પાટણના એ.પી.એમ.સી. ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો : રૂ.7.50 કરોડ જેટલી માતબર રકમના લાભોનું વિતરણ

પ્રાદેશિક
Spread the love

પાટણ, 25 ફેબ્રુઆરી : પાટણ શહેરના એ.પી.એમ.સી. શાકમાર્કેટ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને બારમા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. સાંસદ ભરતસિંહ ડાભી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સમાજ કલ્યાણ સહિતના વિભાગો હસ્તકની યોજનાઓ અંતર્ગત 2,680થી વધુ લાભાર્થીઓને રૂ.7.50 કરોડના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે ઉદ્યોગ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ઘદ્રષ્ટીના પરિણામે વર્ષ 2009થી રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાઈ રહ્યા છે. તેમણે શરૂ કરેલી વિકાસ યાત્રાની આ પરંપરા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગળ વધારી રહ્યા છે. દરેક જરૂરિયાતમંદ લોકો સ્વમાનભેર જીવી શકે તે માટે ગરીબ કલ્યાણ મેળાઓ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં દોઢ કરોડ કરતાં વધુ લોકોને સાધન-સહાય આપવામાં આવી છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું કે, લુહારી કામ, સુથારી કામ, કડીયા કામ જેવા કુશળતા માંગી લેતા કામો કરનારા કારીગરને ગરીબ કલ્યાણ મેળાઓના માધ્યમથી સ્વરોજગાર માટે ઓજારો અને સાધનોની કીટ આપી તેમને આત્મનિર્ભર કરવાની દિશામાં રાજ્ય સરકારે નક્કર કામગીરી કરી છે. જરૂરિયાતમંદ લોકોને કોઈની આગળ હાથ ન ફેલાવવો પડે અને જાતે આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે કોઈપણ વચેટીયા વગર રાજ્ય સરકારની યોજનાનો સીધો લાભ તેમને આપવામાં આવે છે. આજના ગરીબ કલ્યાણ મેળામાં આવા 2668 જરૂરિયાતમંદ લોકોને રૂ.7.50 કરોડથી વધુના સાધનસહાય અને લાભોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે રાજ્ય સરકારની જનસામાન્યની સુખાકારી પ્રત્યેની પરિણામલક્ષી કામગીરીની પ્રતીતિ કરાવે છે. અને રાજ્યમાં આ વ્યવસ્થા ઉભી કરવા માટે પ્રધાનમંત્રી મોદીના આપણે સદા આભારી રહીશું.

આ પ્રસંગે સાંસદડાભીએ જણાવ્યું કે, છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં આપણી સરકારનું શાસન છે જેણે સલામતી સાથે વિકાસ અને લોકકલ્યાણના કામોનું આંદોલન જગાવ્યું છે. કૃષિ રથ, કન્યા કેળવણી, જ્યોતિ ગ્રામ યોજના જેવી અનેકવિધ યોજના સ્વરૂપે રાજ્ય સરકારે વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું ભગીરથ કામ કર્યું છે. આપણી હાલની સરકાર જનતાને પડતી મુશ્કેલીઓના સંદર્ભમાં ખૂબ ઝડપી નિર્ણયો લઈ જનકલ્યાણ માટે સતત કાર્યરત છે.
પૂર્વ કેબિનેટ મંત્રી અને ચાણસ્માના ધારાસભ્ય દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, સામાન્યમાં સામાન્ય વ્યક્તિને પગભર કઈ રીતે કરી શકાય અને તેમની આવડતના આધારે તેમને કઈ રીતે મદદ કરી તેના પરિવારના ગુજરાનની વ્યવસ્થા કરી શકાય તેવા મૂળ વિચાર સાથે શરૂ કરવામાં આવેલા ગરીબ કલ્યાણ મેળાઓમાં સીધો લાભાર્થીને જ હાથો હાથ લાભ મળી રહ્યો છે.


બારમા તબક્કાના ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત સમારંભના અધ્યક્ષ અને ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ ભરતસિંહ ડાભી સહિતના મહાનુભાવોના હસ્તે વિવિધ વિભાગોની માનવ કલ્યાણ યોજના, સરસ્વતી સાધના યોજના, દિવ્યાંગ લગ્ન સહાય સહિતની યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક તથા સાધનકીટનું વિતરણ કરવામાં આવ્યું. સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા બ્રાન્ડિંગ કરવામાં આવેલી આર.બી.એસ.કે. વાનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ વેળાએ જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથ ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ  ભાનુમતી મકવાણા, નગરપાલિકાના પ્રમુખ સ્મિતા પટેલ, પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, અધિક નિવાસી કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ, મદદનીશ કલેક્ટર સચિનકુમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોષી સહિતના અધિકારીશ્રીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *