દુબઇમાં ‘ઇન્ડિયન ટેકસટાઇલ એકસ્પો’ને જબરજસ્ત પ્રતિસાદ : સુરતને થયો ફાયદો

સ્થાનિક
Spread the love

સુરત, 13 માર્ચ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ફન ફ્રીડમ ઇવેન્ટ કંપનીના સંયુકત ઉપક્રમે દુબઇ ખાતે તા.11થી 13 માર્ચ, 2022 દરમ્યાન ‘ઇન્ડિયન ટેકસટાઇલ એકસ્પો’યોજાયો હતો. આ એકસ્પોને દુબઇમાં ખૂબ જ જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને આજે રવિવારે છેલ્લા દિવસે પણ ખૂબ જ મોટી સંખ્યામાં બાયર્સ પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા.

         દુબઇ ખાતે ‘ઇન્ડિયન ટેકસટાઇલ એકસ્પો’માં ભાગ લેનારા આકાશ ભાદાણીએ જણાવ્યું હતું કે, તેઓ સુરતમાં ફેબ્રિકનું ઉત્પાદન કરે છે. આ એકઝીબીશનમાં તેઓને ઘણી ઇન્કવાયરી જનરેટ થઇ હતી. દુબઇમાં એજન્સી દ્વારા જે હોલસેલર અને ઇમ્પોર્ટરને તેઓનું ફેબ્રિક સપ્લાય થતું હતું એવા વેપારીઓ સાથે અહીં સીધો સંપર્ક થયો હતો. આ ઉપરાંત દુબઇ ખાતે હોલસેલમાં બિઝનેસ કરનારા દુબઇ ફરતેના 25 થી 30 જેટલા દેશોમાં માલ એકસપોર્ટ કરે છે. આથી ગ્લોબલ માર્કેટમાં પોતાની પ્રોડકટને વેચાણ કરવા માટેની વિશાળ તક અહીં મળી છે.
         અન્ય એક એકઝીબીટર્સ પ્રિયાંક પટેલે જણાવ્યું હતું કે, સુરતમાં તેઓની રેડીમેડ ગારમેન્ટની બુટીક છે. દુબઇ ખાતેના એકઝીબીશનમાં તેમણે રેડીમેડ ગારમેન્ટનું પ્રદર્શન કર્યું હતું. અહીં કોમ્પીટીટર ખૂબ જ ઓછા હોવાથી તેઓને ડાયરેકટ ગ્રાહક પાસે વધારે માર્જીનમાં બિઝનેસ મળ્યો હતો. આવા એકઝીબીશન થકી બ્રાન્ડ વેલ્યુ ક્રિએટ થાય છે અને વેપારીઓ સીધા જ સંપર્કમાં આવે છે. આથી એકઝીબીશનમાં ભાગ લેનારા સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારો માટે ગ્લોબલી માર્કેટમાં પોતાની પ્રોડકટને રજૂ કરવાના દરવાજા ખૂલી ગયા છે. રવિવારે એકઝીબીશનના અંતિમ દિવસે પણ ઘણા જેન્યુન બાયર્સ પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા.

જો કે, ચેમ્બર દ્વારા ખેદની લાગણી સાથે જણાવવામાં આવે છે કે રવિવાર, તા.13 માર્ચ, ર૦રર ના રોજ સવારના સુમારે દુબઇ ખાતે જે હોટેલમાં ‘ઇન્ડિયન ટેકસટાઇલ એકસ્પો’ યોજાયો છે તે સ્થળનો દરવાજો પંદર મિનિટ મોડો ખૂલ્યો હોવાથી કેટલાક લોકો દ્વારા તેનો વિડિયો બનાવી ચેમ્બરને બદનામ કરવાનો તુચ્છ પ્રયાસ કરવામાં આવ્યો હતો. દુબઇ ખાતે એકઝીબીશન બંધ કરાયું હોવાનો વિડિયો વાયરલ કરવામાં આવ્યો હતો, પરંતુ આ બાબત તદ્દન ખોટી છે અને ચેમ્બર દ્વારા તેનું સ્પષ્ટ ખંડન કરવામાં આવે છે.

અત્રે નોંધનીય બાબત એ છે કે, ચેમ્બર દ્વારા ફન ફ્રીડમ ઇવેન્ટ કંપનીને ટર્મ્સ એન્ડ કન્ડીશન મુજબ પૂરેપૂરા રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે અને હવે કોઇ રૂપિયા ચૂકવવાના થતા નથી. રૂપિયા મળ્યા બાદ જ ઇવેન્ટ કંપનીએ પણ દુબઇ ખાતે હોટેલમાં સમગ્ર એકઝીબીશન અને એકઝીબીટર્સ માટે રહેવા સહિતની તમામ વ્યવસ્થા ગોઠવી હતી. જો ચેમ્બર દ્વારા ઇવેન્ટ કંપનીને રૂપિયા ચૂકવવામાં આવ્યા જ ન હોત તો એકઝીબીશન તથા એકઝીબીટર્સની હોટેલમાં કોઇપણ પ્રકારની સુવિધા થઇ જ શકી ન હોત, જે ખૂબ જ સીધી અને સરળ બાબત છે અને બધાના સમજમાં આવે તેમ છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *