
સુરત, 5 માર્ચ : સુરત જિલ્લાના માંડવી તાલુકાના દેવગીરી ગામના આમલી ડેમમાં તા.11 જાન્યુઆરીના રોજ આદિવાસી ખેડૂત પરિવારના 7 વ્યક્તિઓના અકસ્માતે ડૂબી જવાથી નિધન થયા હતાં. આ દુર્ઘટનાના પ્રત્યેક મૃતકોના પરિવારને રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં આપવામાં મંજૂર કરવામાં આવેલી રૂ.4 લાખની સહાયના ચેક સાંસદ પ્રભુ વસાવાના હસ્તે અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ અને સભ્યોના માનવીય અભિગમ થકી જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી પણ પ્રત્યેક પરિવારોને રૂ.50 હજારની સહાય અર્પણ કરવામાં આવી હતી.

દેવગીરી ગામે આયોજિત સહાય અર્પણ કાર્યક્રમ પ્રસંગે સાંસદ પ્રભુ વસાવાએ જણાવ્યું હતું કે, આમલી ડેમ દુર્ઘટનામાં મૃતક વ્યક્તિઓ પરિવારનું ભરણપોષણ કરનાર મુખ્ય વ્યક્તિઓ હોવાથી તેમના પરિવારને સરકાર તરફથી આર્થિક સહાય મળી રહે તે માટે માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, ધારાસભ્ય ગણપતસિંહ વસાવા અને જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈની સાથે મળીને અમે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પ્રત્યક્ષ મુલાકાત કરીને આર્થિક સહાય આપવા અંગે અસરકારક રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ હકારાત્મક અને માનવીય અભિગમ અપનાવી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.4-4 લાખની સહાય મંજૂર કરી હતી, કુલ રૂ.28 લાખની સહાય તેમજ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી પણ રૂ.50-50 હજારની સહાય મળતાં આજે આ પરિવારોને આર્થિક આધાર મળ્યો છે.

આ સહાય બદલ સાંસદ પ્રભુભાઈએ રાજ્ય સરકાર, જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વહીવટીતંત્ર વાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. દેવગીરીના ગ્રામજનો અને મૃતકોના પરિવારજનોએ પણ જાગૃત્ત જનપ્રતિનિધિઓ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગીતા પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ આતિશ ચૌધરી, અગ્રણી દિનેશભાઈ, પ્રાંત અધિકારીશ્રી જનમ ઠાકોર, મામલતદાર મનિષ પટેલ અને જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને મૃતકોના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

હતભાગી 7 મૃતકોની યાદી
1) મગન નગરીયા વસાવા
2) દેવની પુનિયા વસાવા
3) મીરા ડેભા વસાવા
4) રાલુ મીરા વસાવા,
5) પુનિયા નગરીયા વસાવા
6) રાયકુ મગન વસાવા
7) ગીમલી રામસિંગ વસાવા
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત