
સુરત, 26 ફેબ્રઆરી : રેલ્વે સ્ટેશનો આધુનિક સુવિધાઓથી સુજ્જ બને, યાત્રિકોની યાતાયાતની સગવડોની સાથે માલસામાનની હેરફેરમાં વધારો થાય તેવા આશયથી કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે સુરત શહેરના ઉધના બસ સ્ટેશન ખાતે રૂ.20 કરોડના ખર્ચે ઉધના, સુરત અને ગંગાધરા રેલ્વે સ્ટેશનો ઉપર નવા પ્લેટફોર્મ, ફૂટ ઓવરબ્રિજ, કવર શેડ, એસ્કેલેટર, પાર્સલ ટર્મિનલ સુધારણા સહિતના જનહિતલક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ સી.આર.પાટીલ, સાસંદ પ્રભુ વસાવા, ધારાસભ્યો,રેલ્વે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મંત્રી જરદોશે જણાવ્યું હતું કે, રેલ મંત્રાલયને સૌથી વધુ 1.40 લાખ કરોડના જંગી બજેટની ફાળવણી કરવામાં આવી છે.100 જેટલા કાર્ગો ટર્મિનલ સ્ટેશનોના નિર્માણથી બંદરો, પોર્ટથી લાખો ટન માલ-સામાનનું પરિવહન શકય બનશે. ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકારિત કરતી 400 ‘વંદે ભારત’ ટ્રેનો શરૂ થવાથી રોજગારીના સર્જનની સાથે યાત્રીઓની સુવિધાઓમાં અનેકગણો વધારો થશે. સ્ટેશનોની બન્ને બાજુથી અવર-જવર થાય તેવા 100થી વધુ સ્ટેશનોનું નિર્માણનું કાર્ય આગળ વધી રહ્યું છે. ટેક્ષટાઈલના સર્વેક્ષણના આધારે સપ્ટે.-21ના મહિના દરમિયાન ઉધના ખાતેથી શરૂ કરવામાં આવેલી પહેલી ટેક્ષટાઈલ માલ પરિવહન માટેની ટ્રેન સહિત 100થી વધુ ટ્રેનો ટુંકાગાળામાં આજે રવાના થઈ ચુકી છે.

આ પ્રસંગે સાંસદસી.આર.પાટીલે જણાવ્યું હતું કે, મુસાફરી માટે યાત્રિકો રેલ્વેને પ્રથમ પસંદ કરે છે. રેલ્વે સુવિધાઓમાં અનેકગણો વધારો થાય તે માટે વડાપ્રધાનશ્રી તથા રેલ્વે મંત્રાલય અથાગ પ્રયાસો કરી રહ્યા છે. ઉધના ખાતે નવા સ્ટેશનોના નિર્માણથી ભુસાવલ, ઓખા-પૂરી તરફ જવાવાળી ટ્રેનોના મુસાફરોને અનેકગણો ફાયદો થશે. અમલસાડના ચીકુને દિલ્હીની માર્કેટોમાં પહોચાડી શકાય તે માટે રેલ્વે તંત્રએ અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. જેના કારણે ચીકુની 180થી વધુ ટ્રેનો દિલ્હી સુધી પહોચી છે, જેથી ખેડૂતોની આવકમાં પણ વધારો થયો હોવાનું તેમણે કહ્યું હતું.

જનપ્રકલ્પોમાં સૂરતના ઉધના રેલ્વે સ્ટેશન પર રૂ.3.25 કરોડના ખર્ચે નવનિર્મિત થયેલા પ્લેટફોર્મ નંબર 4-5 અને 1 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત પ્લેટફોર્મ નં.1 ઉપર એસ્કેલેટર તથા રૂ.8 કરોડના ખર્ચે નવનિર્મિત વિસ્તારીત દક્ષિણી ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ જયારે સુરત રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નં.4 ઉપર બે કરોડ રૂપિયાના ખર્ચે નવ વિસ્તારિત દક્ષિણી ફૂટ ઓવરબ્રિજ, એસ્કેલેટર, સીસીટીવી કેમેરા, કોચ ગ્રાઉન્ડ સિસ્ટમ તેમજ રૂ.2.90 કરોડના ખર્ચે કવર શેડના સુધારણાના કામો ઉપરાંત પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે રૂ. 2.78 કરોડના ખર્ચે નવનિર્મિત પાર્સલ ટર્મિનલ સહિતના કામોનો સમાવેશ થાય છે.આ અવસરે ધારાસભ્ય અરવિંદ રાણા, વિવેક પટેલ, ઝંખના પટેલ, વિ.ડી.ઝાલાવડિયા, પ્રવિણ ઘોઘારી, મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ, દક્ષિણ રેલ્વેના ડી.આર.એમ., પોસ્ટ વિભાગના વેસ્ટ ઝોનના પ્રિતી અગ્રવાલ, મિશ્રા તેમજ રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત