
સુરત, 25 ફેબ્રઆરી : રાજયભરમાં 12માં તબક્કાના ગરીબ કલ્યાણ મેળાની શુંખલા અંતર્ગત સુરત જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો કૃષિ અને પેટ્રોકેમિકલ્સ રાજયમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને કામરેજ તાલુકા મથકે આવેલા દાદા ભગવાન મંદિરના પટાંગણ ખાતે યોજાયો હતો. જેમાં આદિજાતિ, આરોગ્ય, ગ્રામ વિકાસ, મહેસુલ, વન અને પર્યાવરણ, શિક્ષણ જેવા 17 વિભાગોના 23897 લાભાર્થીઓને રૂા.97.89 કરોડની સાધન સહાયનું વિતરણ થયું હતું.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનએ શરૂ કરેલા ગરીબ કલ્યાણ મેળાઓના પરિણામે વચેટીયાઓપ્રથા નાબુદ થઈ છે. મેળાના પારદર્શી આયોજનના કારણે સમાજના વંચિતો, ગરીબો, પીડિતોમાં નવી આશાનો સંચાર થયો છે. યોજનાઓ સાથે આધારકાર્ડનું જોડાણ કરેલું હોવાથી ડુપ્લીકેશન થતુ નથી. જેથી દરેક લાભાર્થીને યોજનાના લાભો મળી રહે છે. ગરીબ લાભાર્થી આત્મનિર્ભર બની શકે તે માટે મેળામાં સિલાઈમશીન, બ્યુટીપાર્લર, સુથારીકામ જેવી સ્વરોજગાર સાધનોની કિટ્સ એનાયત કરવામાં આવે છે.ખેડુતોની આર્થિક સ્થિતી બહેતર બનાવવા કૃષિ વિભાગ આગામી સમયમાં મકાઈ અને ચોખામાંથી ઈથેનોલ બનાવી શકે તે માટે નવીન યોજના ધડવામાં આવશે. ભારત સરકાર પેટ્રોલમાં 2025 સુધીમાં 20 ટકા ઈથેનોલનો ઉપયોગ કરી શકે તે માટે પ્રયાસો કરી રહી છે. જેથી આ સ્કીમથી ખેડુતોની આવકમાં પણ વધારો તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયાએ જણાવ્યું હતું કે, ગરીબોને મદદરૂપ થવા નક્કર આયોજન કરીને એક જ સ્થળે સહાય હાથોહાથ આપવાનું કાર્ય ગરીબ કલ્યાણ મેળાથકી થઈ રહ્યું છે. આવા મેળાના રાજ્ય વ્યાપી આયોજન થકી સહાયની રકમ મેળવનારા લાભાર્થીઓ સહાયનો હેતુલક્ષી ઉપયોગ કરી સ્વનિર્ભર બને તેવો અનુરોધ તેમણે કર્યો હતો.
આ અવસરે બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારે ગરીબ કલ્યાણ મેળાના આ અભિયાન અંતર્ગત મળેલ સાધન-સહાય થકી જરૂરીયાતમંદો ગરીબીની પકડમાંથી મૂકત થઇ પોતાનો વિકાસ કરશે તેવી અભિલાષા વ્યકત કરી હતી.
આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલ, ધારાસભ્ય ઝંખના પટેલ, ધારાસભ્ય મોહન ઢોડીયા, જિલ્લા કલેકટર આયુષ ઓક, સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી વી.એસ.ગઢવી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પ્રજાપતિ, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખો, સદસ્યો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત