
સુરત, 7 માર્ચ : પ્રાચીન સમયમાં દીકરીને સાપનો ભારો ગણવામાં આવતી હતી. દીકરી પરિવાર માટે બોજ છે એવી ગેરમાન્યતા હતી. પરંતુ, હવે આધુનિક અને વિકસિત ભારતની દીકરી સાપનો ભારો નહીં, પણ તુલસી ક્યારો બની દુનિયામાં મહેંકી રહી છે. સુરત શહેરના કતારગામ ખાતે રહેતા અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા રત્નકલાકાર વિજય કાકડિયાની 18 વર્ષીય દિકરી ત્વિષાએ ટેકવેન્ડો સ્પર્ધામાં 22 જેટલા ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલો મેળવીને સુરતનું ગૌરવ વધાર્યું છે.

મુળ ભાવનગરના ઉમરાળા તાલુકાના તરપાળા ગામના વતની અને વર્ષોથી સુરત ખાતે સ્થાયી થયેલા કાકડિયા પરિવારની દીકરીએ રમતગમતની સંઘર્ષમય સફર ખેડીને સફળતા મેળવી છે. ત્વિષા ગજેરા વિદ્યાભવનમાં ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરવાની સાથે છેલ્લા 8 વર્ષથી ટેકવેન્ડો રમી રહી છે. જેણે દેશ-વિદેશમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈ અનેક વિક્રમો પોતાના નામે કર્યા છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય ટેકવેન્ડો સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી અત્યાર સુધીમાં 17 ગોલ્ડ, 1 સિલ્વર, 4 બ્રોન્ઝ સહિત કુલ ૨૨ મેડલો પ્રાપ્ત કરી માતૃભુમિનું ગૌરવ વધાર્યું છે.

ત્વિષા કાકડિયાએ પોતાની સંઘર્ષગાથા વિશે જણાવ્યું કે, હું 8 વર્ષની વયથી ટેકવેન્ડો રમું છું. રાજ્ય સરકારની યોજનાકીય સહાયથી મારી ટ્રેનિંગ વેસુ સ્થિત ડાયનામિક વોરિયર્સ એકેડેમીમાં ચાલી રહી છે. દર મહિને રાજ્ય સરકાર તરફથી તાલીમ માટે મને રૂ.4,500ની સહાય આપવામાં આવી રહી છે. જેથી રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પીઠબળ મળ્યું છે. સેલ્ફ-ડિફેન્સ માટે માતા-પિતાએ મને 7 વર્ષની નાની ઉંમરે ટેકવાન્ડોની રમતમાં ભાગ લેવામાં માટે પ્રેરિત કરી હતી. શાળાના કોચે તાલીમ દરમિયાન મારી સુષુપ્ત પ્રતિભાને પિછાણીને આ ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહન પૂરૂ પાડ્યું, ખાસ કરીને માતા-પિતાએ મારી કારર્કિદીને નવી ઉડાન ભરવા માટે સજ્જ કરી હતી. તેમના સંપૂર્ણ સાથ સહકારથી જ મેં ટેકવાન્ડોની નિયમિત તાલીમ શરૂ કરી હતી. સૌપ્રથમ જિલ્લાક્ષેત્રની સ્પર્ધામાં મને ટુર્નામેન્ટનો પ્રથમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો. જે મારા જીવનો મહત્વનો ટર્નિંગ પોઈન્ટ હતો, મારો ઉત્સાહ બેવડાતા સતત 3 વર્ષ તાલીમ લઈ મધ્યપ્રદેશ ખાતે મારી પ્રથમ નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લઈને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

ખેલ જગતમાં ભારતનો દુનિયાભરમાં ડંકો વગાડનારી સુરતની ટેકવેન્ડો ગોલ્ડ મેડાલિસ્ટ ત્વિષા કહે છે, કે સરકાર રમત ગમતને પ્રોત્સાહન આપીને મહિલા સશક્તિકરણનું કાર્ય કરી રહી છે. વધુમાં ત્વિષાએ ઉમેર્યું કે, જીવનમાં એવા દિવસો પણ આવ્યા કે સતત તાલીમ કરવા છતાં ત્રણ વર્ષ મને એક પણ નેશનલ લેવલનો મેડલ પ્રાપ્ત થયો ન હતો. જેથી હું હતાશ થઈ ગઈ હતી. એવા સમયે પરિવાર અને કોચ દ્વારા મને આશ્વાસન આપી હિંમત વધારી હતી. અવિરત પ્રેક્ટિસના કારણે 3 વર્ષ બાદ નેશનલ ટુર્નામેન્ટમાં વધુ એક ગોલ્ડ જીતી શકી હતી, અને વર્ષ 2019માં જોર્ડન ખાતે યોજાયેલી 10મી એશિયન જુનિયર ટેકવાન્ડો ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો હતો. મારી કારકિર્દી માટે આ ઉજવવળ તક હોવા છતાં ઘરની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે આ સ્પર્ધામાં ભાગ લેવો અસંભવ સમાન હતો. ત્યારે મારી એકેડમીના કોચ તથા મારી સાથે તાલીમ લેતા સાથીમિત્રોના પરિવારજનો મારી વ્હારે આવ્યા હતા. જેથી ફંડીગની સુવિધા થકી હું એશિયન ચેમ્પિયનશિપ રમવા ગઈ હતી. જેમાં ભારતનું પ્રતિનિત્વ કરી નેશનલ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ત્યારથી લઈને હું સતત વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા થઈ રહી છું.

ત્વિષાએ આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ પ્રાપ્ત કરવા માટે ખુબ સંઘર્ષ કર્યો છે. સવારે વહેલા 4 વાગે ઉઠીને 25 કિમી દૂર વેસુ ખાતે પ્રેક્ટિસ માટે તેમના હીરાવ્યવસાય સાથે સંકળાયેલા પિતા ત્વિષાને લઈ જાય છે. ત્વિષાને સ્પોર્ટ્સમાં પુરતું ધ્યાન આપી શકે તે માટે મોબાઈલ અને ટીવીથી દુર રહે છે. હોટલ અને રેસ્ટોરન્ટનું ફાસ્ટફૂડ અને જંકફૂડના બદલે ઘરનું સાત્વિક ભોજન કરે છે, અને દીકરીએ ઘરને ગોલ્ડ મેડલોથી ભરી દીધું હોવાનું ત્વિષાના પિતાએ જણાવ્યું હતું.
ત્વિષાએ સતત 8 વખત ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે, જ્યારે ખેલ-મહાકુંભમાં 4 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ મેળવ્યા છે. કેડેટ ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપમાં 1 ગોલ્ડ, જુનિયર ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપમાં 1 ગોલ્ડ, નેશનલ સ્કુલ ગેમ્સમાં 1 ગોલ્ડ, 2 બ્રોન્ઝ, નેશનલ કેડેટ ટેકવાન્ડો ચેમ્પિયનશિપમાં 1 ગોલ્ડ, ઈન્ડિયન ઓપન ઈન્ટરનેશનલ જી-1 ચેમ્પિયનશિપમાં 1 ગોલ્ડ, એશિયન જુનિયર ટેકવાન્ડો ચેમ્પિયનશિપમાં 1 બ્રોન્ઝ, ફેર ઓપન જુનિયર ટેકવાન્ડો ચેમ્પિયનશિપમાં 1 બ્રોન્ઝ સહિત 17 ગોલ્ડ,1 સિલ્વર, 4 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી શહેરનું નામ રોશન કર્યું હતું.

ટેકવોન્ડો ગેમ શું છે?
માર્શલઆર્ટ પ્રકારની ટેકવોન્ડો રમત મુળ દક્ષિણ કોરિયાની રાષ્ટ્રીય રમત છે. જેનો વર્ષ 2000થી બિજિંગ ઓલિમ્પીકથી ઓલિમ્પીક ગેમ્સમાં સમાવેશ કરાયો છે. હાથ અને પગની મદદથી રમાતી આ રમતમાં બે સ્પર્ધકોએ સર્કલમાં રમવાનું હોય છે. જેમાં સ્પર્ધક કમર પર બાંધેલા બેલ્ટથી નીચે મારી શકતો નથી. છાતી અને મોં પર હાથ અને પગ મારવાથી પોઈન્ટ મળે છે. જેમાં મોં પર કિક કે હાથ વાગતા 3 પોઇન્ટ જ્યારે પેટ પર હાથ કે પગ લાગતા 2 પોઇન્ટ મળે છે
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત