સુરત : 40 કરોડના ખર્ચે 6 પ્રકલ્પોને જનસમર્પિત કરતા માર્ગ મકાનમંત્રી પૂર્ણેશ મોદી

સ્થાનિક
Spread the love

સુરત, 26 ફેબ્રઆરી : માર્ગ અને મકાનવિભાગ દ્વારા સુરત ખાતે રૂા.18.75 કરોડના ખર્ચે નવનિર્મિત બીજા તબક્કાના સરકીટ હાઉસના લોકાર્પણ સહિત રૂા.40 કરોડના પાંચ જેટલા રોડ-રસ્તાના વિકાસકીય કામોનું માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે લોકાર્પણ/ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ પ્રસંગે રેલ્વે રાજયમંત્રી દર્શના જરદોશ, કૃષિરાજયમંત્રી મુકેશ પટેલ, સાંસદ સી.આર.પાટીલ, સાંસદપ્રભુ વસાવા,ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

સુરત શહેરના અતિથિગૃહનું લોકાર્પણ કરતા માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આવનારો સમય માસ ટ્રાન્સપોર્ટેશનનો છે. સમગ્ર ગુજરાતમાં કોસ્ટલ હાઇવે, સી-પ્લેન સહિતના પ્રકલ્પો સાકારિત થાય તે દિશામાં રાજય સરકાર કાર્ય કરી રહી હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. દક્ષિણ ગુજરાતના ચીખલીથી સાપુતારા માર્ગને ચાર માર્ગીય બનાવવા માટેનું સર્વેનું કામ ઝડપથી થઈ રહ્યું છે. તાપી નદી પર કોસાડીથી માંડવી વચ્ચેના 70 કરોડના ખર્ચે નવા ઓવરબ્રિજને મંજુરી આપવામાં આવી છે.ડાંગના પ્રખ્યાત શબરીધામને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે જોડવા માટે અંદાજે રૂા.1,670 કરોડના ખર્ચે 218 કિ.મી.નો નવો કોરિડોર વિકસાવવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં હયાત રસ્તાને પહોળા કરીને તેમજ મીસીંગ લિંકમાં નવા રસ્તા બનાવવાનું આયોજન છે. જે સાપુતારા-શબરીધામ-સોનગઢ-ઉકાઇ-દેવમોગરા-માથાસર-ઝરવાણી થઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડશે. સહેલાણીઓને ટુરિસ્ટ સર્કિટમાં જોડવાનો આ પ્રયાસ છે જેના પરિણામે પ્રવાસન સ્થળો પર આવતા નાગરિકોની સુવિધામાં વધારો થશે.

નેશનલ હાઇવે નં.8 પરનું ટ્રાફિકનું ભારણ ઘટે તે દિશામાં ઝડપથી કાર્ય કરવામાં આવી રહ્યું હોવાનું જણાવતા મંત્રીએ કહ્યું કે, ડાંગથી નીકળેલો વ્યકિત સીધો કરજણ પહોચે તેવું આયોજન થઈ રહ્યું હોવાનું તેમણે કહ્યું હતું.દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડવા માટે અંદાજે રૂા.2440 કરોડના ખર્ચે ઝડપી કનેકટીવીટી મળે તે માટે કોસ્ટલ હાઈવેના નિર્માણનું કાર્ય થઈ રહ્યું છે. જેના કારણે સુરતથી હાંસોટ, જબુસર, ખંભાતથી ભાવનગર સુધી માત્ર ત્રણથી સાડા ત્રણ કલાકમાં પહોચી શકાશે.સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાબરમતી સુધી સી-પ્લેન ટુંક સમયમાં શરૂ થશે જયારે આગામી સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા સુધી સી-પ્લેનની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સર્વે કરવામાં આવી રહ્યો છે. રાજય સરકારે નવી એક હજાર જેટલી લકઝરી જેવો લુક ધરાવતી બસો ખરીદવાનો નિર્ણય કર્યો છે. જેમાં 500 ડિલક્ષ, 300 સુપર ડિલક્ષ તથા 200 સ્લીપર કોચ ધરાવતી બસોના પરિણામે મુસાફરોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે.

સુરત શહેરના અઠવાલાઇન્સ ખાતે 11,000 ચો.મી.ના વિશાળ પરીસરમાં રૂ.1875 લાખના ખર્ચે અતિથિગૃહ ફેઝ-૨ નું લોકાર્પણ, પલસાણા ખાતે રૂ.100 લાખ ના ખર્ચે અતિઆધુનિક વિશ્રામગૃહના કામનુ ખાતમુહૂર્ત, રૂ.1410 લાખના ખર્ચે નિર્મિત થયેલા ગલતેશ્વર ટીમ્બા થઇ બારડોલી જતા 17.40 કીમી લંબાઇના રસ્તાનું ઈ-લોકાર્પણ કરાયું હતું. જયારે રૂ.347 લાખના ખર્ચે ચોર્યાસી તાલુકાના મોરા સુંવાલી મેઇન રોડ, રાજગરી સુધી 2.90 કીમી લંબાઇના રોડને ફોર લેન કરવાના કામનું ખાતમુહૂર્ત, ચોર્યાસી તાલુકાના કવાસ ગામથી તાપી કિનારાને જોડતા રૂ.136 લાખના ખર્ચે 3.70 કીમી લંબાઇના રસ્તાના કામનું ખાતમુહૂર્ત તથા પલસાણા તાલુકાના નિણત – અમલસાડી-ધામડોદ-ગોટીયા 5.60 કીમી લંબાઇના રોડની રૂા.78 લાખના ખર્ચે રીસરફેસીંગના કામની લોકાર્પણની તકતીઓનું અનાવરણવિધિ સંપન્ન થઈ હતી.

આ પ્રસંગે કૃષિ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, મેયર હેમાલી બોધાવાલા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ, ધારાસભ્ય ઈશ્વર પરમાર, મોહન ઢોડીયા, વી.ડી. ઝાલાવાડીયા, ઝંખના પટેલ, પ્રવિણ ઘોઘારી, વિવેક પટેલ, શહેર પક્ષ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, જિલ્લા પક્ષ પ્રમુખ સંદિપ દેસાઈ, માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઈજનેર પી.આર.પટેલ, સુરતના ઈ.કાર્યપાલક ઈજનેર એ.જી.વસાવા, યુ.બી.ચૌધરી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *