સુરત : નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.નિશા ચંદ્રા નીડરતાથી કરી ચૂક્યા છે 8000થી વધુ પોસ્ટમોર્ટમ

સ્થાનિક
Spread the love

સુરત, 7 માર્ચ : પ્રાચીન ભારતનો ઈતિહાસ નારીઓની ગૌરવગાથાથી ભરેલો છે. ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ’ અર્થાત જ્યાં નારીની પૂજા કરવામાં આવે છે, ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. ઉપરોક્ત વિધાન જ ભારતીય સંસ્કૃતિમાં નારીઓનું મહત્વ દર્શાવે છે. જે સમાજમાં નારીનું સ્થાન સન્માનજનક હોય છે તે એટલો જ પ્રગતિશીલ અને વિકસિત હોય છે. પરિવાર, સમાજ અને રાષ્ટ્રનિર્માણમાં પણ નારીઓની કેન્દ્રીય ભૂમિકા રહી છે. તા.8મી માર્ચને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે વાત કરવી છે એવી નિડર મહિલા ડોક્ટરની કે જેમણે 15 વર્ષની તબીબી ફરજકાળ દરમિયાન 8000થી વધુ પોસ્ટ મોર્ટમ કરીને ‘પુરૂષ સમોવડી નારી’નું પ્રેરક ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.

આકસ્મિક મૃત્યુ પછી પોસ્ટ મોર્ટમ કરવું જરૂરી છે, જેનાથી મુત્યુનું ચોક્કસ કારણ જાણવા સાથે ઈન્સ્યુરન્સ માટે પણ પી.એમ.રિપોર્ટ મહત્વનો બની રહે છે, બીમારીથી કે અન્ય કારણથી મૃત્યુ થયું હોય તે જાણવા માટે પણ પોસ્ટ મોર્ટમ અગત્યની ભૂમિકા છે, ત્યારે એક મહિલા તરીકે ખૌફ વિના નીડરતાથી પોસ્ટમોર્ટમ કાર્ય કરતા ડો.નિશા ચંદ્રા મૂળ ઝાંરખડના રાંચીના વતની છે. વર્ષ 2004માં ભરૂચના હાંસોટ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે જોડાયા બાદ ચાર વર્ષ ફરજ બજાવી સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે હાલ ફરજ બજાવી રહ્યા છે.
ડો.નિશા જણાવે છે કે, નાનપણથી જ ડોકટર બનવાનું સ્વપ્ન હતું. મારા પિતાએ મુશ્કેલ સમયમાં પણ મને ભણાવી-ગણાવીને ડોકટર બનાવી. નવી સિવિલમાં રોજના સરેરાશ 10થી 12 પોસ્ટ મોર્ટમ કરૂ છું. સિવિલમાં હત્યા, રોડ એક્સિડેન્ટ, આત્મહત્યા,દાઝી જવાથી મોત, ડૂબી જવાથી, ઝેરી દવા પીવાથી, સાપ કરડવાથી જેવા અનેક કિસ્સાઓમાં વ્યક્તિના મૃત્યુ બાદ પોસ્ટ મોર્ટમ કરવામાં આવતું હોય છે. અહીં આત્મહત્યાની ઘટનાઓના પોસ્ટમોર્ટમ વધુ આવે છે.આ કાર્યમાં તમને ડર નથી લાગતો તેવા પ્રશ્નમાં તેઓ કહે છે કે, શરૂઆતમાં ખચકાટ અનુભવાતો હતો, પણ આ મારૂ રૂટિન કાર્ય હોવાથી હવે કોઈ પણ ડર લાગતો નથી. ડો.નિશા કહે છે કે, એક દિવસના બાળકનું પણ પોસ્ટ મોર્ટમ કર્યું ત્યારે વધુ દુઃખ થયું હતું. દાઝી જવાથી કે પાણીમાં કોહવાયેલા મૃતદેહમાં પોસ્ટ મોર્ટમ કરતી વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

કોરોનાકાળમાં પણ સોંપવામાં આવેલી ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી હોવાનું તેઓ જણાવે છે. તેમની ફરજ પરની ઘટનાને યાદ કરતા કહે છે કે, એક વાર એક પુરૂષ સિવિલ હોસ્પિટલ ખાતે તેમની પાસે આવ્યો હતો. પતિ-પત્નીના ઝઘડાના કારણે મનમાં આત્મહત્યા કરવાની ગાંઠ વાળીને આવ્યો હતો. પરંતુ તેમને શાંતિથી સમજાવીને કાઉન્સેલિંગ કર્યું, જેથી તેમણે આત્મહત્યા ન કરવાનો સંકલ્પ લઈને હસતા હસતા ઘરે ગયો ત્યારે આત્મસંતોષની લાગણી થઈ હતી. મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરૂષો સમકક્ષ નામના મેળવી રહી છે, ત્યારે નારીશક્તિ સમાજને સુદ્રઢ અને પ્રેરિત કરવામાં પણ અગત્યનું યોગદાન આપે છે. તેમણે મહિલાદિનની શુભેચ્છાઓ આપતાં કહ્યું કે, નારી હવે સતત આગળ વધવામાં માને છે. પરિવારની દેખરેખ અને વ્યાવસાયિક ફરજની સાથોસાથ જાહેર હોય કે ખાનગી, દરેક ક્ષેત્રમાં પોતાની હાજરી પૂરાવી રહી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *