સુરત જિલ્લાની 11957 મહિલાઓને ભયમુક્ત કરતી ‘અભયમ ટીમ’

સ્થાનિક
Spread the love

સુરત, 7 માર્ચ : દેશ અને દુનિયામાં ઘણી સામાજિક સંસ્થાઓ મહિલાઓને સામાજિક, આર્થિક,સામાજિક, શૈક્ષણિક અને અન્ય રીતે મદદ કરતી હોય છે. સરકારની બહુ જૂજ સંસ્થાઓ હોય છે જેઓ મહિલાઓના અધિકારો અને તેમના સ્થાન માટે કામગીરી કરતી હોય. પરંતુ ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં સરકારી એવી 181 મહિલા અભયમ સંસ્થા છે, જેણે આગવી કામગીરી કરી છે અને મહિલાઓને તમામ પ્રકારના ભયથી મુક્ત કરવામાં હમેશા અગ્રેસર રહી છે.વર્ષ 2021ની વાત કરીએ તો રાજ્યમાં 1.65 લાખથી વધુ મહિલાઓએ 181 અભયમની મદદ લીધી છે. મહિલાઓના હકારાત્મક જીવન માટે અને તેમની સમસ્યાનો હલ માટે મહિલા અભયમ હમેશા ખડે પગે રહી છે. એકલા સુરત જિલ્લાની વાત કરીયે તો વર્ષ-2021માં 11957 મહિલાઓએ અભયમની મદદ મેળવી મુશ્કેલીમાંથી બહાર આવી છે.


સુરત શહેર અને જીલ્લામાં વર્ષ-2021 દરમિયાન જરૂરિયાતમંદ મહીલાઓ તરફથી 11957 સર્વિસ કોલ મળ્યાં હતા, જે પૈકી સ્થળ પર રેસક્યુ કરી 2684 મહીલાઓને મદદ, માર્ગદર્શન અને બચાવની કામગીરી કરવામાં આવી હતી. જયારે પારિવારિક વિખવાદમાં 1682 કેસમા સમાધાન કરાવી અસરકારક કાઉન્સિલગ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુખ્ય કેસમા ઘરેલું હિંસાના 5737, લગ્નેત્તર સબંધના 962, માનસિક હેરાનગતિ 1052, શારીરિક પીડા પહોંચાડવી કેસના 218, આત્મહત્યાના વિચારોમાંથી મુક્ત કરાવવાના 44, બીનજરૂરી કોલ મેસેજ થી હેરાનગતિના 247, કામકાજના સ્થળે જાતિય સતામણીના 52, ખોવાયેલ વ્યક્તિને પરિવાર સુધી કે આશ્રય અપાવવાના 73 અને અન્ય પ્રકારના કેસોમાં સુખદ સમાધાનકારી અને સરકારની અન્ય એજન્સીઓ સાથે જોડાણ કરી સમસ્યાનું નિરાકરણ કરાયું છે.રાજ્યની મહિલાઓને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અધ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પ્રથમ ઇન્ટીગ્રેટેડ 181 અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. 181 અભયમ મહિલા હેલ્પલાઇનના અધ્યતન ટેકનોલોજી સાથે અભયમ સેવાઓ ત્વરિત પિડીત મહિલા સુઘી પહોચાડે છે. અત્યાર સુઘી સ્માર્ટ મોબાઈલ વડે 1,14,783 મહિલાઓએ પોતાનાં સ્માર્ટ મોબાઈલમાં અભયમ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે અને 6000 મહીલાઓએ જરૂરિયાતના સમયે સંપર્ક કરીને મદદ મેળવી છે. ગુજરાતમાં વર્ષ 2015થી અત્યાર સુધી 9,76,000 સર્વિસ કોલથી મુશ્કેલીમાં મુકાયેલી મહીલાઓને સ્થળ પર પહોચી અભયમ રેસ્કયુ દ્વારા મદદ, માર્ગદર્શન અને બચાવ કરાયો છે.

ચિફ ઓપરેટિંગ ઓફીસર, GVK EMRI .જશવંત પ્રજાપતિએ રાજયના 6.3 કરોડ ગુજરાતીઓને શુભકામના આપતા જણાવ્યું કે “ગુજરાત સરકાર દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન મહિલા સશક્તિકરણના ક્ષ્રેત્રમાં એક ખુબ મહત્વની સેવા તરીકે સાબિત થઈ છે. આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલીક પ્રતિસાદ આપી મુંજવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે.” વધુમાં તેમને ગુજરાત સરકારનો આભાર અને 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની સરાહના કરતાં જણાવ્યું કે, સમગ્ર દેશમાં એક અભિનવ હેલ્પલાઇન તરીકે પ્રસ્થાપિત થઇ છે, તેમજ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણની દિશામાં ગુજરાત શ્રેષ્ઠ ગુણવત્તાનું ‘આદર્શ રાજ્ય’ બન્યું છે.”

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *