સુરત : ઘરેથી રિસાઈને નીકળી ગયેલી સગીરાને પરિવાર સાથે મેળાપ કરાવતી 181 અભયમ ટીમ

સ્થાનિક
Spread the love

સુરત, 28 ફેબ્રઆરી : સુરતના ગોડાદરા વિસ્તારમાં ફોઇ સાથે રહેતી સગીરા વહેલી સવારે ઘરેથી નીકળી ગઈ હતી. ચલથાણ વિસ્તારના રસ્તા પર એક રાહદારીની નજર છોકરી પર પડતા મદદરૂપે તેઓએ 181 મહિલા હેલ્પલાઈનમા કોલ કરી જાણ કરી હતી. અભયમ રેસ્કયુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, અને સગીરાનું કાઉન્સેલિંગ કરી મોડી રાત્રે પરિવારને સહીસલામત સોંપી હતી.અભયમ ટીમે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ચલથાણ વિસ્તારમાં એક અજાણી સગીરા રસ્તા પર ગુમસુમ ફરી રહી હતી. એક જાગૃત્ત રાહદારીએ તેને એકલી જોતાં મદદ મળી રહે એ આશયથી 181 પર કોલ કરી જાણ કરતાં બારડોલી- અભયમ ટીમ દર્શાવેલા સ્થળે પહોંચીને સગીરાને ખોળી કાઢી હતી. સગીરા સાથે વાતચીત કરતા શરૂઆતમાં ગભરાઈને કોઈપણ પ્રાથમિક માહિતી આપી ન હતી.
અભયમ ટીમે આત્મીયતાથી પૂછતા સગીરાએ જણાવ્યું કે, મારૂ નામ રીના(નામ બદલ્યું છે) છે અને ઉત્તરપ્રદેશની વતની છું. માતા પિતા યુપી રહે છે, અને હાલ ફોઈ-ફુઆ સાથે હું સુરતના ગોડાદરા વિસ્તારમાં રહું છું. ઘરકામની બાબતમા અવાર-નવાર ફોઈ સાથે તકરાર થતી હતી. જેથી ગત રોજ પણ આ જ બાબતે ઝઘડો થતા હું કોઇને કહ્યા વગર વહેલી સવારે ઘરેથી નીકળી ગઈ હતી.
અભયમ ટીમે સગીરાને કાઉન્સેલિંગ કરી સમજાવ્યું કે ‘આ રીતે ઘરેથી એકલા નીકળી જવાથી કોઈપણ જોખમકારક અને અનિચ્છનીય ઘટના બની શકે છે, જેથી સલામતી માટે આ રીતે ઘરેથી નીકળી જવું યોગ્ય નથી. ફોઈ-ફુઆ સાથે પ્રેમ અને આદરભાવ સાથે વર્તન કરવાથી તેઓ પણ તને સારી રીતે રાખશે એવું સમજાવતા સગીરાએ પોતાની ભુલ કબૂલી હતી. અભયમ ટીમે ફોઈને સમજાવ્યું કે, ઉગ્ર થઈને વાત કરવાથી નાની ઉંમરના કિશોરોનું દિલ દુભાય છે, અને તેઓ ક્યારેક અવિચારી પગલું ભરી બેસે છે. જેથી પુત્રી સમાન પ્રેમ આપી તેને ઘરકામ બાબત ત્રાસ ન આપવા અને શાંતિથી સગીરાને રાખવાં માર્ગદર્શન આપતા તેઓ પણ સંમત થયા હતા. અને આખરે સમજાવટથી મામલો થાળે પડ્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *