9 માર્ચથી હોળાષ્ટકનો પ્રારંભ ,17 માર્ચ સુધી બધા જ શુભ કાર્યો રહેશે વર્જિત

ધર્મ
Spread the love

સુરત, 6 માર્ચ : અનેકવિધ વિશેષતાઓથી ભરેલા આપણા દેશમાં અનેકવિધ તહેવારોની ઉજવણી એ માનવીય જીવન સાથે જોડાયેલી છે.ખાસ કરીને હિન્દૂ ધર્મમાં સમયાંતરે તહેવારો આવતા રહે છે. આપણી ઋષિ પરંપરાએ તેને આપણી જીવન પદ્ધતિ સાથે સુંદરતાથી જોડી દીધા છે. દરેક હિન્દૂ તહેવારોની સાથે સાથે તેનું ધાર્મિક મહત્વ તો છે જ પરંતુ તેની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ જોડાયેલું છે. ફાગણ મહિનાનો પ્રારંભ થઇ ચુક્યો છે.ત્યારે, ઉત્સાહ અને ઉમંગથી ભરેલા રંગોના તહેવાર હોળી-ધુળેટીની સૌ કોઈને રાહ હોય તે સ્વાભવિક છે.ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ફાગણ મહિનાના સુદ પક્ષની આઠમથી એટલે હોળીના 8 દિવસ પહેલાં જ હોળાષ્ટક શરૂ થઈ જાય છે.એટલે કે હોળાષ્ટકનો પ્રારંભ થઇ જાય છે.આ હોળાષ્ટક દરમિયાન એટલે કે આગામી 9 માર્ચથી લઈને 17 માર્ચ સુધી બધા જ શુભ કાર્યો વર્જિત રહેશે.આ દિવસોમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે વિષે જોઈએ.

આગામી 9 માર્ચથી હોળાષ્ટકના પ્રારંભ સાથે જ શુભકાર્યો કરવાની મનાઈ હોય છે.એટલે કે આગામી 17મી માર્ચ સુધી લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન તેમજ કોઈ પણ પ્રકારના શુભ કાર્યો કરવાની મનાઈ છે. નવું ઘર, વાહન વગેરે ખરીદવું કે નવો વ્યવસાય આ દિવસોમાં શરૂ ન કરવો જોઈએ.આ દિવસોમાં વિષ્ણુ ભગવાનના પરમ ભક્ત એવા પ્રહલાદે ભગવાન વિષ્ણુની ખુબ જ આરાધના કરી હતી.આપણે સૌ જાણીએ છીએ કે આ 8 દિવસોમાં રાજા હિરણ્યકશ્યપે તેના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિથી દૂર કરવા માટે અનેકવિધ પ્રકારના ત્રાસ આપ્યો હતો.આ જ કારણે હોળાષ્ટકના સમયને અશુભ માનવામાં આવે છે.ભગવાન વિષ્ણુએ તેના પરમ ભક્તને દરેક પ્રકારના વિઘ્નથી બચાવ્યો હતો.હિરણ્યકશ્યે પ્રહલાદને મારી નાખવા તેની બહેન હોલિકાની મદદ લીધી હતી.હોલિકાને વરદાન હતું કે તે આગમાં બળશે નહીં, જેના લીધે તે પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડીને અગ્નિમાં બેસી ગઈ. પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ બચી ગયો પરંતુ હોળિકા અગ્નિમાં ભસ્મ થઈ ગઈ.

ભગવાન વિષ્ણુએ આ હોળાષ્ટકના દિવસો દરમિયાન પ્રહલાદને સતત મદદ કરી હતી. આથી, આ સમયગાળા દરમિયાન દરેક વ્યક્તિએ થઈ શકે તેટલું દાન, જાપ, દેવી-દેવતાઓની પૂજા અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ.જેથી કષ્ટથી મુક્તિ મળે.હોળાષ્ટકના સમયગાળા દરમિયાન મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથીદરેક પ્રકારના રોગ અને કષ્ટોથી છુટકારો મળે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આથી, વધુને વધુ વિષ્ણુ ભગવાનની પૂજા-અર્ચના કરવી જોઈએ.હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યોનો નિષેધ હોઈને શુભ કાર્યોને ન કરવા જોઈએ.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *