યુક્રેન-રશિયા યુદ્ધના અસરગ્રસ્તોની વ્હારે આવ્યું આર્ટ ઓફ લિવિંગ

આંતરરાષ્ટ્રીય
Spread the love

દિલ્હી, 7 માર્ચ : યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે અનેક લોકો નિઃસહાય સ્થિતિમાં મુકાઈ ગયા છે.ત્યારે, ભારતના વિવિધ સંપ્રદાયોના આધયાત્મિક ગુરુઓ, સંતો દ્વારા લોકોની સહાય કરવામાં આવી રહી છે.આર્ટ ઓફ લિવિંગ પણ યુદ્ધના અસરગ્રસ્તોની સહાય માટે આગળ આવ્યું છે.ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ની પ્રેરણાથી આર્ટ ઓફ લિવિંગ દ્વારા યુક્રેન ની સાત સરહદો પર 30+ સહાય કેન્દ્રો દ્વારા ભારતીય છાત્રો સહિત ૧૫૦૦૦+ શરણાર્થીઓ માટે માનસિક સ્વાસ્થ્ય, ભોજન, નિવાસ તથા સ્થળાંતર ની સહાય કરવામાં આવી રહી છે.

યુક્રેન અત્યારે અત્યંત પડકારજનક પરિસ્થિતિમાં થી પસાર થઈ રહ્યું છે. વિનાશ, આર્થિક તબાહી, મૃત્યુ, અને હિંસાનાં દ્રશ્યો હચમચાવી મૂકે તેવાં છે. ભયના ઓથાર અને તણાવ હેઠળ યુક્રેનના નાગરિકો અને યુક્રેન સ્થિત અન્ય દેશોના નાગરિકો, યુક્રેનની બહાર નીકળી જવા સતત પ્રયત્નો કરી રહ્યા છે. અનેક ભારતીય છાત્રો પણ આ કઠિન સમય નો સામનો કરી રહ્યા છે. ભારત સરકારે આ બધા જ છાત્રોને સહી સલામત સ્વદેશ પહોંચાડવા માટે સઘન પ્રયાસો હાથ ધર્યા છે, અને તેમાં વિવિધ સ્ત્રોત દ્વારા સરકાર ને સહાય મળી રહી છે. આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી કહે છે કે માનનીય પ્રધાન મંત્રીશ્રી એ ફોન દ્વારા મોડી રાત્રે વાત કરીને આ છાત્રો અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી. વિદેશોમાં આવેલા આર્ટ ઓફ લિવિંગના બધા જ આશ્રમ શરણાર્થીઓ માટે ખુલ્લા મૂકવા તેમણે સૂચન કર્યું, શ્રી શ્રી રવિશંકરજી એ તેમને જણાવ્યું કે આ સેવા કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. શ્રી શ્રી જણાવે છે કે પૉલિશ બોર્ડર ઉપર ઝસાફ ટાઉનમાં બહોળી સંખ્યામાં શરણાર્થીઓ સતત આવી રહ્યા છે. આર્ટ ઓફ લિવિંગના સ્વયંસેવકો ત્યાં સતત 24*7સેવા આપી રહ્યા છે.
આર્ટ ઓફ લિવિંગ દ્વારા યુક્રેન ની બોર્ડર ઉપર તથા સ્લોવેકિયા, પૉલેન્ડ, રોમાનિયા, બલ્ગેરિયા, હંગેરી અને જર્મની ખાતે ભારતીય છાત્રોનાં સ્થળાંતર તથા નિવાસની વ્યવસ્થા કરાઇ છે. 17000થી વધુ છાત્રો નું યુક્રેનથી સ્થળાંતર થઈ ચૂક્યું છે, અને હજુ હજારો છાત્રો રાષ્ટ્રના વિભિન્ન ભાગોમાં છે, જેમનાં સ્થળાંતર માટે, તથા અન્ય રાષ્ટ્રોના નાગરિકો માટે આર્ટ ઓફ લિવિંગના સ્વયંસેવકો સતત કાર્યશીલ છે.

આર્ટ ઓફ લિવિંગ -યુરોપ ના પ્રતિનિધિ સ્વામી જ્યોતિર્મયજી કહે છે કે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ની સૂચના મુજબ, યુદ્ધ ના પહેલા દિવસથી જ આર્ટ ઓફ લિવિંગ યુરોપ નાં સ્વયંસેવકો એ સહાય કાર્ય શરૂ કરી દીધું છે. ત્યાર પછી અમે કિવ પર વધુ ધ્યાન આપ્યું છે અને શરણાર્થીઓ માટે સ્થળાંતર અને રહેઠાણની સુવિધા પૂરી પાડી રહ્યા છીએ.
આર્ટ ઓફ લિવિંગ યુરોપના અન્ય પ્રતિનિધિ સ્વામી જાતવેદજી કહે છે કે તેઓ સરહદ ની નજીકના ટાઉનમાં રહે છે. તેઓ સતત એમ્બેસી નાં સંપર્ક માં છે. તેમની પાસેથી માહિતી મેળવીને બોર્ડર પર રહેલા શરણાર્થીઓ તથા અન્ય સ્થળોએ રહેલા લોકોને ટ્રાન્સપોર્ટ, તથા રહેઠાણ અને ભોજનની સુવિધા આર્ટ ઓફ લિવિંગ યુરોપ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.

શરણાર્થીઓ પોતાના અનુભવ જણાવતાં કહે છે કે અહી ખૂબ સુંદર સુવિધા અમને મળી રહી છે. ખૂબ શાંતિનો અનુભવ થાય છે. આઠ દિવસ નાં સતત તણાવ પછી અમે ગઈ રાત્રે ગાઢ ઊંઘ લીધી છે. અન્ય એક છાત્ર કહે છે કે આર્ટ ઓફ લિવિંગ સ્વયંસેવકો અમને પોતાના સંતાનની જેમ સાચવી રહ્યા છે.હજારો શરણાર્થીઓ માટે ભોજન, નિવાસ, દવાઓ ની સાથે સાથે ધ્યાન અને યોગ દ્વારા માનસિક તણાવ થી મુક્ત થવાની શિબિરનું પણ આયોજન થઈ રહ્યું છે.
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી કહે છે કે જ્યારે વિશ્વ મહામારી, યુદ્ધ કે કુદરતી આફત ના કપરા સંજોગોમાંથી પસાર થતું હોય છે ત્યારે એક સકારાત્મક ઘટના એ બને છે કે લોકો પરસ્પર સહાય કરવા માટે આગળ આવે છે, એક અનુપમ ઐક્ય નો અનુભવ થાય છે. અત્યારે સમગ્ર યુરોપ ભય, તણાવ અને પીડા નો સામનો કરી રહ્યું છે ત્યારે વસુધૈવ કુટુંબકમ ની ભાવનાથી આપણે એક બનીએ અને શાંતિ માટે પ્રાર્થના કરીએ.કોઈ પણ સહાય માટે આપ આર્ટ ઓફ લિવિંગ યુરોપ હેલ્પ લાઇન નંબર +૩૧૬૩૧૯૭૫૩૨૮ ઉપર સંપર્ક કરી શકો છો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *