
સુરત, 26 ફેબ્રઆરી : ગરીબો-વંચિતોને ઘરઆંગણે પારદર્શી રીતે હાથોહાથ સહાય આપવાના રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના મહાઅભિયાન અંતર્ગત રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંજીવકુમાર ઓડિટોરીયમ, પાલ ખાતે સુરત શહેરીકક્ષાનો ‘ગરીબ કલ્યાણ મેળો’ યોજાયો હતો. જેમાં માર્ગ અને મકાન, વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે સરકાર અને પાલિકાના વિવિધ વિભાગો, બેંકો, વિકાસલક્ષી એકમોના જરૂરિયાતમંદ લાભાર્થીઓને સાધનસહાય અર્પણ કરવામાં આવી હતી.

આ ગરીબ કલ્યાણ મેળામાં 23,742 લાભાર્થીઓને રૂ.207 કરોડની સહાયનું વિતરણ કરી લાભાન્વિત કરવામાં આવ્યાં હતાં. ઉપરાંત, મંત્રીએ ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.ના અનુદાન અને ગુજરાત CSR ઓથોરિટીના સૌજન્યથી સુરત મહાનગરપાલિકા, SMC આસિસ્ટન્સ એન્ડ રિલીફ ટ્રસ્ટ સંચાલિત ઈકોફ્રેન્ડલી ‘ઈ-પિંક ઓટો પ્રોજેક્ટ’નું લોન્ચિંગ કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, તત્કાલીન દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓને તેમના ઘરઆંગણે જઈને પ્રત્યક્ષ અને હાથોહાથ સહાય આપવાની પહેલ કરી, જે પરંપરાને 13 વર્ષથી રાજ્ય સરકારે જીવંત રાખી છે. વર્ષ 2009થી ગરીબ કલ્યાણ મેળા થકી લાખો ગરીબોના જીવનમાં આમૂલ અને સુખમય પરિવર્તન લાવી શકાયું છે. વચેટીયા પ્રથા નાબૂદ કરીને સ્થાનિક પ્રશાસનની મદદથી શોધી-શોધીને લાખો લાભાર્થીઓને એક જ સમયે, એક જ સ્થળે સીધો તેમના હાથમાં જ લાભ આપવામાં આવે છે.ગરીબ કલ્યાણ મેળાઓ સંવેદનશીલ વહીવટની પ્રતીતિ કરાવી રહ્યાં છે, જેના થકી રાજ્ય સરકારે આજ સુધી 11 તબક્કામાં યોજાયેલા 1530 ગરીબ કલ્યાણ મેળાઓમાં રાજ્યના 1.50 કરોડ લાભાર્થીઓને રૂ.27 હજાર કરોડની સાધનસહાયથી લાભાન્વિત કર્યા હોવાનું જણાવતાં મંત્રીએ ઉમેર્યું કે, ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી યુવાનો-ખેડૂતો-મહિલાઓ-વંચિતો-પીડિતો-આદિવાસીઓના હિત અને કલ્યાણનું પૂણ્યકાર્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં થઈ રહ્યું છે, ત્યારે લાભાર્થીઓને મળેલી સાધન સહાયનો યોગ્ય ઉપયોગ કરી પરિવારનું જીવનધોરણ બહેતર બનાવવા અને રાજ્ય અને દેશના વિકાસમાં યોગદાન આપવાનો સૌ લાભાર્થીઓને અનુરોધ કર્યો હતો.

પ્રજાની અપેક્ષાઓને પરિપૂર્ણ કરવાના અને તેમના હકના લાભો આપવાના અભિયાનમાં સુરત મહાનગરપાલિકા અગ્રેસર રહી એક જ દિવસે 23,742 લાભાર્થીઓને રૂ.207 કરોડ જેવી માતબર સહાયનો ધોધ વહેવડાવવા બદલ પાલિકાતંત્ર, સૌ પદાધિકારીઓ-અધિકારીઓને મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતાં.

મંત્રીએ સરકારની તમામ યોજનાઓના લાભો આ ગરીબ કલ્યાણ મેળામાં એનાયત કરવામાં આવતા હોવાનું જણાવી ઉમેર્યું કે, પ્રધાનમંત્રી આયુષ્માન યોજનાએ ગરીબોની ગંભીર બિમારીમાં જીવનરક્ષાનું કવચ પુરૂં પાડ્યું છે. ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી ગરીબોને, કિસાનોને તેમના ખાતામાં સીધે સીધા તેઓને મળતા લાભોની રકમ જમા કરાવવામાં આવી રહી છે, પરિણામે વચેટીયાઓ નેસ્ત નાબૂદ થયા છે, અને લાભાર્થીઓને તેમના હકની પૂરી રકમના લાભો મળતા થયા છે. મંત્રીએ શિક્ષણ, આરોગ્ય, પ્રાકૃતિક ખેતી, નલ સે જલ, આયુષ્માન ભારત, ઉજ્જવલા યોજના સહિતની વિવિધ યોજનાઓની ફળશ્રુતિ વર્ણવી શહેરીજનોને વધુમાં વધુ યોજનાકીય લાભો લેવા અપીલ કરી હતી.

મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પ્રેરિત ગરીબ કલ્યાણ મેળાઓ મહાયજ્ઞ સમાન છે. ગરીબો-વંચિતો-પીડિતોના ઉત્થાન માટે માતબર વિકાસકાર્યોની સમાંતર જનકલ્યાણની તમામ યોજનાઓનો સીધો લાભ ગરીબ કલ્યાણ મેળા મારફતે આપીને સાચા અર્થમાં દરિદ્રનારાયણના આશીર્વાદ મેળવ્યા છે. હરહંમેશ સુરતવાસીઓને યોજનાઓનો લાભ આપવામાં સુરત મનપાએ આગળપડતી ભૂમિકા નિભાવી છે, અને હજુ પણ આ વિકાસયજ્ઞને પ્રજ્વલિત રાખશે એમ ભારપૂર્વક કહ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયા, ઝંખના પટેલ, પ્રવિણ ઘોઘારી, અરવિંદ રાણા, મ્યુ.કમિશનર બંછાનિધિ પાની સહિત કોર્પોરેટરો, વિવિધ સમિતિના ચેરમેનો, લાભાર્થીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત