
સુરત, 1 માર્ચ : ભગવાન ભોળાનાથનું મહાપર્વ એટલે કે મહાશિવરાત્રી.આજે મંગળવારે શિવરાત્રીના પાવન પર્વે વહેલી સવારથી જ સુરત શહેર અને જિલ્લાના મંદિરોમાં શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા..કોરોનાની મહામારીના 2 વર્ષ બાદ હવે નિયંત્રણો હળવા થતા આજે મહાદેવના ભક્તો ભગવાનની ભક્તિમાં પૂર્ણ પણે લિન જોવા મળ્યા હતા.સમગ્ર શહેર-જિલ્લો આજે શિવમય બન્યો છે અને શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો.

સુરત શહેર અને જિલ્લાના વિવિધ શિવાલયોમાં મહાશિવરાત્રી પ્રસંગે અનેક પ્રકારના ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા છે. ભગવાનની શોભાયાત્રા, હવન, ચારેય પ્રહરની વિશિષ્ટ પૂજા,સંકીર્તન સહિતના વિવિધ કાર્યક્રમોમાં આજે ભાવિક ભક્તોની ભારે ભીડ જામી છે.વિવિધ મંદિરોમાં સવારથી જ વડીલોની સાથે સાથે યુવાનો પણ ભગવાનના દર્શનાર્થે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.સુરતમાં શિવરાત્રી ની ઉજવણી થાય તે પહેલાં જ વિવિધ શિવાલયોને આકર્ષક લાઈટિંગથી શણગારી દેવામાં આવ્યા હતા.

સુરત શહેર અને જિલ્લામાં અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે આજના દિવસે આ મંદિરોનું મહત્વ ભક્તો માટે અનેકગણું વધી જાય છે.સુરત શહેરના અડાજણ સ્થિત શ્રી ગંગેશ્વર મહાદેવ, પાલ સ્થિત શ્રી પારદેશ્વર મહાદેવ, અઠવા લાઇન્સ સ્થિત શ્રી ઇચ્છનાથ મહાદેવ, કતારગામ સ્થિત અત્યંત પૌરાણિક શ્રી કંતારેશ્વર મહાદેવના મંદિરે ભગવાન મહાદેવના દર્શનાર્થે સવારથી જ ભાવિક ભક્તજનોની લાંબી કતાર જોવા મળી રહી છે.જિલ્લાના પ્રસિદ્ધ એવા ઓલપાડ સ્થિત શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે સવારથી જ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે.વિવિધ મંદિરોમાં આજે રાત્રીના ભજનો ના કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા છે.રાજ્ય સરકાર દ્વારા હવે કર્ફ્યુ પણ હટાવી દેવામાં આવ્યો હોવાથી આજે મોડી રાત્રી સુધી શિવ ભક્તો મન મુકીને શિવરાત્રીની ઉજવણી કરશે અને તે માટે શિવાલયોમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

તમામ શિવાલયોમાં આજે મોડી રાત્રીના અને વહેલી સવાર સુધી ચારેય પ્રહરની પૂજા દ્વારા ભક્તો ભોળાનાથને રીઝવશે.સુરત શહેર-જિલ્લામાં 2 વર્ષ બાદ કોરોનાની સ્થિતિ હળવી પડતા લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે, બીજી તરફ બે વર્ષ બાદ પૂજાની વિવિધ સામગ્રીઓ તેમજ ફરાળને લગતી વાનગીઓ વેચનારા વિક્રેતાઓને ત્યાં પણ સવારથી જ ગ્રાહકોની ધૂમ ખરીદીથી તેઓમાં પણ આનંદ છવાયો છે.હવે, મહામારી ન આવે અને સૌનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના સાથે શિવભક્તોના બમ બમ ભોલે ના નાદથી આજે સુરત શહેર-જિલ્લો મહાદેવમય બન્યો છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત