
સુરત , 28 ફેબ્રુઆરી : હાલ સમગ્ર દુનિયાની નજર રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા ધમાસાણ યુદ્ધ પર મંડાયેલી છે.આ યુદ્ધ ક્યારે બંધ થશે તે હાલના તબક્કે કોઈ કહી શકે તેમ નથી.સમગ્ર વિશ્વ પર હાલના તબક્કે ત્રીજા વિશ્વ યુદ્ધના વાદળો મંડરાઈ રહ્યા છે તેમ કહીએ તો અતિશયોક્તિભરેલું નહીં કહેવાય.આ ભીષણ યુદ્ધમાં હાલ રશિયા દ્વારા યુક્રેન પર ભારે બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે.જેના કારણે યુક્રેનના સુંદર લોકેશન કાટમાળમાં ફેરવાઈ રહ્યા છે.વાંચકમિત્રોને જણાવી દઈએ કે આપણા ભારતની વિવિધ ભાષાઓની ઘણી બધી ફિલ્મોનું શુટિંગ કુદરતી સૌંદર્યથી ભરેલા યુક્રેનમાં થયું છે.એસએસ રાજામૌલીના નિર્દેશનમાં બનેલી ‘ આરઆરઆર ‘ ફિલ્મનું શૂટિંગ યુક્રેનમાં થયું છે.આ ફિલ્મ 25 માર્ચે સમગ્ર દેશભરમાં રિલીઝ કરવામાં આવશે.આ અગાઉ આ ફિલ્મ 7મી જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની હતી.પરંતુ, કોરોનાની વિકટ પરિસ્થિતિના કારણે તેની રિલીઝ ડેઈટ પછી ઠેલવામાં આવી હતી. હવે, સ્થિતિમાં સુધારો થયો છે અને ત્રીજી લહેર વિદાય લઇ રહી હોય તેવા અણસારો વચ્ચે ‘ આરઆરઆર ‘ ફિલ્મ 25મી માર્ચે રિલીઝ થશે.

રજનીકાંત, અક્ષય કુમાર અભિનીત ફીલ 2.0નું ગીત રોજા કઢાલનું શૂટિંગ પણ યુક્રેનમાં થયું છે.આ અગાઉ 99 સોન્ગ્સ ફિલ્મનું શૂટિંગ પણ યુક્રેનના વિવિધ ભાગોમાં કરવામાં આવ્યું છે.તમિલ ફિલ્મ દેવનું શૂટિંગ પણ યુક્રેનમાં કરવામાં આવ્યું છે. તેલુગુ કોમેડી ફિલ્મ વિનરના ત્રણ ગીત યુક્રેનમાં શૂટ થયા છે.અત્રે એ વાતનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે યુક્રેનમાં સતત ઠંડીનું વાતાવરણ હોય છે.કાતિલ ઠંડી વચ્ચે ફિલ્મોનું શૂટિંગ કરવું અઘરું પડે છે પણ માઇન્સ ડિગ્રી તાપમાન વચ્ચે પણ અહીંના વિવિધ લોકેશનો ભારે સુંદર દેખાતા હોઈને બૉલીવુડ સહિત ભારતની વિવિધ ભાષાઓની ફિલ્મોનું યુક્રેનમાં શૂટિંગ કરવાનું ફિલ્મ નિર્માતાઓ પસંદ કરે છે.જોકે, હવે આ યુદ્ધ બાદ યુક્રેનમાં સ્થિતિ ક્યારે થાળે પડશે તે હાલના તબક્કે તો કોઈ કહી શકે તેમ નથી.ત્યારે,હવે લાંબો સમય સુધી યુક્રેનનો રમણીય નજારો ભારતીય દર્શકોને જોવા નહીં મળે તે નક્કી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત