સુરત, 2 માર્ચ : ગત દિવસોમાં સુરતના ઔદ્યોગિક વિસ્તાર એવા હજીરાથી ગોથાણ સુધી નવા રેલવે ટ્રેકને બનાવવા અંગે જમીન સંપાદન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ જાહેરનામું પ્રસિદ્ધ થતા જ ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે.આ જાહેરનામાનો વિરોધ સાથે બુધવારે જહાંગીરપુરા ખાતે ખેડૂત અગ્રણીઓએ અને ખેડૂતોની એક બેઠક મળી હતી. જેમાં,14 ગામના 270 જેટલા ખેડૂતો એકત્ર થયા હતા.આ બેઠકમાં ઉપસ્થિત તમામ ખેડૂતોએ એક સુરે વિરોધ કરતા જણાવ્યું હતું કે નવા રેલવે ટ્રેકની કોઈ જરૂરિયાત નથી જે હયાત રેલવે ટ્રેક છે તેનો જ ઉપયોગ કરવામાં આવે જેથી કરીને ખેડૂતોને પોતાની જમીન આપવી ન પડે.
આ બેઠક્માં ખેડૂતોએ ઉગ્ર રોષ સાથે જણાવ્યું હતું કે સરકાર નવો રેલવે ટ્રેક ઉભો કરીને હજીરામાં આવેલા તમામ ઔદ્યોગિક સંસ્થાનોને લાભ પહોંચાડવા માંગે છે.ખેડૂતોની જમીન સંપાદન થવાથી તેઓને તો નુકશાન જ થવાનું છે.માત્ર ખાનગી કંપનીઓને જ લાભ થવાનો છે.અત્યારે,જે હયાત ટ્રેક છે તેના પર જ વધારાની ટ્રેન દોડાવી શકાય તેમ છે તો આ નવા ટ્રેકને બનાવવવાની શી જરૂર છે ? ખેડૂતોની કરોડો રૂપિયાની જમીન લઈને સરકાર માત્ર ને માત્ર ખાનગી કંપનીઓને જ ફાયદો કરાવવા માંગે છે.જમીન સંપાદન બાદ ખેડૂતોની સ્થિતિ તો કફોડી થઇ જાય છે. વિકાસનાનામે ખેડૂતો પાસે જે જમીનો હતી એ સરકારે લઈ લીધી છે. હવે ખેડૂતો જમીન વિહોણા થઈ ગયા છે અમે નવા રેલવે ટ્રેક માટેની જમીન સંપાદનનો એક સૂરમાં વિરોધ કરીએ છીએ અને કોઈ પણ ભોગે સરકારને અમે અમારી જમીન આપીશું નહીં.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત