
સુરત, 12 માર્ચ : યુક્રેનની યુદ્ધભૂમિ ઉપરથી સહી સલામત રીતે વતન પહોંચેલી, ડાંગની દીકરી ખુશ્બુ પટેલ તેણીના ઘરે જતા પહેલા તેના માતાપિતા સાથે સીધી સરકારનો આભાર વ્યક્ત કરવા માટે, કલેકટોરેટ પહોંચી હતી.તા.24મી ફેબ્રુઆરીથી સતત ડર, ઘબરાહટ, અને ચિંતામા રહેલા યુક્રેનમા અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓ, અને તેમના માતપિતા તથા પરિવારજનો કોઈ પણ ક્ષણે, કઈ પણ અજુગતુ ન બની જાય તે માટે પોતપોતાના ઈસ્ટ દેવને પ્રાર્થના કરતા હતા. ત્યારે ભારત સરકારનુ ‘ઓપરેશન ગંગા’ કઈ કેટલાય પરિવારો માટે નવજીવન લઈને આવ્યુ છે.

ભારત સરકારની અદમ્ય ઇચ્છાશક્તિ અને અભૂતપૂર્વ સાહસી પગલાને કારણે સુમિ (યુક્રેન)થી બસ અને ટ્રેન મારફત પોલ્ટોવ, કિવ, લવિવ થઈ પોલેન્ડ. પોલેન્ડથી દિલ્હી, દિલ્હી થી સુરત, અને સુરતથી આહવા પહોંચેલી, ખુશ્બુ પટેલે તેણીના ઘરે પહોંચતા પહેલા જિલ્લા સેવા સદન ખાતે પહોંચીને સૌ પહેલા કલેકટર ભાવિન પંડ્યાને મળીને, સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કર્યો.તા.24 ફેબ્રુઆરીથી યુક્રેનની ભૂમિ ઉપર યુદ્ધના ઘેરાયેલા વાદળો વચ્ચેથી ઇન્ડિયન એર ફોર્સ સહિત એર ઇન્ડિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસ, ઈન્ડિગો, સ્પાઇસ જેટ, વિસ્ટારા, એરએશિયા ઇન્ડિયા અને ગો ફર્સ્ટ જેવી એરલાઈન્સની 80થી વધુ ફ્લાઇટ્સે વડાપ્રધાનના દિશાનિર્દેશ અનુસાર ઉડાન ભરીને, 20 હજારથી વધુ ભારતીયોની વતન વાપસી કરાવી છે, જેમા 18 હજારથી વધુ તો વિદ્યાર્થીઓ હતા.

‘ઓપરેશન ગંગા’ દરમિયાન ભારત સરકારની મુત્સદ્દીગીરી દુનિયા આખી એ જોઈ છે. યુક્રેન અને રશિયાના રાષ્ટ્રપતિઓ સાથે શ્રેણીબદ્ધ ટેલિફોન ટોક, અને ક્રિટિકલ કન્ડિશનમાંથી એક એક ભારતીયોને સુરક્ષિત રીતે ઘરે લાવવા માટે જરૂરી તમામ રાજદ્વારી પગલાઓ લઈને, વડાપ્રધાનએ એક એક ભારતીયોને ગૌરવ થાય, અને તેમની છાતી ગજ ગજ ફૂલે તેવા કદમ ઉઠાવ્યા છે.દરમિયાન યુદ્ધની સ્થિતિમા અટવાયેલા હજારો ભારતીયોને, ખાસ તો વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવા ભારત સરકારે પ્રયાસો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઓપરેશન ગંગા’ મિશનને ઝડપી બનાવવા કેન્દ્રીય પ્રધાનો હરદીપસિંહ પુરી, જ્યોતિરાદિત્યસિંધિયા, જનરલ વી.કે. સિંહ તથા કિરન રિજિજુને વિશેષ દૂત તરીકે યુક્રેનના પડોશી દેશોમા મોકલી, યુક્રેનમા સપડાયેલા ભારતીયો પોલૅન્ડ, રોમાનિયા, હંગેરી, સ્લોવાકિયા તથા મોલ્દોવા એ દેશની સરહદે પહોંચી ત્યાંથી ભારત આવી શકે એવી વ્યવસ્થા ગોઠવી હતી. ભારત સરકારના આ પ્રધાનોએ બચાવકાર્ય પર નજર રાખવા સાથે, ખાસ કો-ઑર્ડિનેશન કર્યું. એક પણ ભારતીય લાલ ફીતાશાહીનો ભોગ ન બને તેની વિશેષ દરકાર લીધી છે. સુમિ મા ફસાયેલા વિદ્યાર્થીઓ માટે તો ભયાનક યુદ્ધની વચ્ચે સિઝ ફાયર કરાવીને, માનવ સાંકળ વચ્ચેથી ભારતીયોને સુરક્ષિત બહાર કઢાયા છે.

છેલ્લે સુમિ સ્ટેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત ૬૯૪ ભારતીયો, જેમા પચ્ચીસ જેટલા ગુજરાતીઓને લઈને એર ઇન્ડિયાની ફ્લાઇટ પોલેન્ડથી ઉપડી, અને રાજધાનીના ઍરપોર્ટ ઉપર લેન્ડ થઈ, ત્યારે આ વિદ્યાર્થીઓએ રોકી રાખેલા અશ્રુઓનો જાણે કે બંધ તૂટી પડ્યો હતો.ડાંગ કલેકટોરેટ ખાતે ભાવવાહી વાતાવરણ વચ્ચે ખુશ્બૂ એ રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા, કલેક્ટરના ચરણ સ્પર્શ કર્યા હતા. કલેકટરભાવિન પંડ્યાએ વડિલ તૂલ્ય આશીર્વાદ સાથે ખુશ્બુને દીર્ઘાયુ થવા સાથે ઉચ્ચ કારકિર્દીના આશીર્વચન પાઠવ્યા હતા. ખુશ્બુ પટેલે યુક્રેનની યુદ્ધભૂમિની ભયાવહતા વર્ણવી, ડાંગ જિલ્લા ભાજપના પ્રમુખ દશરથભાઈ પવાર,મીડિયા સેલ કન્વીનર પાંડુ ચૌધરી તેમજ પરત ફરવા પ્રયાસો કરનારા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત