
સુરત, 6 માર્ચ : સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં રવિવારે નવનિર્મિત મેડિકલ કોલેજના ભવનનું કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે લોકાર્પણ થવાનું હતું. આ અને મંત્રીના શહેરમાં અન્ય કાર્યક્રમો પણ યોજવાના હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવિયા અગમ્ય કારણોસર દિલ્હી જતાં રહેતા છેલ્લી ઘડીએ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હતા.એકાએક કાર્યક્રમો રદ થતા ધારાસભ્યો સહિત લોકો આશ્ચર્ય સાથે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.જોકે, મળતી માહિતી મુજબ દિલ્હી અગત્યની મીટીંગમાં હાજર થવા માટે તેઓ દિલ્હી રવાના થઇ ગયા હતા.કાર્યક્રમ રદ્દ થતાં સિવિલના સ્ટાફે મંત્રી વગર પણ ફોટોસેશન કરાવ્યું હતું.

રવિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રીના શહેરમાં વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા.જેમાં, અલથાણ, ભીમરાડ ખાતે સ્વ.પદ્માબેન એચ. હોજીવાલા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ભૂમિપૂજન,બપોરે 12.00 વાગ્યે બારડોલી તાલુકાના ટુંડી ગામમાં એડન ઉત્તર ગુજરાત 42 લેઉવા પાટીદાર સમાજનું સ્નેહમિલન તેમજ સાંજે શહેરના કતારગામ સ્થિત આંબા તલાવડી ખાતે ‘યુવા સંગ વિચાર સંગોષ્ઠિ’ કાર્યક્રમનો સમાવેશ થાય છે.જોકે કાર્યક્રમ રદ્દ થયો છે. એવું કેટલાક ધારાસભ્યોને પણ ખબર ન હતી અને કાર્યક્રમ સ્થળે પહોંચ્યા પછી તેઓને ખબર પડી હતી.સિવિલ હોસ્પિટલને પણ તેની જાણ સવારે જ કરવામાં આવી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત