિવિધ લાભોથી વંચિત ન રહી જાય એ માટે ' મારો ચોર્યાસી તાલુકો, મારા ઘરઆંગણે ' નામથી તાલુકાના ગામોમાં કેમ્પ યોજવાનો સંકલ્પ કર્યો છે. અમારો મુખ્ય હેતુ છેવાડાના લોકો સુધી સરકારના વિવિધ લાભો આપવાની સાથે સંબંધિત યોજનાની સમજ આપવાનો પણ છે. જેથી વધુમાં વધુ ગ્રામજનો લાભ મેળવવા પ્રેરાય. જેના ભાગરૂપે ભટલાઈ ગામમાં કેમ્પ યોજી મોટી સંખ્યામાં લોકોને ઘરઆંગણે લાભો આપવામાં આવ્યાં છે. ગ્રામજનોનો પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહ્યો છે જેનો ખૂબ આનંદ છે.
આ પ્રસંગે ભટલાઈ ગામ પંચાયતના સરપંચ નર્મદાપટેલ, ડે.સરપંચ છોટુ પટેલ, તાલુકા તથા જિલ્લા પંચાયત સભ્યો, અગ્રણીઓ,યુથ ફોર હજીરાના અધ્યક્ષ જિગ્નેશ પટેલ, અક્ષય પટેલ તથા લાભાર્થી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત