
સુરત, 14 માર્ચ : “નલ સે જલ” યોજના અંતર્ગત વાસ્મો (WASMO- વોટર અને સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન)ના પ્રયાસોથી ચોર્યાસી, માંડવી અને બારડોલી તાલુકાના ગામોમાં 100 ટકા નળ જોડાણ: હવે ઘરે ઘરે ‘નલ સે જલ’ પહોંચી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોને પાણીદાર બનાવવા ‘રાષ્ટ્રીય જલ જીવન મિશન’ હેઠળ સુરત જિલ્લાના નવ તાલુકાના કુલ 720 ગામોમાં 96.64% નળ જોડાણ પૂર્ણ થયું છે.

નવ તાલુકાના કુલ 720 ગામોના 3,96,363 ઘરોમાંથી 3,89,955 ઘરોને સંપૂર્ણ નળ જોડાણ માટેની 96.64% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ચોર્યાસી તાલુકાના 47 ગામોના કુલ 43,173 ઘરો અને બારડોલી તાલુકાના 86 ગામોના કુલ 43,319 ઘરો તેમજ માંડવી તાલુકાના 136 ગામોના કુલ 50,347 ઘરોને 100 ટકા નળ જોડાણનો લાભ આપવામાં આવ્યો છે. જયારે કામરેજ તાલુકામાં 99.80 % કામગીરી અંતર્ગત 69 ગામોના કુલ 47,570 ઘરોમાંથી 68 ગામોના 47,473 ઘરોને નળ જોડાણથી આવરી લેવાયા છે. આ સિવાય માંગરોળ તાલુકામાં 98.39 % કામગીરી અંતર્ગત 93 ગામોના કુલ 51,489 ઘરોમાંથી 91 ગામોના 50,658 ઘરો, ઓલપાડ તાલુકામાં 97.93% કામગીરી અંતર્ગત 108 ગામોના કુલ 55,808 ઘરોમાંથી 103 ગામોના 54,651 ઘરો, પલસાણા તાલુકામાં 97.38% કામગીરી અંતર્ગત 48 ગામોના કુલ 39,473 ઘરોમાંથી 46 ગામોના 38,437 ઘરો, ઉમરપાડા તાલુકામાં 99.89% કામગીરી અંતર્ગત 64 ગામોના કુલ 25,358 ઘરોમાંથી 63 ગામોના 25,329 ઘરો અને મહુવા તાલુકામાં 91.82% કામગીરી અંતર્ગત 69 ગામોના કુલ 39,826 ઘરોમાંથી 65 ગામોના 36568 ઘરોને નલ સે જલ” યોજના થકી સફળતાપૂર્વક નળ જોડાણની સુવિધા આપવામાં આવી છે.

નોંધનીય છે કે, ભારત સરકારના જળશક્તિ મંત્રાલય અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘નલ સે જલ’ યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે વર્ષ 2022ના અંત સુધીમાં રાજ્યમાં ‘જ્યાં ઘર હશે ત્યાં નળ હશે’ તેવા સંકલ્પ સાથે પાણી પહોંચાડવાનું લક્ષ્ય સેવ્યું છે. જેમાં રાજ્યના દરેક ઘર સુધી પાઈપલાઈન દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચે તે માટે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત