સુરત : ‘ નલ સે જલ ‘ યોજના અંતર્ગત ઉમરપાડા તાલુકાનું ઉમરઝર ગામ 100 % નળ જોડાણથી આવરી લેવાયું

સ્થાનિક
Spread the love

સુરત, 10 માર્ચ : ” જળ એ જ જીવન છે “. શુદ્ધ જળ સંસાધનો એ માનવીને કુદરત તરફથી મળેલી અણમોલ ભેટ છે. પાણીનો જ્યારે અભાવ થાય ત્યારે જ તેનો ભાવ સમજાય છે. રાજ્ય સરકારની ‘નલ સે જલ’ યોજના અંતર્ગત વાસ્મો (WASMO-વોટર અને સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન)ના પ્રયાસોથી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકો પાણીના બાબતે સ્વાવલંબી બનવા તરફ આગળ વધી રહ્યો છે. ઉમરપાડા તાલુકાના ઉમરઝર ગામે 100% ‘નલ સે જલ’ની લક્ષ્યપ્રાપ્તિની સિદ્ધિ હાંસલ કરી છે. ઉમરઝર ગામની વસ્તી 1899 છે, જેની સામે 411 જેટલા નળ કનેક્શનની કામગીરી રૂ. 3483639 ના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે. પાણી પુરવઠાની જૂથ યોજનાઓ અને વાસ્મોના અથાગ પ્રયાસોથી તાપી નદીનું પાણી ગામના પ્રત્યેક ઘરે પહોંચતા ગ્રામજનોને પાણી માટે રઝળપાટમાંથી મુક્તિ મળી છે.

વાસ્મોના ઉમરપાડા તાલુકાના ડેપ્યુટી મેનેજર(ટેકનિકલ) કેતન ચૌધરીએ જણાવ્યું કે, ઉમરપાડા તાલુકાની કુલ 3619ની વસ્તી સામે રૂ.72,69,262ના ખર્ચે 960 જેટલા નળ કનેક્શન મંજુર કરવામાં આવ્યા હતા. જે 1 લાખ લીટર અને 50 હજાર લીટરના 1-1 સંપ અને 30 હજાર લિટરના 2 સંપ મળી કુલ 4 સંપ 2 લાખ 10 હજાર લિટરની વોટર ક્ષમતા ધરાવે છે. આ આગાઉ બોર આધારિત જળસ્રોત પર આધાર રાખવો પડતો હતો. ઉનાળામાં પીવાનું પાણી તળીયે જતા સમસ્યા ઉભી થતી હતી. પરંતુ સરકારની ‘નલ સે જલ યોજના’ તેમજ ‘કાકરાપાર જૂથ પાણી પૂરવઠા યોજના’ થકી તાપી નદીનું પાણી ઘર ઘર પહોંચતું થયું અને ગામોના પીવાના પાણીની સમસ્યાનું સુખદ નિવારણ થયું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત સરકારના જળશક્તિ મંત્રાલય અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘નલ સે જલ’ યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે વર્ષ 2022ના અંત સુધીમાં રાજ્યમાં ‘જ્યાં ઘર હશે ત્યાં નળ હશે’ તેવા સંકલ્પ સાથે પાણી પહોંચાડવાનું લક્ષ્ય સેવ્યું છે. જેમાં રાજ્યના દરેક ઘર સુધી પાઈપલાઈન દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચે તે માટે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.છેવાડાના ગ્રામજનોની પાણીની મૂળભૂત જરૂરિયાતોને સંતોષવા સરકારે અગ્રીમતા આપી છે, અને પૂરતું પાણી ઉપલબ્ધ કરાવ્યુ છે. ઉમરઝર ગામમાં 100% નલ સે જલની સિદ્ધિ હાંસલ થતાં રોજ સવાર-સાંજ બે સમય પૂરતા જથ્થામાં પાણી મળતા ગ્રામજનો ખુશખુશાલ થયા છે. સરકારના આ પ્રજાલક્ષી અને વિકાસલક્ષી અભિગમથી સરપંચ સહિત ગ્રામજનોએ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

સવાર સાંજ બે વખત સમયસર પૂરતા જથ્થામાં પાણી મળી રહ્યું છે: મૈસુખ વસાવા

ઉમરઝર ગામના સ્ટેશન ફળિયાના રહેવાસી મૈસુખબેન વસાવા જણાવે છે કે, “ગામવાસીઓને પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા હતી. ખાસ તો ઉનાળાના સમયમાં બોરનું પાણી તળીયે જતું રહે છે. જેથી પાણીના ટીપો-ટીપા માટે સંઘર્ષ કરવો પડતો હતો. ગ્રામજનોને પાણી લેવા બળદગાડાથી છેક દૂર ડુંગરપર જવું પડતું, જેથી સમય અને શક્તિનો ખુબ વ્યય થતો હતો. અમે પાણીની ખરી કિંમત સમજીએ છીએ. હાલ પીવા માટે, ઘરવપરાશ, ખેતી માટે સવાર સાંજ બે વખત સમયસર પૂરતા જથ્થામાં પાણી મળતા સમસ્યાનું સમાધાન થયું છે. સરકારની “નલ સે જલ” યોજના અંતર્ગત પીવાનું પાણી નળ કન્કેશન થકી અમારા ઘર સુધી પહોંચ્યું છે, તે બદલ અમે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.”

એવું લાગે છે કે અમારા સુખના દિવસો શરૂ થયા: વિજય ચૌધરી

ઉમરઝર ગામના ખાટીજામન ફળિયાના લાભાર્થી વિજય ચૌધરીએ જણાવ્યું હતું કે “વાસ્મોના અધિકારીએ પાણી અંગે ગામની સમીક્ષા કરી હતી, અને સમયસર ‘નલ સે જલ’ યોજના મંજુર કરી ગામના તમામ ઘરોમાં નળ જોડાણ આપ્યાં હતાં અને પાણી પૂરવઠા વિભાગ દ્વારા સવાર સાંજ પૂરતા જથ્થામાં પાણી પહોંચતું કરવામાં આવે છે. પશુપાલન, ઘર વપરાશને લગતી પાણીની તમામ સમસ્યાઓ દુર થઈ છે. એવું લાગે છે કે અમારા સુખના દિવસો હવે શરૂ થયા છે, કારણ કે પાણીની તંગીમાં અનુભવેલી હાડમારી હજુ પણ યાદ છે. દર વર્ષે પાણી વિના વેઠેલી મુશ્કેલીઓનો હવે કાયમી ઉકેલ આવ્યો છે. એટલે જ રાજ્ય સરકાર અને વાસ્મોના અધિકારીઓના અમે ઋણી છીએ.”

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *