ચોર્યાસી : દામકા,વાંસવા,ભટલઇ ગામના મહિલા સ્વસહાય જૂથોની ગૃહઉદ્યોગની વિવિધ બનાવટોનું નિદર્શન કરાયું

સ્થાનિક
Spread the love

સુરત, 9 માર્ચ : ચોર્યાસી તાલુકાના ભટલાઈ ગામે અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા ‘વિશ્વ મહિલા દિવસ’ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 149 મહિલાઓએ ભાગ લીધો હતો. દામકા, વાંસવા, ભટલઇ ગામના મહિલા સ્વસહાય જૂથોની ગૃહઉદ્યોગની વિવિધ બનાવટોનું નિદર્શન કરાયું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ આસ્તિક પટેલે મહિલા દિવસનું મહત્વ સમજાવી તથા મહિલાઓના સંઘર્ષની ગાથા રજૂ કરી બહેનોને આત્મનિર્ભર બનવા માટે આહવાન કર્યું હતું. ગૃહવિજ્ઞાન વિષયના નિષ્ણાત બબિતા પ્રણવ ચૌધરીએ રોજિંદા જીવનમાં ખોરાક સાથે વિટામિન્સ અને મિનરલ્સ તંદુરસ્તી માટે જરૂરી હોવાનું જણાવી બહેનોને વિવિધ પ્રોડક્ટ્સના વેલ્યુએડિશન માટે તાલીમબદ્ધ થઇને ઉદ્યોગસાહસિક બનવા માટે આગળ વધવા જણાવ્યું હતું. તેમણે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ભારતીય વાનગીઓની ઉપયોગિતા સમજાવી જંકફૂડ- ફાસ્ટફૂડ છોડીને ભારતીય વ્યંજનોને અપનાવવા પર ભાર મુક્યો હતો.સમાજસેવિકા કોકિલાબેન અને મનીષાબેને નારી સંગઠન, બ્રાન્ડ બનાવી સ્વઉત્પાદિત પ્રોડક્ટનું વેચાણ કરવાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલુકા લાઈવલી હુડ મેનેજર ફાલ્ગુની દેસાઈએ સખી મંડળોને પગભર બનાવવા માટેની રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. તાલુકા વિકાસ અધિકારી મહેશભાઈએ મહિલા દિનનું મહત્વ સમજાવ્યુ હતું. અદાણી કોર્પોરેટ હેડ ભાવેશભાઈએ અદાણી ફાઉન્ડેશનની નારીવિકાસ અને મહિલાઓને પગભર બનાવવા અંગેની પ્રવૃત્તિઓની વિગતો આપી હતી.

આ પ્રસંગે ભટલાઈના સરપંચ નર્મદાબેન છોટુભાઈ, અદાણી ફાઉન્ડેશનના અશુતોષ ઠાકર અને રજનીકાંત ટંડેલ, અગ્રણી તૃપ્તિબેન સહિત મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *