સુરત : 32 જેટલા ડાયાલિસીસ સેન્ટરો પર 1400 થી વધુ દર્દીઓ નિયમિતપણે કરાવે છે ડાયાલિસીસ

સ્થાનિક
Spread the love

સુરત, 9 માર્ચ : દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરૂવારને ‘વિશ્વ કિડની દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 10મી માર્ચના રોજ વિશ્વ કિડની દિવસ ‘કિડની હેલ્થ ફોર ઓલ’ થીમ પર ઉજવવામાં આવશે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકો કિડની અને તેના રોગો વિષે માહિતગાર થાય અને કિડની નિષ્ફળતાની બીમારીથી બચે તે માટેનો છે. આપણા દેશમાં અંદાજે 20 લાખથી વધુ કિડની નિષ્ફળતાના દર્દીઓ છે અને દર વર્ષે તેમાં 2 થી 2.5 લાખ નવા દર્દીઓનો ઉમેરો થતો જાય છે. કિડનીની નિષ્ફળતા એ એક અસાધ્ય રોગ છે, જેને અટકાવવા માટે રોકથામ જ એક ઉપાય છે. કિડની રોગને અટકાવવા માટે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને કાબુમાં રાખવું તેમજ નિયમિત કસરત, દરરોજ ચાલવું ખૂબ જરૂરી છે. ‘પ્રિકોશન ઈઝ બેટર ધેન ક્યોર’ના સૂત્રને ધ્યાને રાખી યોગ્ય સાવચેતી રાખવામાં આવે તો કિડની ફેલ્યોરથી બચી શકાય છે.

કિડનીની બિમારી એ સાયલન્ટ કિલર છે. ભગવાને દરેક વ્યક્તિને બે કિડની આપી છે, એમાંથી એક કિડની નિષ્ફળ જાય તો પણ એક સ્વસ્થ કિડની પર વ્યક્તિ પોતાનું જીવન સારી રીતે જીવી શકે છે, પરંતુ બંને કિડની નિષ્ફળ થાય ત્યાર પછી ડાયાલિસીસ કે પછી ટ્રાન્સપ્લાન્ટ જ એનો એકમાત્ર ઈલાજ છે. સુરતમાં હાલમાં 32 જેટલા ડાયાલિસીસ સેન્ટર પર અંદાજિત 1400થી વધુ કિડની નિષ્ફળતાના દર્દીઓ નિયમિતપણે ડાયાલિસીસ કરાવી રહ્યા છે. ડાયાલિસીસથી વ્યક્તિને ક્વોન્ટીટી લાઈફ મળે છે, જ્યારે ટ્રાન્સપ્લાન્ટથી વ્યક્તિને ક્વોલિટી લાઈફ મળે છે. કિડનીના રોગોની સારવાર માટે નવીનતમ કોમ્પ્યુટરાઈઝડ ડાયાલિસીસ પદ્ધતિ ખૂબ ઉપયોગી છે. દર્દી જો ડાયાલિસીસની સારવાર યોગ્ય રીતે કરાવે તો લાંબાગાળા સુધી દર્દી ગુણવતાસભર જીવન જીવી શકે છે, જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટમાં દર્દીને અન્ય વ્યક્તિ પોતાની કિડનીનું દાન કરીને એક નવી જિંદગી આપી શકે છે. દાતાનું બ્લડગ્રુપ દર્દીના બ્લડગ્રુપ સાથે મેચ ન થતું હોય તો પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ હવે શક્ય બને છે. આ સારવાર પધ્ધતિ પણ કિડની ફેલ્યોરના દર્દીઓના ઉપચારમાં લાભદાયી બની છે.
મોટાભાગના લોકોને કિડની ખરાબ થયા પછી પણ શરૂઆતના દિવસોમાં લક્ષણો દેખાતા નથી, જ્યારે 90 ટકા કિડની ખરાબ થઈ જાય ત્યારે તેના લક્ષણો જોવા મળે છે. શરૂઆતમાં ધ્યાન રાખો તો પગના સોજા, વહેલો થાક લાગવો, એકાગ્રતામાં ઘટાડો, ભુખ ઓછી લાગવી, પેશાબના પ્રમાણમાં ઘટાડો કે વધારો, પડખામાં દુ:ખાવો થવો એ પણ કિડની રોગની નિશાનીઓ છે, જેના નિવારણ માટે તેમજ કિડનીની બિમારી અંગેના નિદાન અને સારવાર માટે નીચે મુજબના ટેસ્ટ વર્ષમાં એક વાર સિરમ ક્રિએટિનિન, બ્લડ સુગર (રેન્ડમ/ PPBS), યુરિન (R&M)ટેસ્ટ અને કિડનીની સોનોગ્રાફી જેવા વિવિધ પરીક્ષણ જરૂર કરાવવા જોઈએ, જેથી કિડનીને ચુસ્ત દુરસ્ત રાખી શકાય.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *