
સુરત, 2 માર્ચ : યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતના અન્ય રાજ્યો સહિત ગુજરાતના વિદ્યાર્થીઓને એર ઇન્ડિયાની ખાસ ફ્લાઈટ દ્વારા હેમખેમ વતન પરત લાવવામાં આવ્યાં હતાં. જે પૈકી સુરતના 6 વિદ્યાર્થીઓ ખાસ વાહન મારફતે સંતાનો સાથે સુખદ પુન:મિલન થતાં વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે, ત્યારે આજરોજ સ્ટેમ્પ ડ્યુટી વિભાગના નાયબ ક્લેક્ટર આર.બી.ભોગાયતા તેમજ અડાજણના મમલતદાર કલ્પના.આર.પટેલ, નાયબ મમલતદાર કલ્પના જગતાપ તથા સ્ટેમ્પ ડ્યુટી કલાર્ક નયન.વી વાઘેલાએ વિદ્યાર્થીઓના ઘરે જઇ શુભેચ્છા મુલાકાત લઇ વિપરીત સંજોગોમાં તેમની યુક્રેનથી ભારતની યાત્રા વિશે જાણી તેમને અને પરિવારજનોને સધિયારો આપ્યો હતો.
નાયબ ક્લેક્ટર ભોગાયતાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારના વિદેશ મંત્રાલય અને ઉડ્ડયન મંત્રાલયના સતત સંપર્કમાં રહી યુક્રેનથી ભારતના નાગરિકો-વિદ્યાર્થીઓને વતન પરત લાવવાનું કપરૂ કાર્ય ચાલી રહ્યું છે,ત્યારે સુરતની 5 દીકરીઓ અને 1 દીકરા સહિત 6 વિદ્યાર્થીઓ ગત રવિવારે પરત આવ્યાં છે. ઉપરાંત સરકાર અન્ય વિદ્યાર્થીઓને પણ ઝડપભેર સહીસલામત ભારત પરત લાવવાની તજવીજ હાથ ધરી રહી છે એમ જણાવતાં તેમણે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓને સરકારના રેસ્ક્યુ અભિયાન પર વિશ્વાસ રાખવા અનુરોધ કર્યો હતો.

સરકારનો અંત:કરણપૂર્વક ધન્યવાદ: સાહિલ ધોળા
બુકોવિન્યન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી (યુક્રેન)માં MBBSના વિદ્યાર્થી અને સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી અનમોલ હાઈટ્સ રેસિડેન્સીમાં રહેતા સાહિલ ધોળા સ્વગૃહે સુરક્ષિત આવી પહોચતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
સાહિલે પોતાના અનુભવ વર્ણવતાં કહ્યું કે, યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધવાના સાથે જ તેની અસર વિવિધ શહેરોમાં દેખાવા લાગી હતી. સદ્દનસીબે અમારા વિસ્તારમાં તે સમયે પરિસ્થિતિ સામાન્ય હતી, પરંતુ સમયસુચકતા દર્શાવી લીધેલા પગલા અમારા માટે ઉપયોગી સાબિત થયા હતા. તે અંતર્ગત ઇન્ડિયન એમ્બેસી દ્વારા બસની સુવિધાથી અમે રોમાનિયા સરહદ સુધી પહોંચ્યા, ત્યાંથી સરકારી બસે અમને ઓટોપેની એરપોર્ટ પહોંચાડ્યા હતાં, અને એર ઇન્ડિયાની ખાસ ફ્લાઈટથી મુંબઈ આવ્યા હતા. યુક્રેનની ભારતીય એમ્બેસી અને કેન્દ્ર સરકારના સહયોગથી અમે ભારત પરત આવી શક્યા જેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના અમે અંત:કરણપૂર્વક ઋણી રહીશું.

વધુમાં સાહિલે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીમિત્રોને સંદેશ આપતા જણાવ્યું હતું કે, પરિસ્થિતિ હવે સામાન્ય રહી નથી, તેમ છતાં ગભરાયા વિના હિંમત રાખવાની જરૂર છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ તમામ ભારતીય નાગરિકોને યુક્રેનથી રેસ્ક્યુ કરી વતન પરત લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત