
સુરત, 23 ફેબ્રઆરી : ગુજરાતના તમામ પ્રકારના ટ્રાન્સપોર્ટ અને નોન-ટ્રાન્સપોર્ટ વાહનોની ફિટનેસ ચકાસવા માટે રાજ્યનું પ્રથમ સંપૂર્ણ ઓટોમેટીક અને અત્યાધુનિક ‘ વ્હીકલ ઈન્સ્પેકશન અને ફિટનેસ સેન્ટર ‘ સુરતના ઓલપાડ તાલુકાના માસમા ખાતે ઓક્ટોબર,2017 માં શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે સુરત-ઓલપાડ રોડ પર માસમા ખાતે સારોલી નજીક સૂચિત નવા રાજ્ય ધોરીમાર્ગ પર 31,000 ચોરસ મીટર જમીન ફાળવી હતી. જ્યાં રૂ.15 કરોડના ખર્ચે નિર્માણ પામેલું રાજ્યનું પ્રથમ સંપૂર્ણ સ્વચાલિત ‘ સ્ટેટ ઓફ ધ આર્ટ ‘ વ્હીકલ ફિટનેસ સેન્ટર હાલ કાર્યરત છે. માસમા ખાતેનું સેન્ટર દેશનું 10મું અને રાજ્યનું સૌપ્રથમ વાહન ફિટનેસ સેન્ટર હોવાનો યશ ધરાવે છે. જેમાં ઓક્ટોબર-2017થી જાન્યુ.-2022 દરમિયાન કુલ 10,538 વાહનોના ફિટનેસ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

આ ફિટનેસ સેન્ટરની સ્થાપના પહેલા વાહનોની ચકાસણી મેન્યુઅલી કરવામાં આવતી હતી, પરંતુ નવા વ્હીકલ ફિટનેસ સેન્ટરની સ્થાપના બાદ હવે કોમ્પ્યુટરાઈઝ્ડ સાધનોમાં ફીટ કરાયેલા ઈક્વીપમેન્ટસ દ્વારા વાહનોને 40 વિવિધ પ્રકારના પેરામીટરમાંથી પસાર કરીને ફિટનેસ ટેસ્ટીંગ કરવામાં આવે છે, અને વાહનોની ગુણવત્તા, ક્ષમતા અને યોગ્યતાની ચકાસણી કરીને 'વ્હીકલ ફિટનેસ પ્રમાણપત્ર' આપવામાં આવે છે.અહીં અત્યાધુનિક મશીનો દ્વારા વાહનોના તમામ ભાગોને સ્કેનિંગ કરવામાં આવે છે, જે વાહનોમાં રહેલી ક્ષતિઓને શોધવામાં મદદરૂપ થાય છે, પરિણામે જેમ આપણા શરીરનો એક્સ-રે અથવા કાર્ડિયોગ્રામથી શારીરિક સ્થિતિનો અંદાજ મળે છે, એ રીતે વાહનના એક્સ-રે સમાન આ સુવિધાથી વાહનની ખામીઓ, રસ્તા પર ચાલવા માટે તે સક્ષમ છે કે નહિ તેની જાણકારી મેળવી શકાય છે.
આ સેન્ટરમાં કુલ 4 લેનનું નિર્માણ કરવામાં આવેલ છે જે પૈકી 2 લેન લાઈટ કોમર્શીયલ વાહનો અને 2 લેન હેવી કોમર્શીયલ વાહનો માટે ફાળવવામાં આવી છે અને આ ફીટનેસ સેન્ટરમાં માત્ર 4 RTO ઈનસ્પેકટરસની ટીમ દ્વારા કાર્યરત છે. સેન્ટ્રલ મોટર વેહિકલ રૂલ-1989ના રૂલ નં.62 મુજબ વાહનની યાંત્રિક અને ભૌતિક ચકાસણી કરાવી ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે. મોટાભાગના માર્ગ અકસ્માતો શહેરમાં અને હાઈવે પર ચાલતા અનફીટ વાહનોને કારણે થાય છે. જો વાહન યોગ્ય સ્થિતિમાં હશે તો અકસ્માતો નિવારી શકાય છે.નવું ટ્રાન્સપોર્ટ વાહન હોય તો પ્રથમ 8 વર્ષ માટે દર 2 વર્ષે અને ત્યારબાદ દર વર્ષે ફિટનેસની ચકાસણી કરાવવાની હોય છે. નોન-ટ્રાન્સપોર્ટ વાહન માટે ફિટનેસની ચકાસણી નવા રજિસ્ટ્રેશન વખતે ત્યારબાદ 15 વર્ષે અને ત્યારબાદ દર 5 વર્ષે રિન્યુઅલ કરાવવાની હોય છે.
વાહન ફિટનેસ અંતર્ગત આ સેન્ટરમાં લાઈટ અને હેવી કોમર્શીયલ વાહનોની યાંત્રિક અને ભૌતિક ચકાસણી કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે વિઝ્યુઅલ ઈન્સ્પેકશન, ઈક્વિપમેન્ટ બેઝ્ડ ઈન્સ્પેકશન અને ઈમિશન ઈન્સ્પેકશનનો સમાવેશ થાય છે. આ ઈન્સ્પેકશન અને સર્ટિફિકેશન સેન્ટરમાં ઈન્સ્પેકશન દરમિયાન જો ખામીઓ જણાય તો તે દૂર કરવા લોકલ ઓથોરાઈઝડ ગેરેજમાં મોકલવાનું જણાવવામાં આવે છે. વાહનની નિર્દિષ્ટ ખામી દૂર થયા પછી આવા વાહનને ફરીથી ઈન્સ્પેકશન અને સર્ટિફિકેશન સેન્ટરમાં ઈન્સ્પેકશન માટે આવાનું રહે છે, અને ખામીઓ દૂર થયેલી જણાય પછી સર્ટિફિકેટ આપવામાં આવે છે

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત