દેશના પ્રથમ સહકાર મંત્રીએ સહકારી પ્રવૃત્તિઓના સ્વર્ગ સમા દક્ષિણ ગુજરાતના સહકારી માળખાની સરાહના કરી

સ્થાનિક
Spread the love

સુરત, 13 માર્ચ : ‘ ગુજરાતની સહકારી વ્યવસ્થા દેશ માટે રોલમોડેલ સમાન છે, જેમાં સહકારી ખાંડ મિલો દેશભરમાં સર્વશ્રેષ્ઠ-ચડિયાતી છે. દેશના ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને સમાન વિકાસની તક આપવામાં સહકારી ક્ષેત્રનું અમૂલ્ય યોગદાન છે. વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પૂર્ણ કરવામાં અને ખેડૂતોની આવક બમણી કરવામાં સહકારી ક્ષેત્ર અગ્રેસર બનશે.’ એમ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તાપી જિલ્લાના બાજીપુરા ખાતે ‘સહકારથી સમૃદ્ધિ’ સંમેલનને સંબોધતા જણાવ્યું હતું.

દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના “આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.-સુમુલ ડેરી દ્વારા બાજીપુરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને ‘સહકારથી સમૃદ્ધિ’ વિરાટ સંમેલન યોજાયું હતું.સંમેલન સ્થળેથી સહકાર મંત્રીના હસ્તે ‘સહી પોષણ, દેશ રોશન’ અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર અને ગુજરાત કો.ઓપ.મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સહયોગથી સુમુલ ડેરી દ્વારા નવનિર્મિત સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્કી આટા પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન તેમજ નવી પારડીમાં બનનારા અત્યાધુનિક ‘બટર કોલ્ડ સ્ટોરેજ’ તથા ‘પાવડર વેર હાઉસ’નું ભૂમિપૂજન, સુમુલ દાણ ફેક્ટરી ના રો-મટિરિયલ વેસ્ટને ઓર્ગેનિક ખાતરમાં રૂપાંતરિત કરી રાજ્ય સરકારના ઓર્ગેનિક ફાર્મિંગના કોન્સેપ્ટને વેગ આપવા ‘સુમુલ બાયો કમ્પોસ્ટ ઓર્ગેનિક ખાતર ઉત્પાદન એકમ’ તેમજ પશુ વંધ્યત્વ નિવારણ અને પશુઓની દૂધક્ષમતા વધારા માટે જરૂરી પશુઆહાર સપ્લીમેન્ટ ‘સુમુલ ફર્ટીકેર ગોલ્ડ બોલસ’ અને ‘સુમુલ ન્યુટ્રીમિલ્ક ફીડ-સપ્લીમેન્ટસ’ ઉત્પાદન એકમોનું ઉદ્દઘાટન ગૃહમંત્રીના વરદ્દ હસ્તે સંપન્ન થયું હતું.

દેશના પ્રથમ સહકાર મંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું કે, સહકારી પ્રવૃત્તિઓથી ગ્રામ ઉત્થાનના બીજ સરદાર વલ્લભભાઈ પટેલ,ત્રિભુવનદાસ પટેલ, પૂ.ભાઈકાકા, વૈકુંઠભાઈ મહેતા સહિતના સહકારી નેતાઓએ વાવ્યા હતા, જે આજે વિશાળ વટવૃક્ષમાં પરિવર્તિત થયા છે.

સહકારી પ્રવૃત્તિઓના સ્વર્ગ સમા દક્ષિણ ગુજરાતના સહકારી માળખાની સરાહના કરતા તેમણે કહ્યું કે, 275 લીટર દૂધ ક્ષમતાથી શરૂ થયેલી સુમુલ ડેરીની સફર આજે 1200 દૂધ મંડળીઓના અઢી લાખ સભાસદો સુધી પહોંચી છે, જેમના ખાતામાં દૈનિક ધોરણે રૂ.7 કરોડની ચૂકવણી થાય છે, આ વ્યવસ્થા હજારો પરિવારોના જીવનધોરણને ઉન્નત બનાવવામાં આશીર્વાદરૂપ બની છે.આજે અમૂલ રૂ.53 હજાર કરોડના ટર્ન ઓવરના વિક્રમી લક્ષ્ય સુધી પહોંચી હોવાનો હર્ષ વ્યક્ત કર્યો હતો. તેમણે લાખો ખેડૂતો, પશુપાલકો સહકારથી સમૃધ્ધિ તરફ જઈને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકારિત કરશે એમ જણાવતા સુમુલ ડેરીના પશુપાલકોના આર્થિક ઉન્નતિના પ્રયાસોને બિરદાવ્યા હતા.વડાપ્રધાનએ પાંચ ટ્રિલિયન યુએસ ડોલરની અર્થવ્યવસ્થાનું લક્ષ્ય સેવ્યું છે, ત્યારે વડાપ્રધાનએ દેશને આપેલા ‘સહકાર સે સમૃદ્ધિ’ મંત્રને અનુસરી સહકારી ક્ષેત્ર પણ વડાપ્રધાનના લક્ષ્યને પરિપૂર્ણ કરવામાં મહામૂલું યોગદાન આપશે.અમૂલ ડેરીના નેજા હેઠળ પ્રાકૃતિક ખેતી કરતા કિસાનોને પોષણક્ષમ ભાવો મળી રહે, સુયોગ્ય બજાર મળી રહે એ માટે વ્યવસ્થા તંત્ર બનાવવામાં આવશે. એક જ વર્ષમાં આ મિકેનિઝમ દ્વારા ભારતીયો રસાયણમુક્ત કૃષિ ઉત્પાદનોનું સેવન કરીને ‘સ્વસ્થ ભારત, સમૃદ્ધ ભારત’ના નિર્માણમાં ભાગીદાર બને એવું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું હોવાનું પણ શાહે જણાવ્યું હતું.

ગૃહ અને સહકાર મંત્રીએ વધુમાં જણાવ્યું કે, 40 વર્ષથી લટકતા સહકારી ખાંડ મિલોના આવકવેરા લાયેબિલિટીના પ્રશ્નને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર અઢી મિનિટમાં નિવારણ કરી પ્રજાભિમુખ વહીવટનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. આ સરકાર કિસાનોની દરકાર રાખવા, તેમના સમૃદ્ધ જીવન માટે દેશના 13 કરોડ ખેડૂતોના બેન્ક ખાતામાં પ્રતિ ખેડૂત રૂ.6 હજાર સીધા જમા કરે છે, એમ જણાવી તેમણે સહકારી ચળવળ ગ્રામીણ ભારતની પ્રગતિ સુનિશ્ચિત કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. દેશમાં પાયાના સ્તરે સહકાર-સહભાગિતા આધારિત ચળવળના મૂળ ઊંડા ઉતરે અને વિકાસના ફળો ગામેગામ પહોંચે તે માટે સહકાર મંત્રાલયની રચના કરાઈ છે. સહકાર એ એવો માર્ગ છે જેના દ્વારા સર્વસમાવેશક વિકાસ તરફ આગળ વધી શકાય છે, ત્યારે આ વિભાવના સાથે સહકારિતા મંત્રાલય કાર્યરત થયું છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સહકારિતાના ભાવ સાથે 200 લિટરથી શરૂ થયેલી સુમુલ ડેરી આજે 20 લાખ લિટર દુધનું એકત્રીકરણ કરીને વટવૃક્ષ બની છે, જે બદલ અભિનંદન પાઠવ્યા હતા. આઝાદીની ચળવળમાં ગાંધીજી અને સરદારસાહેબે આપેલા યોગદાનને યાદ કરીને બારડોલી સત્યાગ્રહના આંદોલને દેશમાં ગુજરાતની અસહકાર આંદોલનની પિઠીકા તૈયાર કરી હોવાનું જણાવ્યું હતું.સહકારિતાએ ગુજરાતમાં વિકાસના નવા કિર્તિમાનો સર કર્યા છે. વડાપ્રધાનના ‘સૌના સાથ અને સૌના વિકાસ’ના મંત્ર તથા સહકારીતા ક્ષેત્રના ‘વિના સહકાર નહી ઉદ્ધાર’ના મંત્રની ભાવના આગામી સમયમાં ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરશે તેમ તેમણે જણાવ્યું હતું.
પ્રધાનમંત્રી સહકારીતાને વધુને વધુ વેગ મળે તેવા પ્રયાસો કરી રહ્યા હોવાની વિગતો આપતા જણાવ્યું કે, બજેટમાં કો-ઓપરેટીવ સોસાયટીના વૈકલ્પિક લઘુતમ દર ઘટાડીને 15 ટકા કર્યો છે. આ ઉપરાંત બજેટમાં એકથી દસ કરોડની આવક ધરાવતી કો-ઓપરેટીવ સોસાયટીઓનો સરચાર્જ 12 ટકા ઘટાડીને 7 ટકા કર્યો છે.સુમુલ ડેરીએ ઓર્ગેનિક ખેતી કરતા ખેડુતોને વધુ સારા ભાવો મળી રહે તે માટે પોતાના પાર્લરો ખાતે ખેડુતોની પ્રોડકટનું વેચાણ કરશે તેવી પહેલને બિરદાવી હતી. સુમુલ ડેરી 11 જિલ્લાની આંગણવાડીઓમાં માતૃશકિત જેવી પોષણયુકત પ્રોડકટ પુરી પાડશે જેના થકી સરકારની કુપોષણને નાબૂદ કરવાના અભિયાનને વધુ બળ મળશે. સહકારીતાની ભાવના સાથે ડેરીનો વિકાસ આગામી સમયમાં આગળ વધતો રહે તેવી શુભકામનાઓ તેમણે પાઠવી હતી.

સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યંર હતું કે, માતબર દૂધ ઉત્પાદનના કારણે ગુજરાતના લાખો પશુપાલકોના ઘરનો ચૂલો જ નથી સળગતો, પરંતુ પશુપાલક પરિવારોમાં સુખ-સમૃદ્ધિનો સૂરજ ઉગ્યો છે. તેમણે રાજ્ય સરકાર દ્વારા બંધ પડેલી વ્યારા સુગરને પુન:જીવિત કરવા માટે રૂ.૩૦કરોડની ફાળવણી કરવાના ઉમદા પગલાંને સહકારી ક્ષેત્રના ઉત્થાન માટેનું સાહસિક કદમ જણાવ્યું હતું. પાટીલે રાજ્ય અને કેન્દ્ર સરકાર તેમજ સુમુલ ડેરીની પશુપાલન પ્રોત્સાહન પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. સહકારની પ્રવૃત્તિઓનો સમગ્ર દેશમાં વ્યાપ વધે તેવા આશયથી કેન્દ્ર સરકારે સહકાર મંત્રાલયની કરેલી રચના કરોડો સહકારી એકમો માટે સંજીવનીરૂપ બનશે એમ ઉમેર્યું હતું.
સહકારમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રીએ સુમુલ દાણ ફેક્ટરીના પરિસરમાં સુમુલના ‘સહકાર ધ્વજ’નું આરોહણ કર્યું હતું. તેમજ સુમુલના સુપોષક ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું. આ વેળાએ સહકારમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રીના હસ્તે પ્રગતિશીલ અને વિશિષ્ટ સિદ્ધિપ્રાપ્ત ખેડૂતો, ગૌપાલકો, મહિલા પશુપાલકોનું સન્માન કરાયું હતું. જેમાં કુત્રિમ બીજદાન માટે વિશિષ્ઠ સિધ્ધિ મેળવવા બદલ દિપકભાઈ તથા આત્મનિર્ભર પશુપાલક સંજય ગામીત તથા પદ્મશ્રી મેળવનાર ઈલાબેનનું સન્માન કરાયું હતું.

પ્રારંભે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલના પ્રેરક માર્ગદર્શન સહકાર અને સંગઠનની ભાવના સાથે શરૂ થયેલી સુમુલ ડેરી આજે 1200 મંડળીઓના 2.50 લાખ સભાસંદો દ્વારા 20 લાખ લિટર દુધનું એકત્રિકરણ કરીને ખેડુતો, પશુપાલકોને દૈનિક સાત કરોડ તેમના ખાતામાં જમા કરવામાં આવે છે. સુમુલ ડેરીના આગામી પાંચ વર્ષના લક્ષ્યાંકો વર્ણવતા કહ્યું કે, દૈનિક 25 લાખ લિટર દુધનું એકત્રીકરણ કરીને રોજના રૂ.10થી 12 કરોડની રકમ પશુપાલકો સુધી પહોચે તે દિશામાં કાર્ય કરી રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશ, નાણાં મંત્રી કનુ દેસાઈ, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી, સહકારમંત્રી જગદીશ પંચાલ, ગૃહરાજ્યમંત્રીહર્ષ સંઘવી, કૃષિ ઊર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલ, સાંસદ પ્રભુ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ, બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી, સુરત જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભીખુ પટેલ, સુરત એ.પી.એમ.સી.ના ચેરમેન રમણ જાની, ગુજરાત કો.ઓપ.મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અધ્યક્ષ શામળપટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈ, સુમુલ ડેરીના વાઈસ ચેરમેન રાજુ પાઠક સહિત ધારાસભ્યો, સુમુલ અને અન્ય સહકારી મંડળીઓના સભાસદો, પશુપાલકો, પદાધિકારીઓ, સહકારી આગેવાનો, સુમુલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, GCMMF, NDDB ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સુમુલ ડેરીની વિકાસગાથા વર્ણવતી વિડિઓ ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *