
સુરત, 28 ફેબ્રઆરી : ગ્રામીણ વિસ્તારના નાગરિકોને સ્થાનિક કક્ષાએ જ વિવિધ રોગોનું નિદાન અને ઉપચાર થઈ શકે તેમજ તેઓ સ્વાસ્થ્ય અંગે સજાગ રહે એ હેતુથી ઓલપાડ તાલુકાના લવાછા ગામે અદાણી ફાઉન્ડેશન-હજીરા દ્વારા નિ:શુલ્ક સર્વ રોગ નિદાન અને સારવાર શિબિર યોજાઈ હતી, જેમાં 379 દર્દીઓએ આંખ, દાંત, હાડકા, ચામડી, સ્ત્રી રોગ તેમજ જનરલ ફિઝિશિયન જેવા વિવિધ વિભાગમાં નિષ્ણાત તબીબોના નિદાન અને સારવાર, દવાનો લાભ લીધો હતો. આંખોના દર્દીઓની તપાસ કરી જરૂર જણાય તો ગ્રામજનોને વિનામૂલ્યે ચશ્મા પણ આપવામાં આવ્યા હતા.

સમગ્ર કેમ્પ દરમ્યાન નિ:શુલ્ક આરોગ્યની તપાસની સાથે જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશ પટેલ, પ્રવીણ પટેલ અને અદાણી ફાઉન્ડેશનના પ્રોજેકટ મેનેજર આશુતોષ ઠાકર સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી અદાણી ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવીને ભવિષ્યમાં પણ આવી શિબિરોનું આયોજન કરી ગ્રામજનોના આરોગ્યની કાળજી લેવા અનુરોધ કર્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત